કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે સિનેમા અને કલ્ચરલ એક્ટિવિસ્ટસ્ને લાભ પહોંચાડવા માટે સિનેમા ટિકિટ અને ‘ઓવર-ધ-ટોપ’ (OTT) સબસ્ક્રિપ્શન ફી પર 1%થી 2% સુધીનો ટેક્સ લાદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. હજુ તાજેતરમાં જ રાજ્યમાં પેટ્રોલના ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે હવે સિનેપ્રેમીઓ માટે મોંઘવારીના ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. શુક્રવારે (19 જુલાઈ) કર્ણાટક વિધાનસભામાં રજૂ કરાયેલા ‘કર્ણાટક સિને એન્ડ કલ્ચરલ એક્ટિવિસ્ટ્સ (વેલફેર) બિલ 2024’ મુજબ, સિનેમા ટિકિટ અને OTT સબસ્ક્રિપ્શન પર સેસ 1%થી 2% સુધીનો રાખવામાં આવશે અને સરકાર દ્વારા આ વિશેના નિર્ણયો લેવામાં આવશે. શ્રમ સચિવ મોહમ્મદ મોહસીને આ વિશે જણાવ્યું છે કે, સરકાર રાજ્યમાં યોજાતા નાટ્ય પ્રદર્શનો પર પણ સેસ લાગુ કરવાની યોજના બનાવી રહી છે.
કર્ણાટક વિધાનસભામાં રજૂ કરવામાં આવેલું આ બિલ રાજ્યમાં સિને અને કલ્ચરલ એક્ટિવિસ્ટોને લાભ આપવા માટે સરકારને ‘ધ કર્ણાટક સિને એન્ડ કલ્ચરલ એક્ટિવિસ્ટ્સ સોશિયલ સિક્યુરિટી એન્ડ વેલફેર ફંડ’ નામનું એક ફંડ અને બોર્ડ સ્થાપવાની દરખાસ્ત કરે છે. જે લાગુ કરવામાં આવેલા ટેક્સનું નિયમન પણ કરશે. બિલ અનુસાર, રાજ્યમાં સિનેમાની ટિકિટ, સબસ્ક્રિપ્શન ફી અને સંબંધિત મહેકમ આવક પર ‘સિને એન્ડ કલ્ચરલ એક્ટિવિસ્ટ વેલફેર સેસ’ લગાવવામાં આવશે. સરકાર દ્વારા સૂચિત કર્યા મુજબ આ સેસ 1%થી 2%ની વચ્ચે રહેશે. દર ત્રણ વર્ષે તેમાં સુધારો-વધારો પણ કરવામાં આવશે.
બિલમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર કર્ણાટક સિને એન્ડ કલ્ચરલ એક્ટિવિસ્ટ્સ વેલફેર બોર્ડનું ગઠન કરશે, જેનું મુખ્યાલય બેંગ્લોરમાં હશે અને શ્રમ મંત્રી તેમના અધ્યક્ષ સ્થાને હશે. બોર્ડના કાર્યોમાં સિનેમા અને કલ્ચરલ એક્ટિવિસ્ટ્સ કાર્યકરોની નોંધણી સુનિશ્ચિત કરવી, ડેટાબેઝ જાળવવો અને ઓળખ કાર્ડ બનાવવા જેવા કાર્યોનો સમાવેશ થાય છે. નોંધણી ત્રણ વર્ષ માટે માન્ય રહેશે અને તેની સમાપ્તિની તારીખથી ત્રણ મહિનાની અંદર તેને રિન્યૂ કરી શકાશે.
સિનેમાને લગતા બોર્ડમાં શ્રમ વિભાગના પ્રભારી મંત્રી, અધિક મુખ્ય સચિવ/પ્રિન્સિપલ સેક્રેટરી/સચિવ, શ્રમ વિભાગ, શ્રમ કમિશનર અને સિને કામદારો અને અન્ય સહિત સરકાર દ્વારા નામાંકિત 17 જેટલા સભ્યોનો સમાવેશ થશે. બિલમાં કહેવાયું છે કે, સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સિને અને કલ્ચરલ એક્ટિવિસ્ટ્સ, જેમ કે કર્ણાટક ચલચિત્ર એકેડમી, કર્ણાટક નાટક એકેડમી, કર્ણાટક સંગીત નૃત્ય એકેડમી, કર્ણાટક જનપદ એકેડમી, કર્ણાટક લલીતકલા એકેડમી, કર્ણાટક યક્ષગણ એકેડમી અને કર્ણાટક બ્યાલતા એકેડમી પણ આ બિલ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.