Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશ49 વાર દુબઈથી લોગિન, 50 વાર અદાણી વિરુદ્ધ સવાલ: IT મંત્રાલયે સંસદની...

    49 વાર દુબઈથી લોગિન, 50 વાર અદાણી વિરુદ્ધ સવાલ: IT મંત્રાલયે સંસદની એથિક્સ કમિટીને આપી માહિતી, મહુઆ મોઇત્રાએ કહ્યું- પૂછપરછ પહેલા વાંચી લો મારી ચિઠ્ઠી

    સંસદની આચાર કમિટીએ મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પાસે પણ માહિતી માંગી હતી. હવે તેમણે આચાર કમિટીને જાણ કરી છે કે સાંસદ મહુઆ મોઇત્રાની સંસદની લોગ-ઇન આઈડીને દુબઈથી ઓછામાંઓછી 49 વાર લોગિન કરીને વાપરવામાં આવી હતી.

    - Advertisement -

    તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાની સંસદની લોગિન આઈડીને દુબઈથી ઓછામાંઓછી 49 વાર વાપરવામાં આવી છે. કેન્દ્રીય સૂચના તેમજ પ્રૌદ્યોગિકી મંત્રાલએ (IT Ministry) આ માહિતી મહુઆ મોઇત્રા પર રૂપિયા લઈને સંસદમાં પ્રશ્નો પૂછવાના આરોપોની તપાસ કરી રહેલી આચાર સમિતિને આપી છે. આ ખુલાસો અંગ્રેજી સમાચાર ચેનલ ‘ટાઈમ્સ નાઉ’એ કર્યો છે.

    મોઇત્રા પર આરોપ છે કે તેમણે દુબઇ સ્થિત બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી મોંઘી ગિફ્ટ અને પૈસા લીધા હતા અને સંસદમાં અદાણી ગ્રુપ સામે સવાલો પૂછ્યા હતા. તેમના પર એવો પણ આરોપ છે કે સવાલ પૂછવા માટે દર્શન હિરાનંદાની સાથે પોતાનું લોગિન આઈડી અને પાસવર્ડ શેર કર્યા હતા. દર્શને તેમનો ઉપયોગ દુબઈમાં બેસીને મહુઆના માધ્યમથી સંસદમાં અદાણી સામે પ્રશ્નો ઉભા કરવા માટે કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે મોઇત્રાએ પૈસા લઈને અદાણી ગ્રુપને નિશાન બનાવવા માટે સંસદમાં પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે આ આરોપોની તપાસની માંગ કરી હતી. નિશિકાંતે કહ્યું હતું કે તેમને સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહાદરાયે આ માહિતી આપી હતી, જે મહુઆના ‘પૂર્વ પ્રેમી’ છે. તેમણે દુબઈથી પૂછવામાં આવી રહેલા સવાલને સંસદની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો.

    - Advertisement -

    સાંસદ નિશિકાંત દુબેએ આ મામલે દેશના કેન્દ્રીય રેલવે અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવને પણ પત્ર લખીને તપાસની માંગ કરી હતી. મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમના પત્રનો જવાબ આપતા તેમને કહ્યું હતું કે NIC (સંસદના પોર્ટલની જાળવણી કરતી સરકારી એજન્સી) આ બાબતની તપાસ કરશે.

    આ મામલે સંસદની આચાર કમિટીએ મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પાસે પણ માહિતી માંગી હતી. હવે તેમણે આચાર કમિટીને જાણ કરી છે કે સાંસદ મહુઆ મોઇત્રાની સંસદની લોગ-ઇન આઈડીને દુબઈથી કમસેકમ 49 વાર લોગિન કરીને વાપરવામાં આવી હતી. નોંધપાત્ર વાત એ છે કે, લોગિનની આ સંખ્યા સંસદમાં અદાણી ગ્રુપ પર તેમના દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોની સંખ્યા સાથે મેળ ખાય છે. નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો હતો કે તાજેતરમાં મહુઆ મોઇત્રાએ પૂછેલા 61 પ્રશ્નોમાંથી 50 પ્રશ્નો અદાણી જૂથ સાથે સંબંધિત છે અને દુબઈથી 49 વખત લોગિન કરવામાં આવ્યું છે.

    દર્શન હિરાનંદાનીએ પોતે એક પત્ર જારી કરીને કહ્યું હતું કે મહુઆ મોઇત્રા તેમની પાસેથી મોંઘીદાટ ભેટોની માંગ કરતી હતી. દર્શને એમ પણ કહ્યું હતું કે તેમની પાસે મહુઆના સંસદ પોર્ટલનું લોગિન આઇડી અને પાસવર્ડ છે, જેને તેઓ અદાણી જૂથ સામે પ્રશ્નો પૂછવા વાપર્યા હતા.

    એક અંગ્રેજી ન્યૂઝ ટીવી ચેનલ સાથે વાત કરતા મોઇત્રાએ પોતે સ્વીકાર્યું હતું કે તેમણે દર્શન હિરાનંદાનીને તેમના સાંસદ લોગિન આઇડી આપ્યા હતા. મહુઆએ જણાવ્યું હતું કે દર્શનનો સ્ટાફ પ્રશ્નો ટાઇપ કરીને તેમને વાંચવાનું કહેતો હતો અને તે ઉતાવળમાં તેને વાંચીને તેના ફોન પર આવેલા OTP આપી દેતા હતા, જે પ્રશ્ન પૂછવા માટે જરૂરી હતી.

    સાંસદ નિશિકાંત દુબેના આરોપો બાદ સંસદની એથિક્સ કમિટીએ તેમને અને વકીલ જય અનંત દેહાદરાયને 26 ઓક્ટોબર, 2023ના રોજ સમન્સ પાઠવ્યું હતું. આમાં તેમણે સમિતિ સમક્ષ મૌખિક પુરાવા રજૂ કર્યા હતા. સમિતિએ મહુઆને 31 ઓક્ટોબર, 2023 ના રોજ તેની સમક્ષ હાજર થવા માટે પણ કહ્યું હતું. જો કે મહુઆએ 5 નવેમ્બર પહેલા હાજર થવાનો ઈનકાર કરી દીધો હતો. આ પછી એથિક્સ કમિટીએ તેમને 2 નવેમ્બરે હાજર થવા કહ્યું હતું.

    મહુઆ મોઇત્રાએ 2 નવેમ્બરે એથિક્સ કમિટી સમક્ષ હાજર થતા પહેલા માંગ કરી છે કે તેમને દર્શન હિરાનંદાનીની પૂછપરછ કરવાની તક આપવામાં આવે. તેમણે એથિક્સ કમિટી સમક્ષ વકીલ દેહાદરાયની પૂછપરછ કરવાની માંગ પણ મૂકી છે.

    આના પર તેમણે એથિક્સ કમિટીને એક પત્ર લખ્યો છે અને તેને ‘X’ પર પણ શેર કર્યો છે. મહુઆએ એવી પણ માંગ કરી છે કે દર્શનને પૂછવામાં આવે કે તેમણે મહુઆને ક્યારે અને કેટલી ભેટ આપી અને તેની એક યાદી બનાવવામાં આવે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં