Thursday, May 2, 2024
More
    હોમપેજદેશ'તેલંગાણાનો વિકાસ કરવા ગુજરાત મોડલ અનુસરવું જરૂરી': તેલંગાણાના કોંગ્રેસી CM રેવંત રેડ્ડીએ...

    ‘તેલંગાણાનો વિકાસ કરવા ગુજરાત મોડલ અનુસરવું જરૂરી’: તેલંગાણાના કોંગ્રેસી CM રેવંત રેડ્ડીએ PM મોદીને ગણાવ્યા ‘મોટા ભાઈ’, સાબરમતી રિવરફ્રન્ટની પણ કરી પ્રશંસા

    રેવંત રેડ્ડીએ કહ્યું કે, "હૈદરાબાદ મોટા શહેરોમાં સામેલ છે. અમે તમારી (PM મોદીની) મદદથી ત્યાં મુસી નદીને પુનર્જીવિત કરીને સાબરમતી જેવી બનાવવા માંગીએ છીએ. તમે અમને સહયોગ આપજો. તમારા સહયોગ વગર ગુજરાત મોડલ શક્ય નથી."

    - Advertisement -

    વડાપ્રધાન મોદી સોમવારે (4 માર્ચ) તેલંગાણાના પ્રવાસે હતા. રાજ્યને તેમણે હજારો કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી છે. આ દરમિયાન એક જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેલંગાણાના કોંગ્રેસી CM રેવંત રેડ્ડી પણ ઉપસ્થિત હતા. રેડ્ડીએ PM મોદીને પોતાના ‘મોટા ભાઈ’ ગણાવ્યા હતા. સાથે જ તેમણે કહ્યું હતું કે, જો તેલંગાણાનો વિકાસ કરવો છે તો ગુજરાત મોડલને અનુસરવું પડશે. ગુજરાતની જેમ આગળ વધવું પડશે.

    જનસભાને સંબોધિત કરતી વખતે તેલંગાણાના કોંગ્રેસી CM રેડ્ડીએ PM મોદીને પોતાના મોટા ભાઈ ગણાવ્યા હતા. સાથે જ તેમણે કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા પણ કરી હતી. તેમણે ગુજરાતની જેમ તેલંગાણાનો વિકાસ કરવા માટે કેન્દ્ર સરકાર પાસે સહયોગ માંગ્યો હતો. તેમણે સંબોધનમાં કહ્યું કે, “મારા મતે વડાપ્રધાનનો અર્થ છે મોટા ભાઈ, મોટા ભાઈની મદદ મળે ત્યારે જ દરેક રાજ્યોના મુખ્યમંત્રી પોતાના ક્ષેત્રમાં વિકાસ કરી શકે છે. વિકાસને આગળ પણ લઈ જઈ શકે છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “આથી મારી વિનંતી છે કે, તેલંગાણાને પણ જો વિકાસ કરવો હોય અને ગુજરાત જેટલું આગળ જવું હોય તો આપની (વડાપ્રધાનની) મદદ ખૂબ જરૂરી છે.” તેમણે વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર ભારતને 5 ટ્રિલિયન ઈકોનોમી બનાવવાની ઈચ્છા રાખે છે. તેમાં પણ તેલંગાણા યોગદાન આપવા ઈચ્છે છે. સાથે જ તેમણે હૈદરાબાદની મુસી નદીની સાબરમતી રિવરફ્રન્ટના તર્જ પર કાયાપલટ કરવા માટે વડાપ્રધાન મોદીનો સહયોગ માંગ્યો છે. સાથે તેમણે સાબરમતી રિવરફ્રન્ટની પ્રશંસા પણ કરી છે. કાર્યક્રમમાં રેવંત રેડ્ડીએ ગુજરાત મોડલ અને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની વાત કરી તો સભામાં ઘણીવાર સુધીઓ તાળીઓ પડી હતી.

    - Advertisement -

    રેવંત રેડ્ડીએ કહ્યું કે, “હૈદરાબાદ મોટા શહેરોમાં સામેલ છે. અમે તમારી (PM મોદીની) મદદથી ત્યાં મુસી નદીને પુનર્જીવિત કરીને સાબરમતી જેવી બનાવવા માંગીએ છીએ. તમે અમને સહયોગ આપજો. તમારા સહયોગ વગર ગુજરાત મોડલ શક્ય નથી.” આ સાથે તેમણે વડાપ્રધાન મોદી પાસે રાજ્ય સરકાર તરીકે રાજ્યને વિકસિત કરવા માટેની કેટલીક માંગણી પણ કરી છે. તેમણે મેટ્રો પ્રોજેક્ટ માટે વડાપ્રધાન પાસે સહયોગ માંગ્યો છે. CM રેડ્ડીએ વધુમાં જણાવ્યું હતું કે, “જો રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચે ઉગ્ર સંબંધો પ્રવર્તે છે, તો લોકોને ભોગવવું પડશે અને રાજ્યના વિકાસને અસર થશે. રાજનીતિ માત્ર ચૂંટણી પુરતી જ સીમિત હોવી જોઈએ અને બાદમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ રાજ્યના વિકાસ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.”

    નોંધનીય છે કે, કોંગ્રેસ અને AAPના ઘણા મોટા નેતાઓએ ગુજરાતની વારંવાર આલોચના કરવાના પ્રયાસો કર્યા છે. ગુજરાતના વિકાસને લઈને પણ તેઓ ક્યારેય સ્વીકારી શક્યા નથી. પરંતુ આખરે એક કોંગ્રેસી મુખ્યમંત્રીએ જ ગુજરાતના વિકાસની વાસ્તવિકતા આખા દેશ સામે રજૂ કરી દીધી છે. કોંગ્રેસ શાસિત રાજ્ય પણ હવે ગુજરાત મોડલની તર્જ પર આગળ વધવા માંગે છે અને તે માટે વડાપ્રધાન મોદીનો સહયોગ પણ માંગે છે. CM રેડ્ડીએ વાસ્તવિકતા સ્વીકારી અને રાજકારણથી દૂર રહીને વિકાસના મુદ્દે વાત કરી તે માટે સોશિયલ મીડિયામાં લોકોએ તેમની ખૂબ પ્રશંસા કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં