Monday, April 29, 2024
More
    હોમપેજદેશસંસદના વિશેષ સત્રના થશે શ્રીગણેશ: 8 બિલ પર કરવામાં આવશે ચર્ચા, મહિલા...

    સંસદના વિશેષ સત્રના થશે શ્રીગણેશ: 8 બિલ પર કરવામાં આવશે ચર્ચા, મહિલા અનામત બિલ વિશે પણ લેવાઈ શકે નિર્ણય

    વિશેષ સત્રના પ્રથમ દિવસની કાર્યવાહી જૂના સંસદ ભવન ખાતે કરવામાં આવશે. ત્યારબાદ 19 સપ્ટેમ્બરે જૂની સંસદમાં ફોટો સેશન થશે અને એક સમારોહનું આયોજન થશે. એ પછી તમામ સાંસદો નવા સંસદ ભવનમાં પ્રવેશ કરશે.

    - Advertisement -

    સોમવાર 18 સપ્ટેમ્બરથી સંસદનું પાંચ દિવસીય વિશેષ સત્ર શરૂ થઈ રહ્યું છે. તેના એક દિવસ પહેલા જ સરકારે સર્વદળીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સરકારે પોતાનો એજન્ડા જણાવ્યો હતો. બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય સંસદ મંત્રી પ્રહલાદ જોશીએ પાંચ દિવસના વિશેષ સત્ર દરમિયાનની રૂપરેખા વિશે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વિશેષ સત્રમાં કુલ 8 બિલ પર ચર્ચા કરવામાં આવશે. એ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું હતું કે મહિલા અનામત બિલ વિશે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

    કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી બોલાવેલા વિશેષ સત્રમાં 8 બિલ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. રાજ્યસભા તરફથી 13 સપ્ટેમ્બરના રોજ જાહેર કરેલા બુલેટિનમાં આ અંગે જાણકારી આપવામાં આવી હતી. સત્રના પ્રથમ દિવસે 75 વર્ષોની સંસદીય યાત્રા, ઉપલબ્ધીઓ, અનુભવ, યાદો અને શીખ પર ચર્ચાઓ થશે.

    આઠ બિલ પર થશે ચર્ચા

    1. રિપીલિંગ એન્ડ અમેન્ડિંગ બિલ, 2022 (The Repealing and Amending Bill, 2022)
    2. પોસ્ટ ઓફિસ બિલ, 2023 (The Post Office Bill, 2023)
    3. એડવોકેટ્સ (એમેન્ડમેન્ટ) બિલ, 2023 (The Advocates (Amendment) Bill, 2023)
    4. પ્રેસ અને સામયિક નોંધણી બિલ, 2023 (The Press and Registration of Periodicals Bill, 2023)
    5. વરિષ્ઠ નાગરિક કલ્યાણ બિલ, 2023 (Senior Citizens Welfare Bill, 2023)
    6. બંધારણ (SC/ST) ઓર્ડર, 2023 (The Constitution (SC/ST) Order, 2023)
    7. બંધારણ (SC/ST) ઓર્ડર, 2023 (The Constitution (SC/ST) Order, 2023)
    8. બંધારણ (SC/ST) ઓર્ડર, 2023 (The Constitution (SC/ST) Order, 2023)

    રાજ્યસભામાં પોસ્ટ ઓફિસ બિલ 2023 અને મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત બિલ રજૂ કરવામાં આવશે. આ બંને બિલો રાજ્યસભામાં પસાર થયા બાદ લોકસભામાં રજૂ કરાશે.

    - Advertisement -

    આ ઉપરાંત લોકસભામાં એડવોકેટ્સ એમેન્ડમેન્ટ બિલ 2023 અને પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઑફ પિરિયોડિકલ બિલ 2023 રજૂ કરવામાં આવશે. આ બંને બિલો ચોમાસું સત્ર દરમિયાન 3 ઓગસ્ટના રોજ રાજ્યસભામાંથી પસાર થયા હતા. આ પછી, 4 ઓગસ્ટના રોજ તે બિલોને લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા પણ મણિપુર મુદ્દે વિપક્ષે કરેલ હોબાળાના કારણે બિલો પસાર થઈ શક્યા નહોતા. આ ચાર બિલ ઉપરાંત વરિષ્ટ નાગરિકોના કલ્યાણ પર એક બિલ અને SC/ST આદેશ સંબંધિત ત્રણ બિલને પણ સરકારે એજન્ડામાં ઉમેર્યા છે.

    મુખ્ય ચૂંટણી કમિશર સંબધિત બિલ ચૂંટણી કમિશનર (CEC) અને અન્ય ચૂંટણી કમિશનરો (ECS)ની નિમણૂકને નિયંત્રિત કરવા માંગે છે. બિલ મુજબ કમિશનરની નિમણૂક ત્રણ સભ્યોની પેનલ દ્વારા કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન, લોકસભાના વિપક્ષના નેતા અને એક કેબિનેટ મંત્રી સામેલ હશે. બીજુ બિલ છે એડવોકેટ્સ એમેડમેન્ટ બિલ આ બિલ દ્વારા 64 વર્ષ જૂના એડવોકેટ્સ એક્ટ, 1961માં સુધારો કરવાનો છે. આ બિલમાં લીગલ પ્રેક્ટિશનર્સ એક્ટ, 1879ને રદ કરવાનો પ્રસ્તાવ છે. ત્રીજું બિલ છે પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઑફ પિરિયોડિકલ બિલ. આ બિલ કોઈપણ સમાચારપત્ર, સામાયિક અને પુસ્તકોની નોંધણી તથા પ્રકાશન સાથે સંબંધિત છે. ત્યારબાદ પોસ્ટ ઓફિસ બિલની જોગવાઈ 125 વર્ષ જૂના ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટને રદ કરવાની છે. આ બિલ પોસ્ટ ઓફિસનું કામ સરળ બનાવશે અને પોસ્ટ ઓફિસના અધિકારીઓને વધારાની સત્તા પણ આપશે

    પ્રહલાદ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, પાંચ દિવસના સત્રમાં બધા પક્ષોએ મહિલા આરક્ષણ બિલ લાવવા માટેની માંગ પણ કરી હતી. આ વિશેષ સત્ર દરમિયાન તે માંગ પર યોગ્ય નિર્ણય લેવામાં આવશે. વિભિન્ન દળ મહિલા આરક્ષણ બિલ લાવવાની માંગ કરી રહ્યા છે.

    નોંધનીય છે કે વિશેષ સત્રના પ્રથમ દિવસની કાર્યવાહી જૂના સંસદ ભવન ખાતે કરવામાં આવશે. ત્યારબાદ 19 સપ્ટેમ્બરે જૂની સંસદમાં ફોટો સેશન થશે અને એક સમારોહનું આયોજન થશે. એ પછી તમામ સાંસદો નવા સંસદ ભવનમાં પ્રવેશ કરશે. નવી સંસદમાં 19 સપ્ટેમ્બરનું સત્ર ચાલશે અને 20 સપ્ટેમ્બરથી નિયમિત સરકારી કામકાજ શરૂ કરી દેવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં