Saturday, April 27, 2024
More
    હોમપેજરાજકારણ2012 અને '17ની વિધાનસભા ચૂંટણીઓ હારી ચૂકેલા શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસની કમાન:...

    2012 અને ’17ની વિધાનસભા ચૂંટણીઓ હારી ચૂકેલા શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસની કમાન: ચૂંટણીમાં કંગાળ પ્રદર્શન બાદ હાઇકમાન્ડે પ્રદેશ પ્રમુખ બદલ્યા 

    શક્તિસિંહ ગોહિલ પાસે હાલ હરિયાણા અને દિલ્હી કોંગ્રેસના પ્રભારી તરીકેની જવાબદારી હતી, જેમાંથી તેમને મુક્ત કરીને ગુજરાતના નેતા દિપક બાબરિયાને આ જવાબદારી સોંપવામાં આવી છે. 

    - Advertisement -

    2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અત્યંત નબળા પ્રદર્શન બાદ હવે કોંગ્રેસે સંગઠનમાં ફેરબદલ શરૂ કરી છે. જેના ભાગરૂપે પાર્ટીએ પ્રદેશ પ્રમુખ તરીકે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલની વરણી કરી છે. આજે કોંગ્રેસે સત્તાવાર રીતે આ બાબતની જાહેરાત કરી હતી. 

    શક્તિસિંહ ગોહિલ પાસે હાલ હરિયાણા અને દિલ્હી કોંગ્રેસના પ્રભારી તરીકેની જવાબદારી હતી, જેમાંથી તેમને મુક્ત કરીને ગુજરાતના નેતા દિપક બાબરિયાને આ જવાબદારી સોંપવામાં આવી છે. 

    વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી તમામ 182 બેઠકો પર લડી હતી, જેમાંથી માત્ર 17 બેઠકો મેળવી શકી હતી. 2017ની ચૂંટણીમાં પાર્ટી જીતની નજીક પહોંચી ગઈ હતી અને 77 સીટ મેળવી હતી, પરંતુ આ ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન કથળ્યું અને આંગળીના વેઢે ગણાય એટલી જ બેઠકો નસીબ થઇ હતી. 

    - Advertisement -

    ચૂંટણીમાં આવા પ્રદર્શન બાદ હાઇકમાન્ડે પ્રદેશ પ્રમુખ અને પ્રભારી બદલવા માટે તજવીજ હાથ ધરી હતી, જેમાં હમણાં થોડા દિવસોથી તીવ્રતા આવી હતી. ગુજરાત કોંગ્રેસના નેતાઓ અર્જુન મોઢવાડીયા, અમિત ચાવડા, શૈલેષ પરમાર, દિપક બાબરીયા વગેરેને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા, જ્યાં નવા નેતૃત્વ અંગે ચર્ચા ચાલી હતી. પ્રદેશ પ્રમુખ તરીકે શરૂઆતમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને વરિષ્ઠ નેતા દિપક બાબરિયાનાં નામની ચર્ચા ચાલતી હતી પરંતુ આખરે પાર્ટીએ શક્તિસિંહ ગોહિલને કમાન સોંપી છે. 

    શક્તિસિંહ ગોહિલ ગુજરાતના રાજકારણનું જાણીતું નામ છે. જોકે, છેલ્લા થોડા સમયથી તેમણે દિલ્હી ભણી વાટ પકડી હતી. તેઓ હાલ રાજ્યસભાના સાંસદ છે તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાની જવાબદારી પણ આપવામાં આવી છે. હમણાં સુધી દિલ્હી-હરિયાણાના પ્રભારી હતા, પરંતુ હવે આ જવાબદારીમાંથી મુક્ત થયા છે. 

    રાજકીય સફરની વાત કરવામાં આવે તો સૌપ્રથમ 1990માં તેમણે ભાવનગર દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડીને જીતી હતી. ત્યારબાદ 1991થી-95 દરમિયાન ગુજરાત સરકારમાં નાણાં, શિક્ષણ, આરોગ્ય વગેરે વિભાગોના રાજ્યકક્ષાના મંત્રી રહ્યા હતા. ત્યારબાદ તેઓ આ બેઠક પરથી 1995 અને 2007 એમ બે ચૂંટણી જીત્યા હતા. 2007 થી 2012 સુધી તેઓ વિધાનસભામાં વિપક્ષ નેતા પણ રહ્યા હતા. 

    વર્ષ 2012માં ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી તેમણે ભાજપના કદાવર નેતા પુરુષોત્તમ સોલંકી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. શક્તિસિંહને 64,426 મત મળ્યા હતા, જ્યારે ભાજપ ઉમેદવારે 87,980 મત મેળવ્યા હતા. જોકે, પછીથી વર્ષ 2014માં કચ્છની અબડાસા બેઠક પર પેટાચૂંટણી થતાં ત્યાંથી વિજય મેળવીને ફરી ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા હતા. 

    2017ની વિધાનસભા ચૂંટણીમાં શક્તિસિંહ કચ્છની માંડવી બેઠક પરથી લડ્યા હતા, જ્યાં તેમણે ફરી હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપ ઉમેદવાર વીરેન્દ્રસિંહ જાડેજા સામે તેમણે 9,046 મતોથી હાર ચાખવી પડી હતી. 

    બે વિધાનસભા ચૂંટણીઓમાં હારનો સામનો કરી ચૂકેલા શક્તિસિંહ ગોહિલે 2017 બાદ રાષ્ટ્રીય રાજકારણ તરફ વાટ પકડી હતી અને 2020માં તેમને પાર્ટીએ રાજ્યસભામાં મોકલ્યા હતા. હવે તેઓ ફરી ગુજરાત આવ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં