રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલનો જલ્દી અંત આવે તેવું લાગતું નથી. રાજ્યની કોંગ્રેસ સરકાર પરસ્પર વાદવિવાદમાં ગૂંચવાઈ ગઈ છે ત્યારે આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં પાર્ટીને મોટો આંચકો લાગવાની શક્યતા છે. પાર્ટી હાઈકમાન્ડે તાજેતરમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચે મતભેદ દૂર થયાના દાવા કર્યા હતા, પરંતુ રાજકીય વર્તુળોમાં સચિન પાયલટને લઈને અલગ જ અટકળો થઈ રહી છે.
સચિન પાયલટ પોતાની માંગણીઓ પર અડગ છે અને પાર્ટી હાઈકમાન્ડના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. એ પછી તેઓ આગામી પગલું ભરી શકે છે. અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, સચિન પાયલટનો પાર્ટી છોડવાનો કોઈ ઇરાદો નથી એટલે કે તેમનું રાજકીય ભવિષ્ય હાઈકમાન્ડના નિર્ણય પર ટકેલું છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમની ભૂમિકા પણ એ જ નક્કી કરશે.
બીજી તરફ કેટલાક મીડિયા અહેવાલો એવું પણ કહે છે કે, સચિન પાયલટ 11 જૂનના રોજ નવી પાર્ટીની રચના કરી શકે છે. એવી અટકળો છે કે, 11 જૂનના રોજ પોતાના પિતાની પુણ્યતિથિએ પાયલટ દૌસામાં પોતાના ભવિષ્ય અંગે સ્પષ્ટ સંકેત આપી શકે છે. જોકે, રાજસ્થાનના કૃષિ રાજ્ય મંત્રી મુરારી લાલ મીણા, કે જેઓ પાયલટના નજીકના ગણાય છે તેમણે કહ્યું કે સચિન પાયલટ નવી પાર્ટીની રચના કરશે એ વાતમાં કોઈ તથ્ય નથી.
ઉલ્લેખનીય છે કે, સચિન પાયલટે પૂર્વ ભાજપ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે અને વસુંધરા સરકાર દરમિયાન કથિત ભ્રષ્ટાચાર સામે કાર્યવાહીની માંગણી કરી છે. જેને લઈને તેઓ એક દિવસના ઉપવાસ પર બેસી ગયા હતા. પોતાની જ પાર્ટીના નેતાના વિરોધને કારણે ગેહલોત સરકાર સામે સવાલ ઉઠ્યા હતા. એ પછી પાર્ટી હાઈકમાન્ડે બંને નેતાઓ સાથે દિલ્હીમાં બેઠક કરીને આ મામલે ઉકેલ લાવવાનો દાવો કર્યો હતો. જોકે, આ બેઠક દરમિયાન ‘મુખ્ય મુદ્દો’ વણઉકેલ્યો રહી ગયો છે તેવું સૂત્રો કહે છે.
2018માં રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર આવ્યા બાદથી જ ગેહલોત અને પાયલટ વચ્ચે સત્તાનો સંઘર્ષ જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી તરફ પાર્ટી રાજ્યમાં આ વર્ષના અંતમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં બંને વચ્ચે વિવાદનો અંત લાવવા પ્રયાસો કરી રહી છે.
સચિન પાયલટ એવું ઈચ્છે છે કે ગેહલોત સરકાર, વસુંધરા સરકાર દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરે. પાયલટ સરકારી ભરતી પરીક્ષાના પેપર લીક કાંડ મામલે ગેહલોત સરકારને ગંભીરતા દાખવવા પર ભાર મૂકી રહ્યા છે. તેઓ રાજસ્થાન લોક સેવા આયોગનું વિસર્જન અને પુનર્ગઠન ઈચ્છે છે તેમજ પેપર લીકથી પ્રભાવિત યુવાનોને વળતર આપવાની પણ માંગણી કરી રહ્યા છે.