દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. એક તરફ પાર્ટી એક પછી એક રાજ્યો ગુમાવી રહી છે તો બીજી તરફ રાજ્યોના સંગઠનો પણ નબળાં પડી રહ્યાં છે. છેલ્લા થોડા સમયમાં પાર્ટીના અનેક નેતાઓ રાજીનામાં આપી ચૂક્યા છે તો આજે સવારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પણ પાર્ટીને અલવિદા કહી દીધું હતું. હવે પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી યુથ કોંગ્રેસના અધ્યક્ષ અને ધારાસભ્ય ગણેશ ઘોઘરાએ રાજીનામું ધરી દીધું છે.
રાજસ્થાનના ડુંગરપૂરથી કોંગ્રેસ ધારાસભ્ય અને રાજસ્થાન યુથ કોંગ્રેસના અધ્યક્ષ ગણેશ ઘોઘરાએ બુધવારે (18 મે 2022) રાજીનામું ધરી દીધું હતું. તેમણે ગેહલોત સરકારના કામકાજથી નારાજ થઈને રાજીનામુ આપ્યું હતું. રિપોર્ટ અનુસાર, તેમને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના નેતા માનવામાં આવે છે.
Despite having a ‘young leader’ in top leadership, Congress is not able to sustain youths in the party. After #HardikPatel, now Rajasthan Congress MLA from Dungarpur, Ganesh Ghogra resigns. He is also the president of Rajasthan Youth Congress. pic.twitter.com/1l5ur78ZSg
— Yatharth Mishra | यथार्थ मिश्र (@YatharthMishra_) May 18, 2022
રાજીનામાંના પત્રમાં ગણેશ ઘોઘરાએ તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે તેવી ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ તેમના ક્ષેત્રની જનતા માટે કામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ ક્યાંય પણ તેમને સાંભળવામાં આવતા નથી. તેમણે એમ પણ કહ્યું એ, સત્તાધારી પાર્ટીના ધારાસભ્ય હોવા છતાં તેમને અવગણવામાં આવી રહ્યા છે. સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ પણ તેમની વાતો સાંભળતા ન હોવાનું તેમણે કહ્યું હતું.
કોંગ્રેસ ધારાસભ્યે કહ્યું કે, કોઈ પણ તેમની વાત સાંભળવા તૈયાર નથી અને પોતાના મતવિસ્તારની જનતાના પ્રશ્નો ઉઠાવવા જતા તેમને દબાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કારણો ધરીને તેમણે ડુંગરપૂર વિધાનસભા ક્ષેત્રમાંથી રાજીનામું ધરી દીધું હતું.
અગાઉ કહ્યું હતું- આદિવાસીઓ હિંદુ નથી
ગણેશ ઘોઘરા અગાઉ પણ વિવાદિત નિવેદનો આપીને ચર્ચામાં રહ્યા છે. 9 માર્ચ 2021 ના રોજ રાજસ્થાન વિધાનસભામાં ચર્ચા દરમિયાન ગણેશ ઘોઘરાએ પોતાને હિંદુ માનવાનો ઇનકાર કરીને તમામ આદિવાસીઓ માટે અલગ આદિવાસી ધર્મકોડની માંગણી કરી હતી.
તેમણે કહ્યું હતું, વડાપ્રધાન મોદી અને તેમના મોહન ભાગવત અમને આદિવાસી નહીં પણ હિંદુ કહે છે. અમે પોતાને હિંદુ માનતા નથી, અમે અલગ છીએ, અમારી ઉપર હિંદુ ધર્મ થોપવામાં ન આવે. આદિવાસી વિસ્તારની લાંબા સમયની માંગ છે, અમારી સંસ્કૃતિ અલગ છે, અમારી પરંપરા અલગ છે, અમારી ખાણીપીણી અને રિવાજો અલગ છે. હું અલગથી આદિવાસી ધર્મ કોડ બનાવવામાં આવે તેવી માંગ કરું છું.
વડાપ્રધાન અને ગૃહમંત્રી માટે અપમાનજનક ભાષા વાપરી ચૂક્યા છે
આ ઉપરાંત, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ માટે અત્યંત અપમાનજનક ભાષાનો પણ ઉપયોગ કરી ચૂક્યા છે. ગત વર્ષે જુલાઈમાં પેગાસસ મામલે વિરોધ કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે, “કેન્દ્ર સરકાર અમારી જાસૂસી કરાવી રહી છે અને રાજ્યપાલ તેમના દ*& બનીને બેઠા છે. પોતાના ભાષણમાં તેમણે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને રંગા બિલ્લા ગણાવીને કહ્યું હતું કે, તેમને દોડાવી-દોડાવીને મારવા જોઈએ.