Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણલોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી કરશે વધુ એક યાત્રા, આ વખતે રૂટ...

    લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી કરશે વધુ એક યાત્રા, આ વખતે રૂટ પૂર્વથી પશ્ચિમ: ‘ભારત જોડો યાત્રા’ બાદ યોજાયેલી 6 રાજ્યોની ચૂંટણીમાંથી માત્ર 2 જીતી શકી હતી કોંગ્રેસ

    આ યાત્રા 14 જાન્યુઆરીના રોજ મણિપુરથી શરૂ થશે અને 6,200 કિલોમીટર અંતર કાપીને 20 માર્ચ, 2024ના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં આવીને પૂર્ણ થશે. જોકે, આ વખતે કોંગ્રેસીઓ પગપાળા નહીં પરંતુ બસમાં યાત્રા કરશે તેવું પાર્ટીએ જણાવ્યું છે.

    - Advertisement -

    2022માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી પગપાળા ‘ભારત જોડો યાત્રા’ કરી હતી, હવે તેઓ આ પ્રકારની વધુ એક યાત્રા કરવા જઈ રહ્યા છે. આ વખતે યાત્રાને ‘ભારત ન્યાય યાત્રા’ નામ આપવામાં આવ્યું છે. જે મણિપુરથી શરૂ થશે અને મહારાષ્ટ્રમાં પૂર્ણ થશે. 

    કોંગ્રેસ પાર્ટીએ આ યાત્રાની અધિકારિક જાહેરાત કરી દીધી છે. આ યાત્રા 14 જાન્યુઆરીના રોજ મણિપુરથી શરૂ થશે અને 6,200 કિલોમીટર અંતર કાપીને 20 માર્ચ, 2024ના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં આવીને પૂર્ણ થશે. જોકે, આ વખતે કોંગ્રેસીઓ પગપાળા નહીં પરંતુ બસમાં યાત્રા કરશે તેવું પાર્ટીએ જણાવ્યું છે. જોકે, વચ્ચે અમુક અંતર પગપાળા પણ કાપશે. 

    બુધવારે (27 ડિસેમ્બર, 2023) કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, 21 ડિસેમ્બરના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટીએ અભિપ્રાય આપ્યો હતો કે રાહુલ ગાંધીએ પૂર્વથી પશ્ચિમ સુધી એક યાત્રા આયોજન કરવું જોઈએ, જેની ઉપર તેમણે સહમતિ દર્શાવી છે. જેથી કોંગ્રેસ કાર્યસમિતિએ મણિપુરથી મુંબઇ સુધી ભારત ન્યાય યાત્રા યોજવાનો નિર્ણય લીધો છે. 

    - Advertisement -

    તેમણે આપેલી જાણકારી અનુસાર, યાત્રા 6200 કિલોમીટર અંતર કાપશે. જે મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે. આ યાત્રા 14 રાજ્યો અને 85 જિલ્લામાંથી પસાર થશે. 

    કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, “ભારત જોડો યાત્રા’ દરમિયાન રાહુલ ગાંધીએ આર્થિક વિષમતા, સામાજિક ધ્રુવીકરણ અને રાજનીતિક તાનાશાહી- એમ ત્રણ મુદ્દા ઉઠાવ્યા હતા. પરંતુ ભારત ન્યાય યાત્રાના મુદ્દાઓ આર્થિક ન્યાય, સામાજિક ન્યાય અને રાજનીતિક ન્યાય હશે. તેમણે દાવો કર્યો કે સમાજને વહેંચવામાં આવી રહ્યો છે અને આ યાત્રા દ્વારા તેઓ સમાજને આશ્વાસન આપશે કે સામાજિક, આર્થિક અને રાજનીતિક ન્યાય પૂર્ણ રીતે ઉપલબ્ધ થાય તે માટે કટિબદ્ધ છે. 

    ‘ભારત જોડો યાત્રા’ બાદ યોજાઈ 6 વિધાનસભા ચૂંટણીઓ, માત્ર 2 જીતી શકી કોંગ્રેસ

    આમ તો કોંગ્રેસ નેતાઓ કહી રહ્યા છે કે 2022માં રાહુલ ગાંધીએ દક્ષિણથી ઉત્તર સુધી કરેલી ભારત જોડો યાત્રા ઐતિહાસિક હતી, પરંતુ વાસ્તવિકતા તો એ પણ છે કે આ યાત્રા બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાંથી મોટાભાગની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન કંગાળ રહ્યું છે. 

    યાત્રા બાદ મે, 2023માં યાત્રા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસની જીત થઈ હતી. પરંતુ પછીથી નવેમ્બરમાં યોજાયેલી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસ માત્ર 1 જ રાજ્ય જીતી શકી. બીજી તરફ, છત્તીસગઢ અને રાજસ્થાન જેવાં બે મોટાં રાજ્યો ગુમાવવા પડ્યાં તો મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીનો વિજયરથ ન રોકી શકી. રાજસ્થાન અને છત્તીસગઢમાં અગાઉ કોંગ્રેસની સરકાર હતી, પરંતુ તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે સત્તા આંચકી લીધી છે. બીજી તરફ, મિઝોરમમાં પણ કોંગ્રેસ તમામ બેઠકો પર લડી હોવા છતાં માત્ર 1 બેઠક મેળવી શકી હતી. 

    ટૂંકમાં, રાહુલ ગાંધીની અગાઉની યાત્રા ચૂંટણીની રીતે જોવા જઈએ તો ખાસ પ્રભાવ પાડી શકી નથી. આ સંજોગોમાં હવે લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે વધુ એક યાત્રા આયોજિત કરી છે. આ યાત્રાથી રાહુલ ગાંધી કોંગ્રેસને કેટલો ફાયદો કરાવશે અને કેટલું નુકસાન, તે તો આવનારો સમય જ કહેશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં