Monday, May 6, 2024
More
    હોમપેજરાજકારણ‘PM મોદીએ મંદિરમાં દાન કર્યા માત્ર 21 રૂપિયા’: પ્રિયંકા ગાંધીએ રાજસ્થાન જઈને...

    ‘PM મોદીએ મંદિરમાં દાન કર્યા માત્ર 21 રૂપિયા’: પ્રિયંકા ગાંધીએ રાજસ્થાન જઈને ચલાવ્યું જુઠ્ઠાણું, ચૂંટણી પંચે પાઠવી નોટિસ, પૂજારીએ કહ્યું- વડાપ્રધાનની છબી ખરડવાનો પ્રયાસ

    કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગત 20 ઓક્ટોબરે રાજસ્થાનના દૌસામાં એક જનસભા સંબોધતી વખતે એ કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે PM મોદીએ મંદિરમાં માત્ર 21 રૂપિયા દાન કર્યા હતા. 

    - Advertisement -

    થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર જુઠ્ઠાણું ચાલ્યું હતું કે પીએમ મોદીએ રાજસ્થાનના એક મંદિરની મુલાકાત દરમિયાન માત્ર 21 રૂપિયા દાન કર્યા હતા. આ જુઠ્ઠાણાનું ફેક્ટચેક ત્યારે જ થઈ ગયું હતું, પરંતુ હવે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ સામે ચૂંટણીએ આ મુદ્દાને હથિયાર બનાવ્યું છે. જોકે તેઓ જ ફસાઈ ગયાં છે. એક તરફ ચૂંટણી પંચે તેમને શો-કૉઝ નોટિસ પાઠવી છે તો બીજી તરફ મંદિરના પૂજારીએ પણ કહ્યું છે કે PM મોદીની છબી ખરડવામાં આવી રહી છે. સામે તેમણે પ્રિયંકા ગાંધીને એમ પણ પૂછ્યું કે તેઓ કેટલાં મંદિરોમાં ગયાં?

    વાસ્તવમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગત 20 ઓક્ટોબરે રાજસ્થાનના દૌસામાં એક જનસભા સંબોધતી વખતે એ કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે PM મોદીએ મંદિરમાં માત્ર 21 રૂપિયા દાન કર્યા હતા. 

    પ્રિયંકાએ કહ્યું હતું, “તમે તો જોયું જ હશે, મેં ટીવી પર જોયું, ખબર નથી સાચું છે કે નહીં. દેવનારાયણજીના મંદિરમાં કદાચ ગયા હતા, થોડા સમય પહેલાં, ત્યાં એક કવર નાખ્યું હતું. મેં હવે ટીવી પર જોયું કે 6 મહિના પછી પ્રધાનમંત્રીજી દ્વારા નાખવામાં આવેલું કવર ખોલવામાં આવી રહ્યું છે. જાણતા વિચારી રહી છે કે ભગવાન જાણે શું હશે તે કવરમાં, દેશના આટલા મોટા નેતા, પ્રધાનમંત્રીજી આવ્યા હતા અને કવર નાખીને ગયા છે. કવર ખોલ્યું, એકવીસ રૂપિયા નીકળ્યા. હવે તમે મને જણાવો કે એકતરફ આવું બની રહ્યું છે દેશમાં, ઘોષણાઓ મોટી-મોટી, મંચ પર ઉભા રહીને કેવાં-કેવાં કવર બતાવવામાં આવે છે અને તમે જ્યારે તેને ખોલો ત્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ હોય અને વારો આવે ત્યારે કામ કાંઈ થતું નથી.”

    - Advertisement -

    ચૂંટણી પંચે પાઠવી નોટિસ 

    પ્રિયંકા ગાંધીના આ નિવેદન સામે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો અને ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. ફરિયાદમાં ભાજપે કહ્યું હતું કે, જાહેર સભામાં પ્રિયંકાએ પીએમ મોદી વિશે ખોટું નિવેદન આપ્યું હતું અને તેમની વ્યક્તિગત ધાર્મિક ભાવનાઓ પર ટિપ્પણી કરી હતી. એમ પણ કહેવામાં આવ્યું હતું કે એક વ્યક્તિ અને ભગવાન વચ્ચેનો સંબંધ કોઇ જાહેરમાં ચર્ચા કરવાની વાત નથી અને તેમનું નિવેદન પીએમ મોદીની છબી ખરડવા માટે પૂરતું છે. 

    ચૂંટણી પંચે આ મામલે સંજ્ઞાન લઈને પ્રિયંકા ગાંધીને કારણદર્શાવો નોટિસ પાઠવી છે. આ માટે 30 ઓક્ટોબર, 2023 સુધીનો સમય આપ્યો છે અને કહ્યું છે કે શા માટે તેમની વિરુદ્ધ પગલાં લેવામાં ન આવે તેનું કારણ દર્શાવે. એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કોઇ જવાબ ન આવે તો કમિશન માનશે કે તેમણે કશું કહેવાનું નથી અને પોતાની રીતે કાર્યવાહી શરૂ કરી દેશે. 

    પૂજારીએ કહ્યું- મંદિર સમિતિએ ક્યારેય કવર વિશે નિવેદન નથી આપ્યું, પીએમ મોદીની છબી ખરડવાના પ્રયાસ 

    બીજી તરફ, આ મામલે મંદિરના પૂજારીએ પણ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, પ્રિયંકા ગાંધીએ દૌસાની સભામાં કાલ્પનિક વાર્તા ઘડીને કવરનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી સનાતન ધર્મમાં માનનારા લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. તેમણે એમ પણ કહ્યું કે, પીએમ મોદીની છબી ખરડવા માટે ભ્રમ ફેલાવવામાં આવ્યો હતો. 

    પૂજારીએ એક શુક્રવારે (27 ઓક્ટોબર) એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાતો કહી હતી, તેમજ ત્યારબાદ એક લેખિત નિવેદન પણ જારી કર્યું. જેમાં તેમણે જણાવ્યું કે, 28 જાન્યુઆરી, 2023ના રોજ દેવનારાયણ ભગવાન જન્મસ્થળ માલસેરીમાં ભગવાનના 1111મા અવતાર દિવસ પર દર્શન કરવા તેમજ ધર્મસભાને સંબોધવા માટે પીએમ મોદી પધાર્યા હતા અને જે દેશભક્તો અને સર્વધર્મના લોકો માટે એક ગર્વની બાબત છે.

    તેમણે પીએમ મોદીનો આભાર માન્યો અને કહ્યું કે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અમારા મંદિરમાં આવ્યા અને ઉપસ્થિત રહીને ધર્મસભાને સંબોધિત કરી તે ગર્વપૂર્ણ વાત છે. અમે વડાપ્રધાન પાસે કંઈ માગ્યું ન હતું કે ન અમારી કોઇ માંગ હતી. માત્ર મંદિર ટ્રસ્ટે પીએમને નિમંત્રણ પાઠવ્યું હતું અને તેઓ તેને માન આપીને પધાર્યા હતા. 

    તેમણે આગળ જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી છઠના અવસરે દાનપાત્ર સૌની સામે ખોલવામાં આવ્યું હતું. પૂજારીએ કહ્યું કે, આ દરમિયાન મંદિર સમિતિના લોકો સામે વ્યક્તિગત દ્વેષ ધરાવતા લોકોએ ભ્રમ ફેલાવ્યો હતો કે પીએમ મોદીએ કવર નાખ્યું હતું અને તેમાંથી 21 રૂપિયા નીકળ્યા હતા. પરંતુ મેં કે મંદિર સમિતિમાંથી કોઈએ પત્ર બાબતે કોઇ નિવેદન આપ્યું ન હતું કે ન એમ કહ્યું હતું કે આ પીએમ મોદીનું કવર છે. તેમણે કહ્યું કે, દાનપત્રમાં ઘણા કવર હતાં, પરંતુ મીડિયાએ તે ન દર્શાવ્યું અને પીએમ મોદીની છબી ખરડવા માટે ખબર પ્રસારિત કરીને ભ્રમ ફેલાવવામાં આવ્યો. 

    પ્રિયંકા ગાંધીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, તેમણે મનઘડત વાર્તા બનાવીને આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ હું તેમને પૂછવા માંગું છું કે દેશભરમાં ભગવાન દેવનારાયણનાં હજારો મંદિર છે, ક્યારેય ગાંધી પરિવારના કોઇ સભ્યે આવીને અહીં દર્શન કરીને આસ્થા પ્રગટ કરી છે? એમ પણ પૂછ્યું કે ગાંધી ખાનદાને જે પરીવારોમાં ધાર્મિક યાત્રાઓ કરી હતી તેમાં કેટલું દાન આપવામાં આવ્યું?

    પૂજારીએ કહ્યું કે, કોંગ્રેસે ભગવાન દેવનારાયણના જન્મસ્થળ માટે એક રૂપિયાનો પણ સહયોગ આપ્યો નથી અને અત્યાર સુધી માલસેરીમાં જે વિકાસનું કામ થયું તેમાં ભાજપ સરકારનો વિશેષ સહયોગ રહ્યો છે. 

    ઑપઈન્ડિયાએ કર્યું હતું ફેક્ટચેક

    ઉલ્લેખનીય છે કે આ મામલે ઑપઇન્ડિયાએ તે સમયે ફેક્ટચેક કરીને જણાવ્યું હતું કે કઈ રીતે પીએમ મોદી વિશે જુઠ્ઠાણું ફેલાવવામાં આવે છે અને તેમણે વાસ્તવમાં કોઇ કવર દાનપાત્રમાં નાખ્યું જ ન હતું. તેમણે પૈસાની નોટો નાખી હતી. પરંતુ કોંગ્રેસના નેતાઓએ દાનપાત્ર ખોલવા સમયના વીડિયો શૅર કરીને ખોટા દાવા કર્યા હતા. ફેક્ટચેક અહીં ક્લિક કરીને વાંચી શકાશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં