Tuesday, April 23, 2024
More
  હોમપેજરાજકારણ‘આ વિજય ઐતિહાસિક, જનતા સામે નતમસ્તક છું’: ત્રણ રાજ્યોમાં પ્રચંડ જીત બાદ...

  ‘આ વિજય ઐતિહાસિક, જનતા સામે નતમસ્તક છું’: ત્રણ રાજ્યોમાં પ્રચંડ જીત બાદ બોલ્યા PM મોદી- આજની હેટ્રિક 2024ની હેટ્રિકની ગેરેન્ટી છે, પરિણામોની ગૂંજ દૂર સુધી સંભળાશે

  “આજનો વિજય ઐતિહાસિક છે, અભૂતપૂર્વ છે. આજે સૌનો સાથ, સૌનો વિકાસની ભાવના જીતી છે. આજે વિકસિત ભારતના આહવાનની જીત થઈ છે. આજે આત્મનિર્ભર ભારતના સંકલ્પની જીત થઈ છે. આજે વંચિતોને વરિયતાના વિચારની જીત થઈ છે. આજે ભારતના વિકાસ માટે રાજ્યોનો વિકાસ- આ વિચારની જીત થઈ છે. આજે ઈમાનદારી, પારદર્શિતા અને સુશાસનની જીત થઈ છે.” 

  - Advertisement -

  ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી પ્રચંડ જીત બાદ આ જીતના નાયક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત પાર્ટી મુખ્યમથક ખાતે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ આ જીતને ઐતિહાસિક જીત ગણાવી અને મતદારોનો આભાર માન્યો. સાથે તેમણે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સૌને સાથે મળીને કામ કરવા માટે આહવાન કર્યું હતું.

  સંબોધનની શરૂઆત કરતાં PM મોદીએ કહ્યું, “આજનો વિજય ઐતિહાસિક છે, અભૂતપૂર્વ છે. આજે સૌનો સાથ, સૌનો વિકાસની ભાવના જીતી છે. આજે વિકસિત ભારતના આહવાનની જીત થઈ છે. આજે આત્મનિર્ભર ભારતના સંકલ્પની જીત થઈ છે. આજે વંચિતોને વરિયતાના વિચારની જીત થઈ છે. આજે ભારતના વિકાસ માટે રાજ્યોનો વિકાસ- આ વિચારની જીત થઈ છે. આજે ઈમાનદારી, પારદર્શિતા અને સુશાસનની જીત થઈ છે.” 

  તેમણે કહ્યું કે, “આ મંચ પરથી તમામ મતદારોને આદરપૂર્વક નમન કરું છું. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ ભાજપ પર ભરપૂર સ્નેહ દર્શાવ્યો છે. તેલંગણામાં પણ ભાજપ પ્રત્યે સમર્થન સતત વધી રહ્યું છે. અમારું સૌનું સૌભાગ્ય છે કે પરિવારજનોનો આટલો પ્રેમ અને વિશ્વાસ સતત મળતો રહ્યો છે.” આગળ ઉમેર્યું કે, હું માતાઓ-બહેનો અને દીકરીઓ સામે, યુવા સાથીઓ સામે, ખેડૂત ભાઈ-બહેનો સામે નતમસ્તક છું.” 

  - Advertisement -

  તેમણે કહ્યું, “આ ચૂંટણીમાં દેશને જાતિઓમાં વહેંચવાના બહુ પ્રયાસો થયા, પરંતુ તે તમામ નિષ્ફળ ગયા. હું સતત કહી રહ્યો હતો કે મારા માટે દેશમાં 4 જાતિ જ સૌથી મોટી જાતિ છે. નારીશક્તિ, યુવશક્તિ, ખેડૂતો અને ગરીબ પરિવાર- આ ચાર જાતિઓને સશકત કરવાથી જ દેશ સશક્ત થશે.” 

  નારીશક્તિને અભિનંદન, તેમનું સુરક્ષાકવચ હતું તો કોઇ નુકસાન ન પહોંચાડી શક્યું: PM

  પીએમ મોદીએ કહ્યું કે, “આ જીત બદલ હું વિશેષ રીતે દેશની નારીશક્તિનું અભિનંદન કરીશ. નારીશક્તિએ નિશ્ચય કર્યો હતો કે ભાજપની જીતનો ઝંડો લહેરાવશે અને જ્યારે દેશની નારીશક્તિ કોઈનું સુરક્ષાકવચ બની જાય તો કોઇ પણ તાકાત નુકસાન નહીં પહોંચાડી શકે. આજે નારીશક્તિ વંદન અધિનિયમે દેશની માતા-બહેનો-દિકરીઓના મનમાં નવો વિશ્વાસ જગાવ્યો છે. દેશની મહિલાઓમાં વિશ્વાસ બેઠો છે કે ભાજપ સરકારમાં તેમની સક્રિય ભાગીદારીને નવી બુલંદી મળશે. આજે બહેન-દીકરીઓને લાગે છે કે ભાજપ જ નારી ગરિમા, નારી સન્માન, નારી સુરક્ષાની સૌથી મોટી ગેરેન્ટી છે.” 

  PM મોદીએ કહ્યું, “મહિલાઓએ જોયું છે કે છેલ્લાં 10 વર્ષમાં ભાજપે તેમના સુધી ટોયલેટ, વીજળી, ગેસ, નળથી જળ, બેંકમાં ખાતાં, જેવી પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવા કેટલી ઈમાનદારીથી કામ કર્યું. કઈ રીતે ભાજપ સરકાર ઘર-પરિવાર અને સમાજમાં તેમની આર્થિક ભાગીદારી વધારવા માટે રોજગાર, સ્વરોજગારના નવા અવસરો આપવા માટે નિરંતર કામ કરી રહી છે. નારીશક્તિનો વિકાસ ભાજપના વિકાસ મોડેલનો એક મહત્વપૂર્ણ સ્તંભ પણ છે. એટલે જ આ ચૂંટણીમાં મહિલાઓ, બહેનો-દીકરીઓએ એક રીતે ભાજપના વિજયની જવાબદારી હાથમાં ઉઠાવી લીધી હતી અને ભરપૂર આશીર્વાદ આપ્યા. હું આજે પૂરેપૂરી વિનમ્રતાથી દેશને દરેક બેન-દીકરીઓને એ જ કહીશ કે ભાજપે તમને જે વાયદા આપ્યા છે તે શત પ્રતિશત પૂર્ણ કરવામાં આવશે. આ મોદીની ગેરેન્ટી છે.” 

  દેશનો યુવા માત્ર વિકાસ ઇચ્છે છે

  ચૂંટણી પરિણામો વધુ એક વાત સ્પષ્ટ કરી દીધી છે તેમ કહેતાં પીએમ મોદીએ કહ્યું કે, દેશના યુવા માત્ર અને માત્ર વિકાસ ઇચ્છે છે. રાજસ્થાન હોય, છત્તીસગઢ હોય કે તેલંગાણા હોય, દરેક સરકારો પેપર લીક અને ભરતી કૌભાંડના આરોપોમાં સપડાયેલી હતી. પરિણામ એ આવ્યું કે આ ત્રણેય રાજ્યોમાં સત્તામાં બેઠેલી પાર્ટીઓ હવે સરકારમાંથી બહાર થઈ ગઈ છે. આજે દેશના યુવાઓમાં સતત વિશ્વાસ વધી રહ્યો છે કે ભાજપ જ તેમની આકાંક્ષાઓ સમજે છે અને તે માટે કામ કરે છે. દેશનો યુવા જાણે છે કે ભાજપની સરકાર યુવાહિતેષી અને તેમના માટે નવી તકો સર્જે છે. 

  વડાપ્રધાને કહ્યું, “દેશનો આદિવાસી સમાજ પણ ખૂલીને પોતાની વાત મૂકી રહ્યો છે. આ એ આદિવાસી સમાજ છે જે કોંગ્રેસની નીતિઓના કારણે 7 દાયકાઓ સુધી પાછળ રહ્યો, જેને તકો આપવામાં ન આવી. તેમની વસતી આજે દસ કરોડ આસપાસ છે. આપણે ગુજરાત ચૂંટણીનાં પરિણામોમાં પણ જોયું છે, જે કોંગ્રેસે આદિવાસી સમાજને ક્યારેય પૂછ્યું પણ નહીં, તે આદિવાસી સમાજે કોંગ્રેસનો સફાયો કરી દીધો. આ જ ભાવના આજે આપણે એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ જોઈ છે. આ રાજ્યોની આદિવાસી બેઠકો પર કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. આદિવાસી સમાજ આજે વિકાસ માટે આકાંક્ષી છે અને તેમને વિશ્વાસ છે કે આ આકાંક્ષાઓને માત્ર ભાજપ સરકાર જ પૂર્ણ કરી શકે છે. 

  પીએમ મોદીએ જાહેર મંચ પરથી દરેક રાજ્યના ભાજપ કાર્યકર્તાઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ અને કમળ પ્રત્યે તમારી નિષ્ઠા અને સમર્પણ અતુલનીય છે. ડબલ એન્જિન સરકારનો સંદેશ તમે પૂરી ઈમાનદારી સાથે લોકો સુધી પહોંચાડ્યો. તેનું જ પરિણામ આજે આપણને મળી રહ્યું છે. દરમ્યાન તેમણે રાત-દિવસ મહેનત કરવા બદલ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની પણ પ્રશંસા કરી. તેલંગાણાની જનતા અને ત્યાંના ભાજપ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવતાં તેમણે કહ્યું કે, તેલંગાણાના લોકોને વિશ્વાસ અપાવું છું કે ભાજપ તમારી સેવામાં કોઇ કસર નહીં બાકી રાખે.” 

  દૂર સુધી સંભળાશે આ પરિણામોની ગૂંજ

  વડાપ્રધાને કહ્યું કે, આ પરિણામોની ગૂંજ માત્ર 3 રાજ્યો સુધી જ સીમિત નહીં રહે, પણ દૂર સુધી સંભળાશે. આગળ કહ્યું કે, આ ચૂંટણી પરિણામ ભાજપ પ્રત્યેના વિશ્વાસને વધુ મજબૂતી આપશે. આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતનો જે સંકલ્પ લીધો છે તેને જનતા જનાર્દનના આશીર્વાદ મળી રહ્યા છે. દુનિયા જોઈ રહી છે કે ભારતનું લોકતંત્ર અને ભારતના મતદાર કેટલા પરિપક્વ છે. દુનિયા જોઈ રહી છે કે ભારતની જનતા પૂર્ણ બહુમત અને સ્થિર સરકાર માટે સમજી-વિચારીને મત આપે છે. 

  સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે, “ભાજપે સેવા અને સુશાસનના રાજકારણનું નવું મોડેલ દેશ સામે પ્રસ્તુત કર્યું છે. અમારી નીતિ અને નિર્ણયોના મૂળમાં માત્રને માત્ર દેશ છે, દેશવાસીઓ છે, ભારત માતા કી જય- આ જ અમારો મંત્ર છે. ભાજપ સરકાર માત્ર નીતિ નથી બનાવતી, દરેક લાભાર્થી સુધી તે પહોંચે તે પણ સુનિશ્ચિત કરે છે. ભાજપ પરફોર્મન્સ અને ડિલીવરીની રાજનીતિ દેશ સામે હકીકત બનાવીને લઇને આવી છે. ભારતનો મતદાર જાણે છે કે સ્વાર્થ શું છે, જનહિત અને રાષ્ટ્રહિત શું છે. દૂધ અને પાણીનો ભેદ દેશ જાણે છે.” 

  ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભાજપના અભિયાનને મળ્યું જનસમર્થન: PM

  તેમણે કહ્યું કે, “અમુક લોકો કહી રહ્યા છે કે આજની હેટ્રિકે 24ની હેટ્રિકની ગેરેન્ટી આપી દીધી છે. આજના જનાદેશે એ પણ સાબિત કર્યું છે કે ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ અને પરિવારવાદને લઈને દેશના દરેક નાગરિકના હૃદયમાં ઝીરો ટોલરન્સ બની રહી છે. આજે દેશને લાગે છે કે 3 નબળાઈઓને સમાપ્ત કરવામાં જો કોઈ પ્રભાવી હોય તો તે ભાજપા જ છે. ભાજપની કેન્દ્ર સરકારે દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે અભિયાન શરૂ કર્યું છે, તેને ભારે જનસમર્થન મળી રહ્યું છે. જે નેતાઓ ભ્રષ્ટાચારીઓ સાથે ઉભા રહેવામાં બિલકુલ શરમ નથી અનુભવતા તેમને જનતાએ આજે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. જેઓ જાતજાતના તર્ક સાથે ભ્રષ્ટાચારીઓને કવચ આપે છે, એજન્સીઓને બદનામ કરવામાં દિવસ-રાત લાગેલા છે, જેઓ સમજી લે, આ ચૂંટણી પરિણામો ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઇનું પણ જનસમર્થન છે. 

  જનતાનું હૃદય જીતવા માટે રાષ્ટ્રસેવાનું ઝનૂન જોઈએ, ઘમંડિયા ગઠબંધનમાં તે નથી: વડાપ્રધાન

  કોંગ્રેસ અને સાથી પાર્ટીઓના INDI ગઠબંધનને લઈને પીએમ મોદીએ કહ્યું કે, “આ ચૂંટણી પરિણામો કોંગ્રેસ અને તેના ઘમંડિયા ગઠબંધન માટે પણ મોટો સબક છે. સબક એ છે કે અમુક પરિવારવાદીઓના મંચ પર એકસાથે આવી જવાથી ફોટો કેટલો પણ સારો આવે, દેશનો વિશ્વાસ નથી જીતાતો. દેશની જનતાનું હૃદય જીતવા રાષ્ટ્રસેવાનું ઝનૂન હોવું જોઈએ, ઘમંડિયા ગઠબંધનમાં તે દેખાતું નથી. ગાળાગાળી, નિરાશા, નકારાત્મકતા- ઘમંડિયા ગઠબંધનને મીડિયા હેડલાઈન જરૂર આપી શકે, પણ જનતાના હૃદયમાં સ્થાન નહીં અપાવી શકે.” 

  અંતે પીએમ મોદીએ કહ્યું કે, “તમારાં સપનાં મારો સંકલ્પ છે. તમારાં સપનાં પૂર્ણ કરવા માટે મારો જે સંકલ્પ છે તે મારી સાધના પણ છે અને તપાસ્યા પણ છે. જ્યાંથી બીજા પાસેની આશા સમાપ્ત થાય છે, ત્યાં મોદીની ગેરેન્ટી શરૂ થાય છે.” તેમણે ‘સૌના સાથ, સૌના વિકાસ’ના મંત્રને લઈને દેશના વિકાસ માટે સૌને આગળ આવવા માટે આહવાન કર્યું હતું. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં