Saturday, April 13, 2024
More
  હોમપેજરાજકારણઆજથી ચૂંટણી પ્રચારનાં બ્યૂગલ ફૂંકશે વડાપ્રધાન મોદી, મેરઠમાં જાહેર સભા: CM યોગી...

  આજથી ચૂંટણી પ્રચારનાં બ્યૂગલ ફૂંકશે વડાપ્રધાન મોદી, મેરઠમાં જાહેર સભા: CM યોગી અને RLD અધ્યક્ષ જયંત ચૌધરી પણ રહેશે ઉપસ્થિત

  ભાજપના વરિષ્ઠ નેતા અને MLC ગોવિંદ નારાયણ શુક્લાએ કહ્યું કે, વડાપ્રધાન મોદીની મેરઠ રેલી પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેમણે કહ્યું કે, પાર્ટી અને તેના સહયોગીઓ રાજ્યની તમામ 80 લોકસભા બેઠકો જીતશે.

  - Advertisement -

  વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તેઓ મેરઠથી લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરશે. રાષ્ટ્રીય લોકદલ (RLD) સાથે ભાજપની આ પ્રથમ સંયુક્ત ચૂંટણી રેલી હશે. આ દરમિયાન PM મોદી સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, RLDના અધ્યક્ષ જયંત ચૌધરી પણ ઉપસ્થિત રહેશે. નોંધનીય છે કે, યુપીની મેરઠ લોકસભા બેઠક પરથી ભાજપે ટીવી સિરિયલ ‘રામાયણ’થી પ્રખ્યાત થયેલા અભિનેતા અરુણ ગોવિલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

  PM મોદી રવિવારે (31 માર્ચ, 2024) ઉત્તર પ્રદેશના મેરઠથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરવાના છે. તેમની સાથે યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય લોકદલના અધ્યક્ષ જયંત ચૌધરી પણ મેરઠની સભામાં ભાગ લેશે. જયંત ચૌધરી તાજેતરમાં ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)માં સામેલ થયા હતા. ભાજપના એક નેતાએ આ વિશે જણાવ્યું છે કે, “અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા બાદ, PM મોદી રાજ્યમાં તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત અરુણ ગોવિલના મતવિસ્તારથી કરી રહ્યા છે.”

  ભાજપના પ્રદેશ મહાસચિવ અનુપ ગુપ્તાને વડાપ્રધાનની રેલીના સંકલનની તમામ જવાબદારીઓ સોંપવામાં આવી છે. ભાજપના અન્ય એક નેતાએ આ અંગે જણાવ્યું છે કે, મેરઠ સિવાય નજીકના બાગપત, બિજનૌર, મુઝફ્ફરનગર અને કૈરાના લોકસભા વિસ્તારના લોકો પણ રવિવારની આ રેલીમાં ભાગ લેવાના છે. જાણવા મળી રહ્યું છે કે, વડાપ્રધાન બપોરના લગભગ 3:15 કલાકે મેરઠ પહોંચશે.

  - Advertisement -

  જયંત ચૌધરી સાથે RLDના તમામ નેતાઓ રહેશે હાજર

  PM મોદીની રેલીમાં ભાજપના નેતાઓની સાથે RLDના પણ તમામ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. ભાજપના વરિષ્ઠ નેતા અને MLC ગોવિંદ નારાયણ શુક્લાએ કહ્યું કે, વડાપ્રધાન મોદીની મેરઠ રેલી પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેમણે કહ્યું કે, પાર્ટી અને તેના સહયોગીઓ રાજ્યની તમામ 80 લોકસભા બેઠકો જીતશે. બીજેપીના એક નેતાએ કહ્યું, “2024ની ચૂંટણી (ઉત્તર પ્રદેશમાં)ની આ પહેલી રેલી છે. પાર્ટી કાર્યકર્તાઓ ભાગ્યશાળી છે કે, વડાપ્રધાન મેરઠથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા જઈ રહ્યા છે.” RLDના પ્રવક્તા અતિર રિઝવીના જણાવ્યા અનુસાર, પાર્ટીના વડા જયંત ચૌધરી રેલીમાં ભાજપના નેતાઓ સાથે સ્ટેજ શેર કરશે.

  રેલીને લઈને કલમ 144 લાગુ

  સ્થાનિક વહીવટીતંત્રે રવિવારે વડાપ્રધાનની રેલી પહેલાં કલમ 144 લાગુ કરી છે, જે હેઠળ રેલી સ્થળથી આઠ કિલોમીટરની ત્રિજ્યામાં ડ્રોન, પતંગ અથવા બલૂન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીના તમામ સાત તબક્કામાં મતદાન થશે, જેમાં બિજનૌર, મુઝફ્ફરનગર અને કૈરાના લોકસભા સીટ પર પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. બીજા તબક્કામાં મેરઠ અને બાગપતમાં 26 એપ્રિલે મતદાન થશે. મેરઠથી ભાજપ ઉમેદવાર તરીકે સુપ્રસિદ્ધ ધારાવાહિક ‘રામાયણ’માં પ્રભુ રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલને ટીકીટ આપવામાં આવી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં