લોકસભા ચૂંટણી હવે શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન તમામ પક્ષો પણ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. આ વચ્ચે જ વડાપ્રધાન મોદીએ મધ્ય પ્રદેશના નર્મદાપુરમમાં એક ચૂંટણીલક્ષી જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, મધ્ય પ્રદેશે સમગ્ર દેશને આશ્ચર્યચકિત કર્યાને લાંબો સમય નથી થયો. અહીંથી ઉદ્ભવેલી લહેર આખા દેશમાં ફેલાઈ છે. આજે દેશના ખૂણે-ખૂણામાં એક જ અવાજ આવી રહ્યો છે. ‘ફરી એકવાર મોદી સરકાર.’ આ સાથે જ PM મોદીએ રાહુલ ગાંધી પર પણ કટાક્ષ કર્યો હતો, તેમને કોંગ્રેસના શહેજાદા અને શાહી જાદુગર ગણાવ્યા હતા.
PM મોદીએ સંબોધન દરમિયાન કહ્યું કે, બાબાસાહેબ આંબેડકરના સ્થાનોને પંચતીર્થ કરવાનું સૌભાગ્ય ભાજપ સરકારને મળ્યું છે. તેમણે કહ્યું, “કોંગ્રેસ જેવી પાર્ટીઓએ હંમેશા બાબાસાહેબને અપમાનિત કરવાનું કાર્ય કર્યું છે. બાબાસાહેબે જે બંધારણ બનાવ્યું છે, તેના આધારે ત્રીજીવાર અમે સેવાની તક માંગી રહ્યા છીએ. આ બાબાસાહેબનો આશીર્વાદ છે કે, આજે દેશની એક આદિવાસી દીકરી રાષ્ટ્રપતિના રૂપે પ્રસ્તુત છે. અમે ડિજિટલ પેમેન્ટનું નામ પણ બાબાસાહેબના નામથી જ રાખ્યું છે.”
‘કોંગ્રેસના શહેજાદા એક ઝટકામાં હટાવશે ગરીબી’
PM મોદીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, “કોંગ્રેસ જ્યારે ઈચ્છે ત્યારે દેશમાં લોકતાંત્રિક સરકારોને તોડી પાડતી હતી. તેમણે પોતાનું જ મહિમામંડન કરાવ્યું. કોંગ્રેસ પરિવાર ધમકી આપી રહ્યો છે કે, જો મોદી PM બનશે તો આગ લાગી જશે. આગ દેશમાં નથી લાગી, તેમના દિલ અને દિમાગમાં લાગી છે. આ બળતરા મોદીના કારણે નથી, પરંતુ 140 કરોડ લોકોના મોદી પ્રત્યેના પ્રેમના કારણે છે.”
#WATCH | Madhya Pradesh: On Congress leader Rahul Gandhi's remarks, PM Modi says, "…Desperate Congress is making such announcements which the Congress leaders themselves are not understanding. The prince of Congress has just announced something that will make you laugh. He… pic.twitter.com/ei8P8SERgV
— ANI (@ANI) April 14, 2024
આ સાથે PM મોદીએ કહ્યું કે, “હતાશ થઈ ગયેલી કોંગ્રેસ એવી ઘોષણા કરી રહી છે કે, કોંગ્રેસના નેતાઓને પણ તે સમજાઈ રહ્યું નથી.” PM મોદીએ રાહુલ ગાંધી વિશે કહ્યું કે, “કોંગ્રેસના શહેઝાદાએ હમણાં ઘોષણા કરી હતી. તમે પણ સાંભળીને હસી ઊઠશો. શહેઝાદાએ ઘોષણા કરી કે, એક ઝટકામાં દેશની ગરીબી હટાવી દઇશ. આખો દેશ પૂછી રહ્યો છે કે, આખરે આ શાહી જાદુગર આટલા વર્ષો સુધી કયા સંતાયેલો હતો. 50 વર્ષ પહેલાં તેમના દાદીએ દેશમાંથી ગરીબી હટાવવાની ઘોષણા કરી હતી. તે વાતને હમણાં 50 વર્ષ થઈ ગયાં. 2014થી પહેલાં 10 વર્ષ સુધી આ લોકોએ રિમોટથી સરકાર ચલાવી અને હવે તેમને આ એક ઝટકાવાળો મંત્ર મળી ગયો છે. આ મંત્ર તે લાવ્યા ક્યાંથી હશે.”
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, “મને તમે લોકો જ કહો કે, આ ગરીબોની મજાક છે કે નથી? આ ગરીબોનું અપમાન છે. એક ઝટકે ગરીબી દૂર થાય? આ શું બોલી રહ્યા છે તેઓ, તેમના પર કોઈ ભરોસો કરશે? એવા દાવા કરે છે કે, તેના કારણે તે પોતે જ હાંસીપાત્ર બને છે. દેશ તેમને ગંભીરતાથી નથી લઈ રહ્યો. તમે મને ખૂબ નજીકથી જોયો છે. દિવસ-રાત હું શું કરી રહ્યો છું? કેમ કરી રહ્યો છું? અને કોના માટે કરી રહ્યો છું? તે બધુ બરાબર જોયું છે. તમને વિશ્વાસ થઈ ગયો છે કે, મોદીનું પોતાનું કોઈ સપનું નથી. મોદી માટે તો તમારા સપનાં જ મોદીના સંકલ્પ છે.”
શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એક સભા સંબોધતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની પાર્ટી જો સત્તામાં આવે તો ‘એક ઝાટકે’ ગરીબી દૂર કરવાની વાત કહી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, જો તમે ગરીબી રેખાની નીચે હો તો દર વર્ષે 1 લાખ ખટાખટ ખટાખટ આવતા રહેશે અને એક ઝાટકે આપણે હિન્દુસ્તાનમાંથી ગરીબી હટાવી દઈશું. તે સમયે પણ તેમની ખૂબ મજાક ઉડી હતી અને લોકોએ પૂછ્યું હતું કે તેઓ હમણાં ગરીબી હટાવવાની વાત કરે છે તો આટલાં વર્ષો સુધી તેમની પાર્ટીની સરકારોએ શું કર્યું?