લોકસભા ચૂંટણીના પ્રચાર માટે પીએમ મોદી દેશભરમાં યાત્રા કરી રહ્યા છે. શુક્રવારે (12 એપ્રિલ) તેમણે જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એક જંગી જનસભા સંબોધી. અહીં પીએમ મોદીએ કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કર્યા અને તેમના દ્વારા થતા હિંદુઓના અપમાનનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે નામ લીધા વગર રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પર પ્રહાર કરીને પૂછ્યું કે આખરે નવરાત્રિ કે શ્રાવણ દરમિયાન નોનવેજના વિડીયો પોસ્ટ કરીને તેઓ કોને ખુશ કરવાના પ્રયાસ કરી રહ્યા છે?
પીએમ મોદીએ કહ્યું કે, શ્રાવણ અને નવરાત્રિ દરમિયાન નોન-વેજ ખાવાનો વિડીયો મૂકીને ભાવનાઓ ભડકાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને આ તેમની મુઘલિયા માનસિકતા દર્શાવે છે. નોંધવું જોઈએ કે તાજેતરમાં જ નવરાત્રિના પહેલા દિવસે RJD નેતા તેજસ્વી યાદવે એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ માછલી ખાતા જોવા મળ્યા હતા.
વડાપ્રધાને જનસભામાં કહ્યું, કોંગ્રેસ અને INDI ગઠબંધનન લોકોને દેશના બહુમતી લોકોની ભાવનાઓની કોઇ પરવા નથી. તેમને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવામાં મજા આવે છે. આ લોકો કોર્ટે જેમને સજા આપી છે, જેઓ જામીન પર છે તેવા એક ગુનેગારના ઘરે જઈને શ્રાવણ મહિનામાં મટન બનાવવાની મોજ લઇ રહ્યા છે. એટલું જ નહીં, તેનો વિડીયો બનાવીને દેશના લોકોને ચીડવવાનું કામ કરે છે.”
આગળ તેમણે કહ્યું, “ન તો કાયદો કોઇને કશું ખાવાથી રોકે છે કે ન મોદી રોકે છે. વેજ ખાવું કે નોનવેજ એ સૌની સ્વતંત્રતા છે. પરંતુ આ લોકોની મનશા બીજી હોય છે.” તેમણે ઉમેર્યું, “જ્યારે મુઘલ અહીં આક્રમણ કરતા હતા ત્યારે તેમને સત્તા મેળવવાથી સંતોષ નહતો થતો, જ્યાં સુધી મંદિરો તોડતા ન હતા ત્યાં સુધી સંતોષ મળતો ન હતો. તેમને એમાં જ મજા આવતી હતી. એવી જ રીતે આ લોકો શ્રાવણના મહિનામાં મુઘલ કાળની માનસિકતા દર્શાવીને દેશના લોકોને ચીડવવા માંગે છે અને પોતાની વોટબેન્ક પાક્કી કરવા માંગે છે.”
પીએમ મોદીએ આગળ કહ્યું, “નવરાત્રિના દિવસોમાં નોનવેજ ખાવું….તમે કઈ મનશાથી આ વિડીયો બતાવીને, લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડીને કોને ખુશ કરવા માટે આ ખેલ કરી રહ્યા છો?” વડાપ્રધાને કહ્યું કે, આવું કહ્યા બાદ આ લોકો મારી ઉપર ગાળોનો વરસાદ કરશે અને મારી પાછળ પડી જશે. પરંતુ વાત હદથી બહાર જાય ત્યારે દેશને સાચી બાબતથી વાકેફ કરવો એ મારી જવાબદારી છે.”
તેમણે કહ્યું, “આ લોકો આવું જાણીજોઈને કરે છે, જેથી આ દેશની માન્યતાઓ પર હુમલો થાય. જેથી એક મોટો વર્ગ તેમના આ વિડીયો જોઈને અસહજ થતો રહે. તુષ્ટિકરણથી આગળ વધીને આ તેમની મુઘલિયા માનસિકતા છે, પરંતુ તેઓ નથી જાણતા કે જનતા જ્યારે જવાબ આપે છે ત્યારે મોટાં-મોટાં શાહી ખાનદાનોએ બેદખલ થવું પડે છે.”
નોંધવું જોઈએ કે સપ્ટેમ્બર, 2023માં રાહુલ ગાંધીએ એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ RJD સુપ્રીમો લાલુ યાદવના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમણે બંનેએ મળીને મટન બનાવ્યું હતું. તે સમયે શ્રાવણ મહિનો ચાલી રહ્યો હતો. હિંદુઓના પવિત્ર મહિનામાં આ રીતે નોનવેજ બનાવવાનો વિડીયો મૂકવા બદલ ત્યારે પણ રાહુલ ગાંધીની ખૂબ ટીકા થઈ હતી.
चुनावी भागदौड़ एवं व्यस्तता के बीच हेलिकॉप्टर में भोजन! दिनांक- 08/04/2024 #TejashwiYadav #bihari #politics #Bihar #biharifood #बिहार #india pic.twitter.com/JIfgbXfQpP
— Tejashwi Yadav (@yadavtejashwi) April 9, 2024
બીજી તરફ, તાજેતરમાં નવરાત્રિના પ્રથમ દિવસે તેજસ્વી યાદવે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ હેલિકૉપ્ટરમાં ભોજન કરતા જોવા મળે છે. તેઓ વિડીયોમાં માછલી ખાતા જોવા મળ્યા હતા. નવરાત્રિના પ્રથમ દિવસે જ આ પ્રકારનો વિડીયો સામે આવતાં લોકોએ તેમને પણ પ્રશ્ન કર્યા હતા. હવે પીએમ મોદીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે.