Thursday, April 25, 2024
More
  હોમપેજએક્સપ્લેઇનરવિપક્ષી નેતાઓનો દાવો- મોબાઈલ હૅક કરવાના પ્રયાસ થતા હોવાના એલર્ટ મળ્યાં, એપલની...

  વિપક્ષી નેતાઓનો દાવો- મોબાઈલ હૅક કરવાના પ્રયાસ થતા હોવાના એલર્ટ મળ્યાં, એપલની પ્રતિક્રિયા બાદ સ્પષ્ટ થઈ સ્થિતિ: સરકારે આપ્યા તપાસના આદેશ- જાણો સમગ્ર વિવાદ વિશે

  રસપ્રદ વાત એ છે કે એપલ પોતાની વેબસાઈટ પર જ કહે છે કે, યુઝરોનાં ડિવાઇસ પર જે કથિત રીતે ‘સ્ટેટ સ્પોન્સર્ડ અટેકર્સ’ને લઈને મેસેજ જઈ રહ્યા છે તે વિશ્વસનીય નથી. એટલું જ નહીં, વિપક્ષી નેતાઓને પણ જે મેસેજ આવ્યા છે તેમાં પણ લખવામાં આવ્યું છે કે “એવું પણ શક્ય છે કે આ એક ફોલ્સ એલાર્મ (ખોટો મેસેજ) હોય શકે.

  - Advertisement -

  મંગળવારે (31 ઓક્ટોબર) સવારે વિપક્ષી પાર્ટીઓના અમુક નેતાઓએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે તેમના મોબાઈલ ઉપર એલર્ટ મેસેજ આવ્યા છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે અમુક ‘સ્ટેટ સ્પોન્સર્ડ અટેકર્સ’ તેમના મોબાઈલને ટાર્ગેટ કરી રહ્યા હોય શકે. ‘સ્ટેટ સ્પોન્સર્ડ’ એટલે કે સરકાર પ્રેરિત. ઘણા નેતાઓએ આ પ્રકારના સ્ક્રીનશોટ મૂક્યા હતા અને સરકાર પર આરોપો લગાવ્યા. આ તમામ એપલ કંપનીના મોબાઈલ (આઇફોન) વાપરે છે અને દાવો છે કે કંપનીએ તેમને એલર્ટ મોકલ્યાં હતાં.

  કોંગ્રેસ નેતા શશિ થરૂરે આવા અમુક સ્ક્રીનશોટ પોસ્ટ કરીને લખ્યું કે, “આ મને [email protected] પરથી મળ્યું છે અને મેં પુષ્ટિ પણ કરી છે.” સાથે કટાક્ષ કરીને લખ્યું કે, મારા જેવા ટેક્સપેયરોના પૈસા અમુક (સરકારી) કર્મચારીઓ વ્યસ્ત રહે છે તે જાણીને આનંદ થયો પણ આનાથી મહત્વનું બીજું કોઇ કામ નથી?” સાથે તેમણે રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ અને વડાપ્રધાન કાર્યાલયનાં X હેન્ડલને ટેગ કર્યાં હતાં. 

  આવો જ મેસેજ આવ્યાનો દાવો પછીથી કોંગ્રેસના પવન ખેડાએ કર્યો. તેમણે એક સ્ક્રીનશોટ પોસ્ટ કરીને લખ્યું, “ડિયર મોદી સરકાર, તમે આવું શા માટે કરી રહ્યા છો?”

  - Advertisement -

  તાજેતરમાં ‘કૅશ ફોર ક્વેરી’ કૌભાંડને કારણે ચર્ચામાં આવેલાં તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઈત્રાએ પણ આવો જ દાવો કર્યો અને કહ્યું કે તેમને પણ એલર્ટ આવ્યું છે. મહુઆએ લખ્યું કે, “એપલ તરફથી મેસેજ અને ઈમેલ આવ્યો છે કે સરકાર મારો ફોન અને ઈમેલ હેક કરવાના પ્રયાસ કરે છે.” સાથે ગૃહ મંત્રાલયના હેન્ડલને ટેગ કરીને અદાણી-મોદીનો રાગ આલાપ્યો અને એમ પણ કહ્યું કે, I.N.D.I ગઠબંધનના ઘણા નેતાઓને આવા મેસેજ આવ્યા છે. 

  પછીથી પ્રિયંકા ચતુર્વેદીથી માંડીને ઘણા નેતાઓએ આ પ્રકારનાં એલર્ટ આવ્યાં હોવાના દાવા કર્યા હતા. રાહુલ ગાંધીએ પણ એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ દાવાને આગળ વધાર્યો અને કહ્યું કે, ઘણા નેતાઓને આ પ્રકારના એલર્ટ આવ્યાં છે. જેમાં તેમણે કેસી વેણુગોપાલ, પવન ખેડા, સુપ્રિયા વગેરેનાં નામો લીધાં અને ભાજપ સરકાર પર ‘ધ્યાન ભટકાવવાના’ આરોપ લગાવ્યા. 

  જોકે, એવું નથી કે માત્ર ભારતમાં જ આ પ્રકારનાં એલર્ટ્સ આવ્યાં હોય. ઘણા વિદેશી યુઝરોએ પણ આ પ્રકારનાં નોટિફિકેશન આવ્યાં હોવાની પોસ્ટ કરી છે.

  એપલ પોતે જ કહે છે- આ એલર્ટ ખોટા પણ હોય શકે, કોઇ ચોક્કસ અટેકર્સની વાત નથી 

  અહીં રસપ્રદ વાત એ છે કે એપલ પોતાની વેબસાઈટ પર જ કહે છે કે, યુઝરોનાં ડિવાઇસ પર જે કથિત રીતે ‘સ્ટેટ સ્પોન્સર્ડ અટેકર્સ’ને લઈને મેસેજ જઈ રહ્યા છે તે વિશ્વસનીય નથી. એટલું જ નહીં, વિપક્ષી નેતાઓને પણ જે મેસેજ આવ્યા છે તેમાં પણ લખવામાં આવ્યું છે કે “એવું પણ શક્ય છે કે આ એક ફોલ્સ અલાર્મ (ખોટો મેસેજ) હોય શકે, પરંતુ આ ચેતવણીને ગંભીરતાથી લેવી જોઈએ.”

  એપલે એમ પણ કહ્યું કે, તેઓ આ નોટિફિકેશન્સ માટે કોઇ ચોક્કસ સ્ટેટ સ્પોન્સર્ડ અટેકર્સને જવાબદાર ઠેરવતા નથી. કંપનીના સપોર્ટ પર જણાવવામાં આવ્યું છે કે, “શક્ય છે કે અમુક નોટિફિકેશન ફોલ્સ અલાર્મ હોય શકે અને અમુક (હેકિંગ માટેના) અટેક્સ ધ્યાને ન આવે. અમે એ જણાવી શકીએ તેમ નથી કે અમે આ નોટિફિકેશન શા માટે મોકલી રહ્યા છીએ, કારણ કે તેનાથી સ્ટેટ સ્પોન્સર્ડ અટેકર્સ સાવચેત થઈ શકે છે.” 

  આનો અર્થ એ થયો કે એપલ પોતે પણ સ્પષ્ટ નથી કે આ કથિત અટેક એ અટેક છે કે નહીં કે પછી એ સરકારનો કોઇ પ્રયાસ છે કે નહીં. આ સમગ્ર વિવાદ બાદ એપલે ફરી એક સ્ટેટમેન્ટ આપીને મુદ્દો સ્પષ્ટ કર્યો હતો. 

  કંપની કહે છે, “એપલ આ થ્રેટ નોટિફિકેશન્સ માટે કોઇ ચોક્કસ સ્ટેટ સ્પોન્સર્ડ અટેકર્સને જવાબદાર નહીં ઠેરવે. તેમની પાસે ફન્ડિંગ પણ એટલું જ હોય છે અને સમય સાથે તેમના હુમલાઓની રીત બદલાતા રહે છે. આ પ્રકારના હુમલાઓની ઓળખ માટે થ્રેટ ઇન્ટેલિજન્સ સિગ્નલ પર નિર્ભર રહેવું પડે છે અને તે ઘણી વખત પૂરતાં હોતાં નથી. શક્ય છે કે અમુક એપલ થ્રેટ નોટિફિકેશન ફોલ્સ અલાર્મ (ખોટો મેસેજ કે એલર્ટ) હોય શકે છે, કે એવું પણ બને કે અમુક અટેક ધ્યાનમાં ન આવે. આ નોટિફિકેશન શા માટે મોકલવામાં આવ્યાં તે અંગે અમે કોઇ માહિતી આપી શકીએ તેમ નથી કારણ કે તેનાથી સ્ટેટ સ્પોન્સર્ડ અટેકર્સ ભવિષ્યમાં સાવચેત થઈ શકે છે.”

  શા માટે છે આ વ્યવસ્થા? એપલ શું કહે છે? 

  એપલની વેબસાઈટ અનુસાર, આ ‘એપલ થ્રેટ નોટિફિકેશન’ની વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે જેથી તે જો કોઇ સરકાર પ્રેરિત હેકિંગ માટેના પ્રયાસ થતા હોય કે અન્ય પ્રકારના અટેક થતા હોય તો યુઝરને એલર્ટ કરી શકે. કંપનીનું કહેવું છે કે આ પ્રકારના યુઝરો વ્યક્તિગત રીતે ટાર્ગેટ થતા હોય છે. બાકીના સામાન્ય યુઝરો કે એક મોટા સમૂહ પર આ પ્રકારના અટેક થતા નથી પરંતુ સ્ટેટ સ્પોન્સર્ડ અટેકર્સ અમુક ચોક્કસ વ્યક્તિઓનાં ડિવાઇસ પર જ અટેક કરે છે. એપલનું કહેવું છે કે, મેસેજ આવ્યો છે તે સાચો જ છે કે તે જાણવા માટે appleid.Apple.com પર જઈને જોવું, જો કંપનીએ એલર્ટ મોકલ્યું હશે તો ત્યાં બતાવી દેશે. 

  સરકારે તપાસના આદેશ આપ્યા, કહ્યું- એપલને પણ સાચી માહિતી સાથે સહયોગ આપવા કહ્યું છે 

  આ સમગ્ર વિવાદ બાદ મોદી સરકારે પણ તપાસના આદેશ આપ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, “મીડિયામાં અમુક સાંસદો તેમજ અન્ય લોકો દ્વારા તેમને એપલ દ્વારા મળેલાં નોટિફિકેશન અંગે આપવામાં આવેલાં નિવેદનો જોઈને અમે ચિંતિત છીએ. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમને મળેલા નોફિકેશનમાં તેમના ડિવાઇસ પર સરકાર પ્રાયોજિત હુમલાની વાત કરવામાં આવી છે.” 

  તેમણે આગળ કહ્યું કે, “એપલ દ્વારા આપવામાં આવેલી માહિતી અસ્પષ્ટ અને ચોક્કસ ન હોય તેમ લાગે છે. એપલ કહે છે કે આ નોટિફિકેશન અધૂરી કે અયોગ્ય માહિતીના આધારે પણ આવી શકે છે. એમ પણ કહેવાયું છે કે અમુક નોટિફિકેશન ફોલ્સ અલાર્મ પણ હોય શકે છે. એપલ એવો પણ દાવો કરે છે કે એપલ આઈડી એકદમ સુરક્ષિત હોય છે અને યુઝરની પરવાનગી વગર તેનું એક્સેસ મેળવવું એ અત્યંત મુશ્કેલ કામ છે.”

  તેમણે આગળ કહ્યું કે, “ભારત સરકાર નાગરિકોની સુરક્ષા અને ગોપનીયતાની રક્ષા માટે પ્રતિબદ્ધ છે અને તેનું મહત્વ ગંભીરતાથી સમજે છે. જેથી આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે. આ અંગે અમે એપલને પણ કહ્યું છે કે તેઓ પણ તપાસમાં સહયોગ આપે અને આ કથિત ‘સ્ટેટ સ્પોન્સર્ડ અટેક્સ’ને લઈને સાચી અને યોગ્ય માહિતી આપે.” 

  અગાઉ પેગાસસ દ્વારા જાસૂસી થતી હોવાના આરોપ લાગ્યા હતા, હવે નવું તૂત?

  ઉલ્લેખનીય છે કે મોદી સરકાર પર વિપક્ષો અગાઉ પણ એક સ્પાયવેર મારફતે જાસૂસી કરવાના આરોપો લગાવી ચૂક્યા છે. એક મીડિયા રિપોર્ટના આધારે દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર પેગાસસ નામના ઇઝરાયેલી કંપનીના સ્પાયવેરનો ઉપયોગ વિપક્ષી નેતાઓ, અમુક પત્રકારો અને ન્યાયાધીશોની જાસૂસી કરવા માટે કરે છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા બાદ કોર્ટે એક પેનલ બનાવીને તપાસના આદેશ આપ્યા હતા. આ પેનલે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, તેમણે જે કોઇ ઉપકરણોની તપાસ કરી તેમાં આવું કશું જ મળ્યું ન હતું અને સ્પાયવેર હોવાના કોઇ પુરાવા નથી. 

  નોંધવું જોઈએ કે ‘પેગાસસ’ એ ઇઝરાયલી કંપની NSOનું એક સ્પાયવેર છે. જેના થકી મોબાઈલની જાસૂસી કરી શકાય છે. કંપનીનું કહેવું છે કે તેઓ તેને માત્ર સરકારોને જ વેચે છે. જોકે, કયા દેશની સરકારોને આપ્યું તે ક્યારેય જાહેર કરવામાં આવતું નથી. પરંતુ ‘ધ વાયર’ સહિતના મીડિયા આઉટલેટ્સે દાવો કર્યો હતો કે ભારત સરકારે પણ આ સ્પાયવેર ખરીદ્યું હતું. જોકે, આ આરોપો ક્યારેય સાબિત થઈ શક્યા નહીં. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં