મમતા બેનર્જીની પાર્ટી TMCએ આગામી લોકસભા ચૂંટણી માટે પશ્ચિમ બંગાળની તમામ 42 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. જેની સાથે જ બંગાળમાંથી INDI ગઠબંધને અધિકારીક રીતે વિદાય લઇ લીધી છે. TMCએ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને પણ ટીકીટ આપી છે. તેઓ બહરામપુર બેઠક પરથી ઉમેદવાર બનાવાયા છે, જ્યાંથી કોંગ્રેસના અધીર રંજન ચૌધરી સાંસદ છે. આ સિવાય મહુઆ મોઈત્રા અને શત્રુઘ્ન સિંહાને પણ ટીકીટ આપવામાં આવી છે.
પૂર્વ ક્રિકેટર યૂસુફ પઠાણને TMCએ કોંગ્રેસના અધીર રંજન ચૌધરી સામે લોકસભા લડવા મેદાને ઉતર્યા છે. જોકે, હજુ કોંગ્રેસે આધિકારિક રીતે અધીર રંજનના નામની ઘોષણા કરી નથી, પરંતુ તેઓ ઉમેદવારી કરશે તેવું લગભગ નક્કી છે. અધીર રંજન બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ છે અને લોકસભામાં વિપક્ષ નેતા પણ છે. અહીંથી જો તેઓ ફરી ઉમેદવારી કરે તો યુસુફ પઠાણ, અધીર રંજન ચૌધરી અને ભાજપ ઉમેદવાર વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે.
#WATCH | TMC announces names of 42 candidates for the upcoming Lok Sabha elections 2024; CM Mamata Banerjee leads the parade of candidates in Kolkata.
— ANI (@ANI) March 10, 2024
Former cricketer Yusuf Pathan and party leader Mahua Moitra are among the candidates of the party. pic.twitter.com/9pS9QdAwE3
આ સિવાય TMCએ અન્ય 41 બેઠકો પર પણ ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં અન્ય જાણીતાં નામોમાં મહુઆ મોઈત્રા, પાર્થ ભૌમિક, અભિષેક બેનર્જી, કલ્યાણ બેનર્જી, સુજાતા મંડલ, કીર્તિ આઝાદ અને શત્રુઘ્ન સિન્હાનો સમાવેશ થાય છે. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક ડાયમંડ હાર્બરથી લડશે. જ્યારે તાજેતરમાં કૅશ ફોર ક્વેરી સ્કેમથી વિવાદમાં આવેલાં અને લોકસભામાંથી બરતરફ થયેલાં મહુઆ મોઈત્રા તેમની કૃષ્ણનગર બેઠક પરથી જ ઉમેદવારી કરશે. કલ્યાણ બેનર્જીને સેરામપુરથી અને સુજાતા મંડલને વિષ્ણુપુરથી ટીકીટ અપાઈ છે. શત્રુઘ્ન સિન્હા આસનસોલથી જ્યારે કીર્તિ આઝાદ વર્ધમાન દુર્ગાપુરથી TMC ઉમેદવાર હશે.
બંગાળમાં કોઇ INDI ગઠબંધન નહીં
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને હરાવવા માટે તમામ વિપક્ષી પાર્ટીઓ એક થઈને INDI ગઠબંધનની રચના કરી ત્યારે મમતા બેનર્જીની પાર્ટી તેની સદસ્ય હતી અને તેમણે અનેક બેઠકોમાં ભાગ પણ લીધો, પરંતુ પછીથી તેમણે કોંગ્રેસથી અંતર બનાવવાનું શરૂ કરી દીધું હતું અને રાહુલ ગાંધી યાત્રા લઈને પહોંચ્યા ત્યારે પણ ખાસ રસ દાખવ્યો ન હતો. મમતા બેનર્જીએ ઘોષણા કરી હતી કે બંગાળમાં કોઇ ગઠબંધન નથી અને તેમની પાર્ટી એકલે હાથે જ ચૂંટણી લડશે. જોકે, પછીથી કોંગ્રેસે કહ્યું હતું કે હજુ સીટ શૅરિંગની વાતો ચાલી રહી છે, પરંતુ હવે બંગાળમાં તમામ બેઠકો પર લોકસભા ચૂંટણીના ઉમેદવારો જાહેર કરીને મમતા બેનર્જીએ આ ચર્ચાઓનો વીંટો વાળી દીધો છે.
નોંધવું જોઈએ કે 2023માં INDI ગઠબંધન બન્યું ત્યારે શરૂઆતમાં થોડી બેઠકો થઈ હતી. આવી જ એક બેઠક બાદ નીતીશ કુમારની પાર્ટી JDUના એક નેતાએ ફરિયાદ કરી હતી કે બેઠકોમાં પહેલાં સમોસાં મળતાં હતાં પણ તાજેતરની બેઠકમાં માત્ર ચા-બિસ્કિટ જ હતાં. જોકે, હવે તો નીતીશ કુમાર પણ NDAમાં આવી ગયા છે.
પશ્ચિમ બંગાળમાં કુલ 42 લોકસભા બેઠકો છે. 2019ની ચૂંટણીમાં TMC 22, ભાજપ 18 અને કોંગ્રેસ 2 બેઠકો જીતી હતી. આ વખતે પણ તમામ પાર્ટીઓ અલગ-અલગ જ લડવા માટે જઈ રહી છે.