Thursday, May 2, 2024
More
    હોમપેજરાજકારણમણિપુરના મુખ્યમંત્રી નહીં આપે રાજીનામું, રાજ્યપાલને મળવાની અટકળો વચ્ચે હજારો સમર્થકો એકઠા...

    મણિપુરના મુખ્યમંત્રી નહીં આપે રાજીનામું, રાજ્યપાલને મળવાની અટકળો વચ્ચે હજારો સમર્થકો એકઠા થઇ ગયા: મહિલાએ જાહેરમાં ફાડી નાંખ્યો ત્યાગપત્ર

    એન બિરેન સિંઘે ટ્વિટ કરીને કહ્યું કે, તેઓ મણિપુરના મુખ્યમંત્રીનું પદ છોડી રહ્યા નથી. 

    - Advertisement -

    મણિપુરમાં ચાલતી હિંસા વચ્ચે ગઈકાલથી ત્યાંના મુખ્યમંત્રી એન બિરેન સિંઘના રાજીનામાંની અટકળો વહેતી થઇ હતી. ત્યારબાદ આજે તેઓ રાજ્યપાલને મળીને રાજીનામું આપવા પણ જઈ રહ્યા હતા, પરંતુ તેમના આ નિર્ણયના વિરોધમાં રાજભવન ખાતે તેમના હજારો સમર્થકો ભેગા થઇ ગયા હતા અને તેમને પદ પર યથાવત રહેવાની અપીલ કરી હતી. અહીં એક મહિલાએ ત્યાગપત્ર પણ ફાડી નાંખ્યો હતો, ત્યારબાદ મણિપુરના મુખ્યમંત્રી રાજીનામું આપવાનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો. 

    એન બિરેન સિંઘે ટ્વિટ કરીને કહ્યું કે, તેઓ મણિપુરના મુખ્યમંત્રીનું પદ છોડી રહ્યા નથી. 

    ગુરૂવારથી મણિપુરના મુખ્યમંત્રી રાજીનામું આપશે તેવી અટકળો વહેતી થઇ હતી અને અનેક મીડિયા અહેવાલોમાં પણ આ બાબત સામે આવી હતી. ત્યારબાદ આજે આ અટકળોને બળ મળ્યું જ્યારે એન બિરેન સિંઘ રાજ્યપાલને મળવા માટે જવાના હતા. જેની જાણ થતાં જ તેમના હજારો સમર્થકો ભેગા થઇ ગયા હતા અને જેમાંથી મોટાભાગની મહિલાઓ સામેલ હતી. તેમણે મુખ્યમંત્રીને રાજભવન જતા અટકાવ્યા હતા અને પદ પર બન્યા રહેવા માટે વિનંતી કરી હતી. 

    - Advertisement -

    એન બિરેન સિંઘના સમર્થકો અને મીડિયા રાજભવન ખાતે એકઠા થયા હતા ત્યારે બહાર પાર્ટીના એક ધારાસભ્યે મુખ્યમંત્રીનો ત્યાગપત્ર વાંચી સંભળાવ્યો હતો. પરંતુ આ દરમિયાન પ્રદર્શનકારીઓમાંથી એક મહિલાએ તેમના હાથમાંથી પત્ર ઝૂંટવી લઈને ફાડીને ટુકડે-ટુકડા કરી નાંખ્યા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ હતી. 

    પ્રદર્શનકારી મહિલા દ્વારા જે પત્ર ફાડી નાંખવામાં આવ્યો તેની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. મણિપુરના મુખ્યમંત્રીના અધિકારીક લેટરહેડ પરથી લખાયેલો આ પત્ર રાજ્યપાલને સંબોધીને લખવામાં આવ્યો હતો. જેમાં એન બિરેન સિંઘે હસ્તાક્ષર પણ કર્યા હતા. તેમણે પત્રમાં રાજીનામું આપવાની વાત કહી હતી. પત્રમાં તારીખ આજની અને સ્થળ ઇમ્ફાલ (મણિપુરનું પાટનગર) લખવામાં આવ્યાં છે.

    પ્રદર્શનકારીઓમાંથી એક મહિલાએ કહ્યું કે, “અમે વિરોધ કરી રહ્યા છીએ કારણ કે અમે નથી ઇચ્છતા કે અમારા મુખ્યમંત્રી રાજ્યપાલને રાજીનામું આપે. તેઓ મણિપુર માટે એકદમ યોગ્ય મુખ્યમંત્રી છે. અમે તેમને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અન્ય એક મહિલાએ કહ્યું કે, “મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ નહીં, તેઓ અમારા માટે ઘણું કરી રહ્યા છે. અમે તેમને સમર્થન આપીએ છીએ.”

    ઉલ્લેખનીય છે કે છેલ્લા લગભગ બે મહિનાથી મણિપુરમાંથી સતત હિંસાના સમાચારો આવતા રહ્યા છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 120થી વધુ લોકોનાં મોત થયાં છે, જ્યારે ત્રણેક હજાર લોકોને ઇજા પહોંચી છે. લગભગ 50 હજાર લોકો ઘરો છોડીને રિલીફ કેમ્પમાં રહેવા મજબુર બન્યા છે. અહીં બે સમૂહો કુકી અને મૈતેઈ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. 3 મેના રોજ ઑલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન, મણિપુર દ્વારા આદિવાસી એકતા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિંસા ફાટી નીકળી હતી. આ માર્ચ મૈતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતિના દરજ્જા માટે કરવામાં આવતી માંગ વિરુદ્ધ આયોજિત કરવામાં આવી હતી, જેમાં બે સમુદાય વચ્ચે હિંસા થઇ હતી. 

    આ હિંસા બે મહિના બાદ પણ ચાલુ જ છે. 29 જૂને (ગુરૂવારે) તોફાનીઓએ ગોળીબાર કરતાં એકનું મોત થયું હતું અને બેને ઇજા પહોંચી હતી. મણિપુર હિંસાને લઈને કેન્દ્ર સરકાર પણ સતત નજર રાખી રહી છે અને પીએમ મોદીએ પણ બેઠક કરીને સમીક્ષા કરી હતી તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ પણ એક સર્વપક્ષીય બેઠક યોજી ચૂક્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં