Wednesday, April 24, 2024
More
  હોમપેજરાજકારણ‘CM બઘેલ અને તેમના માણસોને મેં ₹508 કરોડ આપ્યા’: સામે આવ્યો મહાદેવ...

  ‘CM બઘેલ અને તેમના માણસોને મેં ₹508 કરોડ આપ્યા’: સામે આવ્યો મહાદેવ બેટિંગ એપનો માલિક, વીડિયો બનાવીને ચોંકાવનારા ખુલાસા કર્યા

  બઘેલ અને તેમના માણસો સાથે તેની મિટીંગ થઈ હોવાનું જણાવીને શુભમે કહ્યું કે, તેમની સાથેની બેઠકમાં શું-શું થયું હતું તે પહેલેથી જ પોતાના લેખિત નિવેદનમાં જણાવી ચૂક્યો છે.

  - Advertisement -

  સામી છત્તીસગઢ ચૂંટણીએ મહાદેવ બેટિંગ એપનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર આ એપના પ્રમોટરો પાસેથી ₹508 કરોડ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેને લઈને કોંગ્રેસ સરકાર પર સવાલો ઉભા થયા છે. આ બધાની વચ્ચે એપનો માલિક શુભમ સોની સામે આવ્યો છે, જેણે એક વીડિયો બનાવીને કબૂલાત કરી છે કે તેણે સીએમ બઘેલને પૈસા મોકલાવ્યા હતા. 

  ભાજપના આધિકારિક X હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં શુભમ સોની અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ કરતો જોવા મળે છે. ભાજપે આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, “મહાદેવ બેટિંગ એપ મામલામાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સંપૂર્ણ રીતે લિપ્ત છે. એપના માલિક શુભમ સોનીએ દુબઈથી વિડિયો જારી કરીને તમામ વાસ્તવિકતા જણાવી.

  વીડિયોમાં જોવા મળતો વ્યક્તિ પોતાને શુભમ સોની તરીકે ઓળખાવીને કહે છે કે તે મહાદેવ બુકનો માલિક છે. સાથે અમુક ડોક્યુમેન્ટ્સ પણ કેમેરાની સામે બતાવે છે. આગળ કહે છે કે, “મેં 2021માં આ ચાલુ કર્યું હતું. ભિલાઈમાં ગેમ્બલિંગનું કામ નાનાપાયે ચાલુ થયું અને પછી ધીમેધીમે આગળ વધતું ગયું. જેમ-જેમ પૈસા આવતા ગયા તેમ અમારી લાઇફસ્ટાઇલ પણ બદલાતી ગઈ અને લોકો પણ નોટિસ કરવા માંડ્યા અને વાત ઉપર સુધી પહોંચતી ગઈ. પછી ફરિયાદ પણ થવા માંડી અને અમારા લોકો પણ પકડાવા માંડ્યા જેથી અમને સુરક્ષાની જરૂર હતી.” 

  - Advertisement -

  તેણે કહ્યું કે, આ સમય દરમિયાન તે એક વર્મા નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો, જેની સાથે બેઠક કરીને નક્કી કરવામાં આવ્યું કે તેણે તેમને દર મહિને 10 લાખ રૂપિયા આપવા. પરંતુ શુભમનો દાવો છે કે તેણે હપ્તા આપવાના શરૂ કર્યા પછી પણ તેના માણસોની ધરપકડ ચાલુ જ રહી હતી. જેથી તેણે ફરી વર્માનો સંપર્ક કરીને તેના માણસોને છોડાવવા માટે કહ્યું, પરંતુ જ્યારે મેળ ન પડ્યો તો વર્માએ શુભમને કહ્યું કે તે રાયપુર (છત્તીસગઢનું પાટનગર) આવી જાય, જ્યાં તે કોઈક સાથે તેની મુલાકાત કરાવશે.

  શુભમે કહ્યું કે, આ વ્યક્તિ બીજું કોઇ નહીં પરંતુ સીએમ ભૂપેશ બઘેલ જ હતા. બઘેલ અને તેમના માણસો સાથે તેની મિટીંગ થઈ હોવાનું જણાવીને શુભમે કહ્યું કે, તેમની સાથેની બેઠકમાં શું-શું થયું હતું તે પહેલેથી જ પોતાના લેખિત નિવેદનમાં જણાવી ચૂક્યો છે.

  આગળ જણાવ્યું કે 2020માં તે દુબઈ શિફ્ટ થઈ ગયો હતો. જોકે, અહીં એક વિરોધાભાસ છે , કારણ કે અગાઉ તેણે કહ્યું કે તેણે આ કામ 2021માં ચાલુ કર્યું હતું. જેથી સંભવતઃ તે 2020ને સ્થાને 2022 કહેવા માંગતો હોય શકે. બીજું કે, 2020માં કોરોનાના ફ્લાઇટ્સ પણ બંધ હતી. જેથી તે સમયે દુબઈ જઈ શકાય તેવી પરિસ્થિતિ ન હતી. બોલવામાં ભૂલ થઈ હોય શકે. 

  વારંવાર પલટી મારતા રહે છે સીએમ બઘેલ: શુભમ

  શુભમે આગળ કહ્યું કે, સીએમ સાથે મીટિંગ થયા બાદ તેનો સટ્ટાબાજીનો ધંધો ચાલવા માંડ્યો અને પછી તે દુબઈમાં સૌરભ અને રવિ નામના બે વ્યક્તિઓને મળ્યો, જેઓ પણ ભિલાઈના જ હતા અને દુબઈમાં કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા હતા. શુભમે કહ્યું કે તેણે બંનેને પોતાના ધંધામાં સલાહકાર તરીકે રાખી લીધા હતા. પરંતુ આ જ વીડિયોમાં તે નારાજગી વ્યક્ત કરે છે કે પોતે આ સમગ્ર કારોબાર ઉભો કર્યો હોવા છતાં આ બંને મહાદેવ બુકના નામે વધુ જાણીતા બની ગયા હતા, જે તેને પસંદ નથી. 

  આગળ શુભમ સીએમ બઘેલ પર વારેવારે પલટી મારવાના આરોપ લગાવીને કહે છે કે, તે દુબઈ ગયો પછી પણ તેના માણસો પકડવાના ચાલુ જ રહ્યા અને એ જ સમસ્યાઓ ફરી આવતી ગઈ. જેના કારણે તેણે ફરી વર્માનો સંપર્ક કરતાં તેણે જણાવ્યું કે તે ભિલાઈ આવીને સીએમને મળે. ત્યારબાદ તે છત્તીસગઢ આવ્યો અને ગિરીશ તિવારી અને વર્મા એમ બે વ્યક્તિઓને મળ્યો, જેમાંથી તિવારી તેને તત્કાલીન SP પ્રશાંત અગ્રવાલ પાસે લઇ ગયો હતો. 

  હું ભારત આવવા માંગું છું, તમામ વ્યવહારોના પુરાવા આપવા તૈયાર: સોની

  શુભમનો દાવો છે કે અગ્રવાલ સાથે મુલાકાત થયા બાદ પોલીસ અધિકારીએ તેની સામે જ બઘેલને ફોન કર્યો હતો, જેમણે ફોન પર કહ્યું હતું કે, “સોની, મેં તને દુબઈ મોકલ્યો હતો પણ તું તો માલિકની જેમ વર્તાવ કરવા માંડ્યો, તું શું શેખ થઈ ગયો છે?” ત્યારબાદ સોનીએ તેમને કહ્યું કે તે તો નાનો માણસ છે અને તેઓ જે કરવા કહેશે તે પોતે કરશે. તેનો દાવો છે કે સીએમ બઘેલે તેને કહ્યું હતું કે તેણે શું કરવાનું છે તે SP અગ્રવાલ તેને કહી દેશે. 

  શુભમ વીડિયોમાં કહે છે કે, “મેં ડીલને લઈને અને કેટલા પૈસા અત્યાર સુધી આપ્યા છે તેને લઈને તમામ વિગતો આપી દીધી છે. આટલા રૂપિયા આપ્યા છતાં પણ મારું કામ થયું નહીં. મારા માણસો પકડાઈ રહ્યા છે, હું આ પોલિટિકલ સિસ્ટમમાં ફસાઈ ચૂક્યો છું. મેં બઘેલ અને તેમના માણસોને ₹508 કરોડ આપ્યા છે.” 

  ત્યારબાદ તેણે કેન્દ્ર સરકારને વિનંતી કરતાં કહ્યું કે તે ભારત આવવા માંગે છે અને તેની મદદ કરવામાં આવે. આગળ કહ્યું કે, તે સીએમ સહિત તમામ નેતાઓ સાથે જે કોઇ વ્યવહાર થયા છે તેની વિગતો આપવા માટે તૈયાર છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં