Sunday, May 19, 2024
More
    હોમપેજદેશછત્તીસગઢમાં નક્સલી હુમલો, મધ્ય પ્રદેશમાં પથ્થરમારો: બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે થઈ...

    છત્તીસગઢમાં નક્સલી હુમલો, મધ્ય પ્રદેશમાં પથ્થરમારો: બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે થઈ રહ્યું છે મતદાન, અમુક બેઠકો પર હિંસાની ઘટનાઓ

    મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ એમ બંને રાજ્યોમાં ચૂંટણી પ્રથમ ચરણનું મતદાન 7 નવેમ્બરના રોજ પૂર્ણ થઇ ચુક્યું છે. મધ્ય પ્રદેશમાં 2533 અને છત્તીસગઢમાં 958 ઉમેદવારોએ ચૂંટણી લડી છે. કુલ 64626 પોલીંગ બૂથ પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

    - Advertisement -

    મધ્ય પ્રદેશની 230 અને છત્તીસગઢની 70 સીટો પર વિધાનસભાની ચૂંટણીને લઈને મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન બંને રાજ્યોમાં અનેક જગ્યાએ હિંસાની ઘટનાઓ સામે આવી છે. મધ્ય પ્રદેશના ઈન્દોર, ઝાબુઆ અને ભિંડમાં હિંસાના છૂટાછવાયા બનાવો બન્યા હતા જયારે મુરૈનામાં ફાયરિંગની ઘટના ઘટી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. તદુપરાંત, છત્તીસગઢમાં સિહાવા ખાતે નક્સલી હુમલાની ઘટના સામે આવી છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી દરમિયાન થયેલી ઘટનાઓમાં પરિસ્થિતિ કાબૂમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    સૌપ્રથમ વાત કરીએ મધ્ય પ્રદેશની તો અહીં અમુક ઠેકાણે વોટિંગ દરમિયાન હિંસાની ઘટનાઓ બનવા પામી હતી. મુરૈનામાં સવારે મતદાન શરૂ થતાંની સાથે જ દિમની વિધાનસભાના પોલિંગ બૂથ 147 અને 148 પર પથ્થરમારો થયો હતો. આ દરમિયાન અહીં ગોળીબાર થયો હોવાની જાણકારી પણ મળી હતી. કહેવામાં આવી રહ્યું છે 148 નંબરના બૂથ પર મોઢા પર કપડું બાંધીને આવેલા અજાણ્યા વ્યક્તિઓએ પથ્થરમારો કર્યો હતો અને આ દરમિયાન જ ગોળીબાર પણ કરવામાં આવ્યો. આ હિંસામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. બીજી તરફ બૂથની સુરક્ષામાં હાજર જવાનોએ ત્વરિત પગલાં ભરીને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો.

    મધ્ય પ્રદેશના ઇન્દોરની રાઉં વિધાનસભા સીટ પર પણ બે પક્ષો વચ્ચે હિંસા થઇ હતી. આરોપ છે કે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકર્તાઓને ધમકાવીને હુમલો કરતા હિંસા ફાટી નીકળી હતી. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. હાલ પોલીસ બંને પક્ષોની ફરિયાદ લઈને તપાસ કરી રહી છે. બીજી તરફ મધ્ય પ્રદેશના ભિંડમાં ભાજપ ઉમેદવાર રાકેશ શુક્લા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમની સુરક્ષામાં હાજર ગનમેને હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ સિવાય ઝાબુઆ વિધાનસભા ક્ષેત્રમાં પણ હિંસાના છૂટાછવાયા બનાવો બન્યા હતા.

    - Advertisement -

    છત્તીસગઢમાં નક્સલી હુમલો

    બીજી તરફ છત્તીસગઢમાં પણ બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન સિહાવા વિધાનસભા ક્ષેત્રમાં આવેલા ધમતરી વિસ્તારમાં નક્સલવાદીઓએ IED બ્લાસ્ટ કર્યા છે. આ બ્લાસ્ટ બે અલગ-અલગ જગ્યાએ કરવામાં આવ્યા હતા. બ્લાસ્ટની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ અણબનાવ નથી બન્યો, પરંતુ સુરક્ષાના પગલે વોટિંગ બૂથોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. મતદાન શાંતિ પૂર્ણ રીતે થાય તે માટે સુરક્ષા દળો ઉપરાંત CRPFની આખી એક બટાલિયન પણ ઉતારી દેવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન 7 નવેમ્બરના રોજ પૂર્ણ થઇ ચૂક્યું છે. આજે બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. સાથે એમપીમાં પણ એક જ તબક્કામાં આજે સમગ્ર રાજ્યમાં ચૂંટણી થશે. મધ્ય પ્રદેશમાં 2533 અને છત્તીસગઢમાં 958 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. કુલ 64626 પોલિંગ બૂથ પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. છત્તીસગઢમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં બપોરે 3 વાગ્યા સુધી જ વોટિંગ કરાવવામાં આવશે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સહિતનાં 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો આગામી 3 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં