Wednesday, September 11, 2024
More
    હોમપેજરાજકારણલોકસભામાં AAPના એકમાત્ર સાંસદે છોડી પાર્ટી, ભાજપમાં જોડાયા બાદ કહ્યું- પાર્ટીમાં કામ...

    લોકસભામાં AAPના એકમાત્ર સાંસદે છોડી પાર્ટી, ભાજપમાં જોડાયા બાદ કહ્યું- પાર્ટીમાં કામ થતું ન હતું; અન્ય એક ધારાસભ્યના પણ કેસરિયા

    2024ની લોકસભા ચૂંટણીમાં પણ AAP તેમને જાલંધર લોકસભા બેઠક પરથી ઉમેદવાર ઘોષિત કરી ચૂકી છે. પરંતુ ચૂંટણી આવે તે પહેલાં જ તેમણે ખેલ પાડી દીધો અને ભાજપનો ખેસ પહેરી લીધો. હવે AAPએ અહીંથી બીજા ઉમેદવારની ઘોષણા કરવી પડશે.

    - Advertisement -

    આમ આદમી પાર્ટી માટે દિવસો સારા ચાલી રહ્યા નથી. એક તરફ દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ છે અને તેમના પક્ષે સમર્થન મેળવવા માટે પાર્ટી ભરપૂર પ્રયાસો કરી રહી હોવા છતાં સમર્થન મળી રહ્યું નથી અને બીજી તરફ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. તાજા ઘટનાક્રમમાં પાર્ટીના એકમાત્ર લોકસભા સભ્ય સુશીલ કુમાર રિંકુએ રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. તેમની સાથે પંજાબમાં એક AAP ધારાસભ્ય શીતલ અંગુરાલ પણ ભાજપમાં સામેલ થઈ ગયા છે. 

    સુશીલ કુમાર રિંકુ જાલંધરથી સાંસદ છે. બુધવારે (27 માર્ચ) આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા. ભાજપ મહાસચિવ વિનોદ તાવડે અને પંજાબ ભાજપ અધ્યક્ષ સુનિલ જાખડે તેમને પાર્ટીમાં આવકાર્યા. 

    ભાજપમાં સામેલ થયા બાદ સુશીલ કુમારે કહ્યું,  “આજે દેશમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે, પંજાબ સિવાયનાં રાજ્યોમાં પ્રગતિ થઈ રહી છે, દેશ આગળ વધી રહ્યો છે, પરંતુ પંજાબમાં મને ખામી દેખાય રહી છે…ખાસ કરીને મારા સંસદીય ક્ષેત્ર જાલંધરમાં મને જણાય છે કે ઘણી રીતે તે ક્ષેત્ર પાછળ છે.” તેમણે આગળ કહ્યું કે, “મેં મારા વિસ્તારના લોકોને જે વાયદા કર્યા હતા તે પૂર્ણ ન કરી શક્યો, કારણ કે મારી પાર્ટીએ મને સાથ ન આપ્યો, નહીંતર ઘણાં કામો થઈ શક્યાં હોત.”

    - Advertisement -

    આગળ કહ્યું કે, “જ્યારથી હું સાંસદ બન્યો ત્યારથી મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની કામ કરવાની શૈલી જોતો રહ્યો છું. હું તેમનાથી ખૂબ પ્રભાવિત થયો છું. જાલંધરનાં કોઈ પણ કામ હું તેમની પાસે લઇ ગયો તો મને પૂરેપૂરું માન આપવામાં આવ્યું અને કામ પણ થયાં. તેમણે કેન્દ્ર સરકારના મંત્રીઓની પણ પ્રશંસા કરી અને કહ્યું કે જ્યારે-જ્યારે તેઓ પોતાના વિસ્તારનાં કામો લઈને ગયાં તો તેની ઉપર ત્વરિત ધ્યાન આપીને સમાધાન કરવામાં આવ્યું.” તેમણે કહ્યું કે, “હું કોઇ લાલચથી ભાજપમાં સામેલ થઈ રહ્યો નથી. માત્ર જાલંધરના વિકાસ માટે જોડાઈ રહ્યો છું.” 

    ઉલ્લેખનીય છે કે સુશીલ કુમાર 2023માં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ અહીંથી આમ આદમી પાર્ટીની ટીકીટ પર જીત્યા હતા. તે પહેલાં તેઓ કૉંગ્રેસમાં હતા અને 2017માં જાલંધર પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. 2023માં તેઓ AAPમાં સામેલ થયા હતા. 2023માં યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તેમને જાલંધર બેઠક પરથી ટીકીટ આપી, જેમાં જીત મેળવી હતી. 

    2024ની લોકસભા ચૂંટણીમાં પણ AAP તેમને જાલંધર લોકસભા બેઠક પરથી ઉમેદવાર ઘોષિત કરી ચૂકી છે. પરંતુ ચૂંટણી આવે તે પહેલાં જ તેમણે ખેલ પાડી દીધો અને ભાજપનો ખેસ પહેરી લીધો. હવે AAPએ અહીંથી બીજા ઉમેદવારની ઘોષણા કરવી પડશે. નોંધવું જોઈએ કે પંજાબમાં 1 જૂનના રોજ મતદાન હાથ ધરવામાં આવશે. રાજ્યની કુલ 13 લોકસભા બેઠકો છે. જ્યાં પહેલી વખત તમામ મોટી પાર્ટીઓ ભાજપ, કોંગ્રેસ અને અકાલી દળ અલગ-અલગ લડી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં