Sunday, May 5, 2024
More
    હોમપેજરાજકારણપહેલાં જગદીશ ઠાકોર, હવે ભરતસિંહ સોલંકી: લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસના 2 મોટા...

    પહેલાં જગદીશ ઠાકોર, હવે ભરતસિંહ સોલંકી: લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસના 2 મોટા નેતાઓની પીછેહઠ, ચૂંટણી લડવાનો ઇનકાર

    ગુજરાત કોંગ્રેસના મોટા નેતા અને જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ પ્રભારી તરીકે કાર્યરત ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. આ પહેલાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાથી હાથ ઉપર કરી દીધા હતા.

    - Advertisement -

    2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈને તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. ગુજરાત ભાજપે તો 26 લોકસભા સીટોમાંથી 15 બેઠકો પર ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે અને બાકીની 11 સીટો માટે ટૂંક સમયમાં જ ઉમેદવાર જાહેર કરવામાં આવી શકે છે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસે હજુ સુધી કોઈ ઉમેદવારની જાહેરાત પણ કરી નથી. આ વચ્ચે જ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર અને કોંગ્રેસના મોટા નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે.

    ગુજરાત કોંગ્રેસના મોટા નેતા અને જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ પ્રભારી તરીકે કાર્યરત ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. આ પહેલાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાથી હાથ ઉપર કરી દીધા હતા. ભરતસિંહ સોલંકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશેની માહિતી આપી છે. તેમણે લખ્યું કે, “મને અને મારા પરિવારને કોંગ્રેસ પાર્ટીએ દાયકાઓથી ઘણું આપ્યું છે. AICC જમ્મુ અને કાશ્મીરના પ્રભારી તરીકેની મારી જવાબદારી અને ગુજરાતમાં પાર્ટી માટે પ્રભાવી રીતે પ્રચાર કરવામાં સક્ષમ થવા માટે, હું આ ચૂંટણી ન લડવાની મારી ઈચ્છા હાઈકમાન્ડને નમ્રતાપૂર્વક જણાવું છું.”

    આ સાથે તેમણે વધુમાં લખ્યું કે, “હું આજીવન કોંગ્રેસનો સૈનિક રહીશ અને હાઈકમાન્ડ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તેનો હું સ્વીકાર કરીશ અને તેનું પાલન કરીશ.” ગુજરાતના જૂના કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ અચાનક ચૂંટણી લડવાની ના પાડી દેતા રાજકીય વર્તુળોમાં અનેક અટકળો વહેતી થઈ છે. જોકે, તેમણે કયા કારણોસર ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો તે માટેની કોઈ સ્પષ્ટતા હાલ સુધી સામે આવી નથી.

    - Advertisement -

    નોંધનીય છે કે, સોમવારે (11 માર્ચ, 2024) ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ લોકસભાની ચૂંટણી નહીં લડવા માટેની જાહેરાત કરી હતી. તેમણે વિડીયો જાહેર કરીને કહ્યું હતું કે, “નવા ઉમેદવારોને તક મળે અને તેઓ આગળ આવે તે ખૂબ જરૂરી છે. રાહુલ ગાંધી પણ આવું ઈચ્છે છે કે, નવા ઉમેદવારોને તક મળે. આ માટે ચૂંટણી ઇન્ચાર્જથી લઈને ઉપરના નેતૃત્વ સાથે ચર્ચા કરે છે. ઉત્તર ગુજરાતમાં નવા ઉમેદવારોને તક મળશે. હું અને મારો પરિવાર હંમેશા કોંગ્રેસ સાથે જોડાયેલા છીએ.” આ ઉપરાંત તેમણે આ મામલે પોતાની સ્વાસ્થ્ય સમસ્યાઓ અને માંદગીને પણ એક કારણ તરીકે રજૂ કર્યાં હતાં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં