હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર માટે તાજેતરના દિવસો ખૂબ મુશ્કેલી સર્જનારા છે. પહેલાં રાજ્યસભા ચૂંટણીમાં હાર, કોંગ્રેસી ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ, વિક્રમાદિત્ય સિંઘના બળવાખોર વલણ બાદ હવે ફરી રાજકીય ડ્રામા જોવા મળી રહ્યો છે. આ બધી ઘટનાઓ વચ્ચે શનિવારે (2 માર્ચ) હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારે કેબિનેટ બેઠક યોજી હતી. બેઠક દરમિયાન જ શિક્ષણ મંત્રીએ નારાજ થઈને ચાલતી પકડી હતી. જે બાદ તેમને મનાવવા માટે નાયબ મુખ્યમંત્રી પાછળ ગયા હતા. બીજી તરફ, બળવાખોર ધારાસભ્યે દાવો કર્યો છે કે તેમના સંપર્કમાં કોંગ્રેસના વધુ 9 MLA છે.
હિમાચલ પ્રદેશ સહિત દેશનાં ઘણાં રાજ્યોમાં તાજેતરમાં જ રાજ્યસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં અરુણાચલ પ્રદેશમાં ભાજપના ઉમેદવારે જીત નોંધાવી હતી. તેની પાછળનું કારણ કોંગ્રેસના 6 ધારાસભ્યો હતા. તેમણે ક્રોસ વૉટિંગ કરીને ભાજપના ઉમેદવારને જીતાડી દીધા હતા. ત્યારબાદ મંત્રી વિક્રમાદિત્ય સિંહે રાજીનામું આપી દીધું હતું. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર ભાંગી પડવાની અણી પર હતી. જોકે, પછીથી સરકાર બચી ગઈ હતી અને વિક્રમાદિત્ય સિંહે પણ રાજીનામું પરત ખેંચી લીધું હતું. પરંતુ હજુ પણ હિમાચલ કેબિનેટના મંત્રીઓ વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસ ભલે દાવો કરતી હોય કે બધું ઠીક છે, પરંતુ તેવું દેખાઈ રહ્યું નથી.
શનિવારે (2 માર્ચ) શિમલામાં કોંગ્રેસ સરકારની કેબિનેટ બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક જ શિક્ષણ મંત્રી રોહિત ઠાકુરે ઊઠીને ચાલતી પકડી હતી. તેમને મિટિંગ પડતી મૂકીને જતા જોઈને ડેપ્યુટી CM મુકેશ અગ્નિહોત્રી તેમને મનાવવા માટે તેમની પાછળ દોડીને ગયા હતા. થોડી સમજાવટ બાદ તેઓ શિક્ષણ મંત્રીને મનાવીને બેઠકમાં પરત લાવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.
વિગતો અનુસાર, રોહિત ઠાકુર શિક્ષણ વિભાગના કોઇ નિર્ણય પર મતભેદ થવાના કારણે બેઠક છોડી ગયા હતા. જોકે, પછીથી જ્યારે તેમણે મીડિયા સાથે વાતચીત કરી ત્યારે કહ્યું કે, તેઓ ‘અંગત કારણોસર’ બેઠક છોડી ગયા હતા અને ‘ઈમોશનલી ડિસ્ટર્બ’ હતા. જ્યારે જગત નેગીએ કહ્યું કે, બેઠક 11 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ 12:30 વાગ્યે શરૂ થઈ અને તેમની અન્ય પણ એપોઇન્ટમેન્ટ હોવાના કારણે તેઓ બેઠક છોડી ગયા હતા.
બેઠક બાદ રોહિત ઠાકુરે મીડિયાને નિર્ણયો અંગે જાણકારી આપી હતી. જ્યાં બે મંત્રીઓ યદવિંદર ગોમાં અને રાજેશ ધર્મની તેમની સાથે જોવા મળ્યા હતા. પરંતુ કૅબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ જગત નેગી અને યદવિંદર ગોમા ચંદીગઢ જવા માટે રવાના થયા હતા. રિપોર્ટ્સ અનુસાર, 6 ડિસ્કવોલિફાય થયેલા ધારાસભ્યો પંચકુલામાં કેમ્પ કરીને બેઠા છે અને તેઓ આ બે નેતાઓ સાથે વાતચીત કરી શકે છે. જગત નેગીએ જણાવ્યું કે, “હું ચંદીગઢ જઈ રહ્યો છું, પરંતુ યાત્રાનો ઉદ્દેશ્ય હાલ જણાવી શકું તેમ નથી. પછીથી કહીશ.”
હિમાચલમાં રાજ્યસભા ચૂંટણી બાદથી રાજકીય હલચલ
ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની હાર બાદ મુખ્યમંત્રી સુખવિંદર સિંઘ સુક્ખૂની વિરુદ્ધ વાતાવરણ તૈયાર થવા લાગ્યું છે. પૂર્ણ બહુમતી સાથે સરકાર રચાયા બાદ પણ કેટલાક ધારાસભ્યોએ પાર્ટી સામે બળવો કરીને ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો. આ સાથે જ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ પાર્ટી પોતાના ઉમેદવારને વિજયી બનાવવામાં સફળ રહી હતી.
દરમ્યાન, કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય રાજેન્દ્ર રાણાએ દાવો કરીને હલચલ મચાવી છે કે, CM સુક્ખૂ જે રીતે કામ કરી રહ્યા છે તેના કારણે પાર્ટીના વધુ 9 ધારાસભ્યો ગૂંગળામણ અનુભવી રહ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે, આ તમામ ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. આ બધી ઘટનાઓ જોઈને લાગે છે કે, સુક્ખૂ સરકારની સ્થિરતા સતત જોખમમાં છે. દેશમાં એક મહિના પછી લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેવા સમયે હિમાચલ સરકારના મંત્રીઓ પણ નારાજ છે. હિમાચલ કોંગ્રેસ માટે રાજ્યસભાની જેમ લોકસભાની ચૂંટણીમાં પણ સંઘર્ષની સંભાવના છે.