Sunday, April 28, 2024
More
    હોમપેજરાજકારણરાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વૉટિંગ બાદ હિમાચલમાં રાજકીય ઉથલપાથલ: રાજીનામાના અહેવાલો બાદ CM...

    રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વૉટિંગ બાદ હિમાચલમાં રાજકીય ઉથલપાથલ: રાજીનામાના અહેવાલો બાદ CM સુક્ખુની ‘સ્પષ્ટતા’, વિક્રમાદિત્ય સિંઘે મંત્રી પદ છોડ્યું

    મંગળવારે આ ઘટનાક્રમ બાદ બુધવારે (28 ફેબ્રુઆરી) વિક્રમાદિત્ય સિંઘે સુક્ખુ સરકારમાંથી મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. વિક્રમાદિત્ય સિંઘ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંઘના પુત્ર છે. તેમનાં માતા પ્રતિભા સિંઘ પણ હિમાચલ પ્રદેશ કોંગ્રેસનાં અધ્યક્ષ છે.

    - Advertisement -

    રાજ્યસભા ચૂંટણીને પગલે હિમાચલ પ્રદેશમાં સર્જાયેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી સુખવિન્દર સિંઘ સુખ્ખુએ રાજીનામું આપવાની તૈયારી દર્શાવી હોવાનું મીડિયા અહેવાલો મારફતે જાણવા મળી રહ્યું છે. જાણવા મળ્યા અનુસાર, હાઈકમાન્ડે જ તેમને આ આદેશ કર્યો છે. તેમના સ્થાને હવે પાર્ટી કોઈ અન્ય વ્યક્તિને કમાન સોંપી શકે છે. જોકે, તેમણે આ રિપોર્ટને ‘અફવા’ ગણાવ્યા છે. બીજી તરફ, દિગ્ગજ નેતા અને પૂર્વ સીએમ વીરભદ્ર સિંઘના પુત્ર વિક્રમાદિત્ય સિંઘે કેબિનેટ મંત્રી પદેથી રાજીનામું ધરી દીધું છે. 

    મીડિયા સાથે વાતચીત કરતાં સીએમ સુખવિન્દર સિંઘ સુક્ખુએ કહ્યું કે, “મીડિયામાં સમાચાર ચાલી રહ્યા છે કે મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું છે. મેં કોઇ રાજીનામું આપ્યું નથી. હું એક યોદ્ધા છું. યોદ્ધા લડાઇમાં સંઘર્ષ કરે છે અને સંઘર્ષનો જ વિજય થાય છે.” આગળ એવો પણ દાવો કર્યો કે, બજેટ સત્રમાં અમે અમારી બહુમતી સાબિત કરીશું. સાથે એમ પણ કહ્યું કે, ભાજપના અમુક ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને જેઓ રાજનીતિક લાભ મેળવવાના ઇરાદા રાખે છે તેઓ સફળ નહીં થાય અને સરકાર પાંચ વર્ષ ચાલશે.

    રાજ્યસભા ચૂંટણીમાં થયું હતું ક્રોસ વૉટિંગ

    હિમાચલ પ્રદેશનું રાજકારણ અચાનક ચર્ચામાં ત્યારે આવી ગયું, જ્યારે રાજ્યમાં 1 બેઠક માટે યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષના મળીને કુલ 9 ધારસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને ભાજપ ઉમેદવારને મત આપી દીધો હતો. જેના કારણે બંને ઉમેદવારોને 34-34 મત મળ્યા. આખરે ટોસ કરવામાં આવ્યો તો ભાજપ ઉમેદવાર હર્ષ મહાજનની જીત થઈ. તેમની સામે કૉંગ્રેસે અભિષેક મનુ સિંઘવીને ઉતાર્યા હતા. પરંતુ તેમણે પાર્ટીમાં થયેલા બળવાનો ભોગ બનવું પડ્યું અને હાર ચાખવી પડી.

    - Advertisement -

    68 સભ્યોની હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસ પાસે 40 ધારાસભ્યો છે. જ્યારે 3 અપક્ષ ધારાસભ્યોનું પણ સરકારને સમર્થન છે. ભાજપ પાસે 25નું સંખ્યાબળ છે. રાજ્યમાં એક રાજ્યસભા બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી અને તેમાં કોંગ્રેસ પાસે બહુમતી હોવાના કારણે પાર્ટી ઉમેદવાર સિંઘવીની જીત નિશ્ચિત હતી. પરંતુ પાસાં ત્યારે પલટાઈ ગયાં જ્યારે ભાજપને 9 વધારાના મત મળી ગયા. 3 અપક્ષ અને 6 કોંગ્રેસી ધારાસભ્યોએ ભાજપ પક્ષે મતદાન કર્યું હતું. જેથી બંનેને 34-34 મત મળ્યા. ત્યારબાદ ટોસ કરવામાં આવ્યો.

    વિક્રમાદિત્ય સિંઘે રાજીનામું આપ્યું

    મંગળવારે આ ઘટનાક્રમ બાદ બુધવારે (28 ફેબ્રુઆરી) વિક્રમાદિત્ય સિંઘે સુક્ખુ સરકારમાંથી મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. વિક્રમાદિત્ય સિંઘ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંઘના પુત્ર છે. તેમનાં માતા પ્રતિભા સિંઘ પણ હિમાચલ પ્રદેશ કોંગ્રેસનાં અધ્યક્ષ છે.

    વિક્રમાદિત્ય સિંઘે રાજીનામાં સાથે કોંગ્રેસની સુખવિંદર સિંઘની સરકાર પર આરોપ લગાવ્યા હતા. નારાજગી વ્યકત કરતાં તેમણે કહ્યું કે, “મારા માટે આ વિશ્વાસ હોદ્દા કરતાં વધુ મહત્વનો છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં ધારાસભ્યોની અવગણના કરવામાં આવી છે. ધારાસભ્યોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મુદ્દાઓ પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ સતત ઉઠાવવામાં આવ્યા છે પરંતુ તેમને ગંભીરતાથી લેવામાં આવ્યા નથી. એનું જ પરિણામ છે કે આજે આપણે અહીં સુધી પહોંચ્યા છે.” નોંધનીય છે કે ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં કોંગ્રેસ સત્તામાં હતી. પરંતુ ભાજપના ખેલ બાદ અહીં પણ સંકટનાં વાદળ છવાયાં છે.

    ધારાસભ્યોના ક્રોસ વોટિંગ બાદ સ્પષ્ટ છે કે હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. જોકે, હાઈકમાન્ડ મુખ્યમંત્રી બદલે તો આ નારાજગી થોડાઘણા અંશે દૂર થઈ શકે છે. આ તરફ, વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવે તે પહેલાં સ્પીકરે વિપક્ષ નેતા જયરામ ઠાકુર સહિત 15 નેતાઓને સસ્પેન્ડ કરી દીધા હતા. આ સંજોગોમાં હવે અવિશ્વાસ મત રજૂ કરવામાં આવે તેની સંભાવનાઓ પણ વધી ગઈ છે. બીજી તરફ, પરિસ્થિતિ કાબૂમાં લેવા કોંગ્રેસ હાઇકમાન્ડે કર્ણાટક ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને હિમાચલ મોકલ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં