Saturday, November 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહારાષ્ટ્ર રાજકારણ મામલે સુપ્રીમ કોર્ટમાં સામસામે જોવા મળશે દિગ્ગજ વકીલો હરીશ સાલ્વે...

    મહારાષ્ટ્ર રાજકારણ મામલે સુપ્રીમ કોર્ટમાં સામસામે જોવા મળશે દિગ્ગજ વકીલો હરીશ સાલ્વે અને અભિષેક મનુ સિંઘવી: કોણ વધુ મજબૂત?

    ડીલીટ થઇ ગયેલા ટ્વિટમાં અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, “શિવસેના એ શિવસેના નથી પરંતુ બેશરમ (Shameless) સેના છે.” આ ટ્વિટ ગઈકાલે વાયરલ થઇ જતાં તેમણે ડીલીટ કરવાની નોબત આવી હતી.

    - Advertisement -

    મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચેની લડાઈ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે. ગઈકાલે એકનાથ શિંદે જૂથ તરફથી સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાંથી એક એકનાથ શિંદે દ્વારા અને બીજી બળવાખોર ધારાસભ્યોના એક સમૂહ દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજીમાં અજય ચૌધરીને શિવસેનાના વિધાયક દળના નેતા નીમવાના અને 15 ધારાસભ્યોને બરખાસ્ત કરવાની નોટિસ પાઠવવાના મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. આ કેસમાં દિગ્ગ્જ વકીલો હરીશ સાલ્વે અને અભિષેક મનુ સિંઘવી સામસામે જોવા મળશે.

    આ કેસની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં થનાર છે. જે જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ સૂર્યકાંતની ખંડપીઠ સમક્ષ લિસ્ટ કરવામાં આવ્યો છે. સાડા દસ વાગ્યેથી સુપ્રીમ કોર્ટે સુનાવણી શરૂ કરી છે, જ્યારે કેસ 34મા નંબરે લિસ્ટ થયો છે.

    કેસ લડવા માટે બંને પક્ષેથી દિગ્ગ્જોની ફૌજ ઉતારવામાં આવી છે. શિંદે જૂથ તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકર તરફથી કોંગ્રેસ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં દલીલો કરશે. 

    - Advertisement -

    કોણ છે હરીશ સાલ્વે?

    હરીશ સાલ્વે ભારતમાં બહુ જાણીતું નામ છે. તેઓ દેશના સોલિસિટર જનરલ રહી ચૂક્યા છે. તેમની ગણતરી દુનિયાના સૌથી મોંઘા વકીલોમાં થાય છે તેમજ એક બૃહદ કારકિર્દી દરમિયાન તેઓ અનેક હાઈ-પ્રોફાઈલ કેસ લડી ચૂક્યા છે. જેમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ચાલતો કુલભૂષણ જાધવ કેસ મુખ્ય છે. ભારતમાં પણ તેઓ ઘણા મોટા કેસોમાં વકીલ રહી ચૂક્યા છે.

    1999 થી 2002 દરમિયાન દેશના સોલિસિટર જનરલ રહી ચૂકેલા હરીશ સાલ્વે દેશના સૌથી સફળ વકીલો પૈકીના એક માનવામાં આવે છે. તેમનું મૂળ વતન મહારાષ્ટ્ર છે. તેમણે સીએનું ભણતર કર્યું હતું પરંતુ પછીથી વકીલાતમાં આવ્યા હતા. 1980થી તેમણે પ્રેક્ટિસ શરૂ કરી હતી. જે પછી તેઓ મુકેશ અંબાણી, ટાટા ગ્રુપ, જયલલિતા, સલમાન ખાન જેવા અનેક મોટા નામો માટે કેસ લડી ચૂક્યા છે.

    જોકે, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં (ICJ) ચાલતા કુલભૂષણ જાધવ કેસ બાદ હરીશ સાલ્વે વધુ જાણીતા બન્યા હતા. આમ તો હરીશ સાલ્વેની એક સુનાવણીની ફી લાખોમાં હોય છે પરંતુ ઇન્ટરનેશનલ કોર્ટમાં કુલભૂષણ જાધવનો પક્ષ રાખવા માટે તેમણે ફી તરીકે માત્ર એક રૂપિયો લીધો હતો. આ કેસમાં ICJ દ્વારા કુલભૂષણની ફાંસી ઉપર રોક લગાવી દેવામાં આવી છે. 

    આ ઉપરાંત, હરીશ સાલ્વે રિપબ્લિક મીડિયાના એડિટર-ઈન-ચીફ અર્ણબ ગોસ્વામીનો કેસ પણ લડ્યા હતા. જે માટે પણ તેમણે ફી પેટે એક પણ રૂપિયો લીધો ન હતો. 2018 નો એક આત્મહત્યા દુષ્પ્રેરણાનો બંધ કેસ ફરી ખોલીને અર્ણબ ગોસ્વામીને ફસાવવાના પ્રયત્નો થયા હતા. જોકે, તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવતા કોર્ટે તેમને જામીન આપી દીધા હતા. આ કેસમાં અર્ણબ ગોસ્વામી તરફથી હરીશ સાલ્વે કેસ લડ્યા હતા.

    આ ઉપરાંત, કૃષ્ણ ગોદાવરી ગેસ બેઝિન કેસમાં હરીશ સાલ્વેએ મુકેશ અંબાણીનો પક્ષ રાખ્યો હતો. તેમજ બહુચર્ચિત હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનને જામીન અપાવવા પાછળ પણ હરીશ સાલ્વેનો મોટો હાથ હતો. 

    અભિષેક મનુ સિંઘવી 

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવી પણ દેશના વરિષ્ઠ વકીલો પૈકીના એક માનવામાં આવે છે. અગાઉ તેમણે સુશાંત સિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હવે ઉદ્ધવ ઠાકરે સરકારે ફરી વખત તેમને સુપ્રીમ કોર્ટમાં ઉતાર્યા છે. 

    અભિષેક મનુ સિંઘવી ભૂતકાળમાં વિવાદોમાં રહી ચૂક્યા છે. વર્ષ 2012 માં અભિષેક સિંઘવીની એક કથિત સેક્સ સીડી ઇન્ટરનેટ પર ફરતી થઇ હતી. જે બાદ તેમણે કોંગ્રેસ પ્રવક્તા અને સંસદની સ્થાયી સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. આ ઉપરાંત પણ તેઓ અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યા છે. 

    વર્ષ 2021 માં વિશ્વ યોગ દિવસ પર તેમણે એક વિવાદિત ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ૐના ઉચ્ચારણથી ન તો યોગ વધુ શક્તિશાળી થઇ જશે, ન અલ્લાહ કહેવાથી યોગની શક્તિ ઓછી થઇ જશે.” તેમના આ ટ્વિટ બાદ નેટિઝન્સે ખૂબ ટીકા કરી હતી.

    જોકે, રસપ્રદ વાત એ છે કે અભિષેક મનુ સિંઘવી આજે જે શિવસેના સરકારનો પક્ષ રાખવા માટે જઈ રહ્યા છે એ જ શિવસેનાની ટીકા કરતાં ટ્વિટ તેઓ ભૂતકાળમાં કરી ચૂક્યા છે. જોકે, નેટિઝન્સે આ ટ્વિટ શોધીને ફરી વાયરલ કરતા તેમણે ટ્વિટ ડીલીટ કરી દીધું હતું. 

    અભિષેક મનુ સિંઘવીનું ડીલીટ થયેલું ટ્વિટ

    ડીલીટ થઇ ગયેલા ટ્વિટમાં અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, “શિવસેના એ શિવસેના નથી પરંતુ બેશરમ (Shameless) સેના છે.” આ ટ્વિટ ગઈકાલે વાયરલ થઇ જતાં તેમણે ડીલીટ કરવાની નોબત આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં