Thursday, April 25, 2024
More
  હોમપેજગુજરાતગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: સરકારી અધિકારીઓને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના નંબર સેવ રાખવા આદેશ,...

  ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: સરકારી અધિકારીઓને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના નંબર સેવ રાખવા આદેશ, MP-ધારાસભ્યોનો ફોન ઉપાડવા પરિપત્ર જાહેર

  પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટાયેલ પદાધિકારી જ્યારે સરકારી અધિકારીને તેમની કચેરીના ફોન ઉપર ફોન કરે ત્યારે તેમની ગેર હાજરીમાં ફોન ઉપાડનાર કર્મચારી ખાસ કરીને અધિકારીશ્રીના અંગત મદદનીશ કે રહસ્ય સચિવ આ ફોનની નોંધ કરી તેની યાદી રાખશે, જે સંબંધિત અધિકારી કચેરીમાં આવે કે તરત જ તેમના ધ્યાન પર આ નોંધની યાદી મુકવાની રહેશે.

  - Advertisement -

  ગુજરાતની નવી સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સરકારી અધિકારીઓને ચૂંટાયેલા પદાધિકારીઓના નંબર સેવ રાખવા આદેશ આપતો પરિપત્ર જાહેર કર્યો છે. સાથે જ તેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સરકારી અધિકારીઓએ ધારાસભ્યો, સાંસદ સભ્યો સહિતના જનપ્રતિનિધિઓના કે ચૂંટાયેલા પદાધિકારીઓના ફોન ઉપાડી તેમને વિવેકપૂર્ણ ભાષામાં જવાબ આપવો પડશે. સરકારી અધિકારીઓને સરકારનો આ પરિપત્ર જાહેર થયા બાદ ધારાસભ્ય મોહન ઢોડિયાએ પ્રતિક્રિયા આપી હતી.

  મળતી માહિતી અનુસાર સરકારી અધિકારીઓને ટાંકીને જે ગુજરાત સરકારનો પરિપત્ર જાહેર થયો છે તેમાં કેટલાક ખાસ નિર્દેશ આપવામાં આવ્યા છે. આ પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે, “સંસદ તથા વિધાનસભાના સભ્ય કે પછી પ્રજાના ચૂંટાયેલા અન્ય પદાધિકારીઓ જેવા કે, જિલ્લા/તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપતિ કે મેયરનો સંપર્ક નંબર સરકારી અધિકારીઓએ સેવ રાખવાનો રહેશે, તેમજ તેમના દ્વારા સરકારી અધિકારીઓને કચેરી સમય દરમ્યાન તેમની કચેરીના લેન્ડ લાઈન ફોન ઉપર સંપર્ક કરે અને કોઈ સંજોગોમાં સંબંધિત અધિકારી જે તે સમયે ઉપસ્થિત ન હોય, અથવા તો મીંટીંગ કે અન્ય રીતે વ્યસ્ત હોય અને તેથી ચૂંટાયેલા પદાધિકારી સાથે વાત કરી શકે તેમ ન હોય તેવા સંજોગોમાં આવા અધિકારીએ જયારે પણ તે કચેરીમાં પરત ફરે અથવા તો વ્યસ્તતામાંથી છૂટા થાય ત્યારે તરત જ આવા ચૂંટાયેલા પદાધિકારીને સામેથી ફોન કરવો.”

  સરકારી અધિકારીઓને આપવામાં આવેલો ગુજરાત સરકારનો પરિપત્ર જાહેર કરીને આગળ કહેવામાં આવ્યું છે કે, “ચૂંટાયેલ પદાધિકારી જ્યારે સરકારી અધિકારીને તેમની કચેરીના ફોન ઉપર ફોન કરે ત્યારે તેમની ગેર હાજરીમાં ફોન ઉપાડનાર કર્મચારી ખાસ કરીને અધિકારીશ્રીના અંગત મદદનીશ કે રહસ્ય સચિવ આ ફોનની નોંધ કરી તેની યાદી રાખશે, જે સંબંધિત અધિકારી કચેરીમાં આવે કે તરત જ તેમના ધ્યાન પર આ નોંધની યાદી મુકવાની રહેશે.” સાથે જ કહેવામાં આવ્યું છે કે સચિવાલયના સર્વે વિભાગો તેમજ તેના તાબા હેઠળના સર્વે ખાતાના વડા, કચેરીઓના વડા, બોર્ડ, કોર્પોરેશન તથા નિગમના વડાઓને આ સુચનાઓનું ચુસ્તપણે અને યોગ્ય રીતે પાલન કરવાનું રહેશે.

  - Advertisement -

  ‘આખરે નાગરિકોને જ થશે ફાયદો’- ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાએ કરી ઑપઇન્ડિયા સાથે ખાસ વાતચીત

  ગુજરાત સરકારના આ પરિપત્રને લઈને મહુવાના ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાએ પ્રતિક્રિયા આપતા ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીઓનો સંપર્ક કરે તો તે લોકોના કામ માટે જ કરતો હોય છે, પોતાના માટે નહીં. આ પરિપત્રથી બહુ ફેર પડશે અને જનતાના કામમાં વેગ પણ આવશે, જેનાથી આખરે લોકોને જ ફાયદો થશે. હું ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ધન્યવાદ આપું છું.”

  ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ધારાસભ્ય મોહન ઢોડિયાએ તાપી જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં એક મુદ્દો ઉપાડ્યો હતો અને ફરિયાદ કરી હતી કે અધિકારીઓ તેમના ફોન ઉંચકતા નથી. આ વિવાદને લઈને ઑપઇન્ડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, તેમના મતવિસ્તારમાં આવેલ બુહારી ગામમાં એક તળાવ વિકસિત કરવામાં આવી રહ્યું છે. જેમાં થોડા દિવસ પહેલાં અમુક લોકોએ સંગઠનના નામે બાબા સાહેબનું અપમાન કરીને ચોરીછૂપીથી મૂર્તિ મૂકી દીધી હતી. તેમણે કહ્યું, “અમારો વિરોધ મૂર્તિ સામે નથી, પરંતુ એ મૂક્યા પછી એની જાળવણીની પણ જવાબદારી બને છે. અમારો મત એવો છે કે ત્યાં મહાત્મા ગાંધીથી માંડીને સ્વામી વિવેકાનંદ, સરદાર પટેલ, ભગવાન બિરસા મુંડા, બાબાસાહેબ આંબેડકર, પ્રમુખ સ્વામી- આવા તમામ સંતો-મહંતો અને મહાત્માની મૂર્તિ મૂકવી.”

  તેમણે એવો આરોપ લગાવ્યો કે આ કાવતરું કરનારા લોકો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના છે. આગળ જણાવ્યું કે, “તેઓ તાળું તોડીને ઘૂસી ગયા હતા અને મૂર્તિ મૂકી ગયા હતા. જેને લઈને કાયદો-વ્યવસ્થા જળવાય રહે તે માટે મેં DSPને ફોન કર્યો હતો, પરંતુ તેમણે જવાબ આપ્યા ન હતા. જેથી મારે સંકલન સમિતિમાં આ મુદ્દો ઉપાડવો પડ્યો. પરંતુ હવે અમારી ડબલ એન્જીન ગુજરાત સરકારે ત્વરિત નિર્ણય લીધો છે તો હવે ફેર પડશે.”

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં