Wednesday, April 24, 2024
More
    હોમપેજરાજકારણઓબીસી અનામત મુદ્દે ભાજપ કોંગ્રેસ સામ સામે: OBC પંચ 15 દિવસમાં સરકારને...

    ઓબીસી અનામત મુદ્દે ભાજપ કોંગ્રેસ સામ સામે: OBC પંચ 15 દિવસમાં સરકારને સુપરત કરી શકે ભલામણ રિપોર્ટ

    રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોના પ્રતિનિધિત્વ નિર્ધારિત કરવા અંગે સ્વતંત્ર પંચની રચનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટના નિવૃત ન્યાયાધિશ કે. એસ. ઝવેરી આ સ્વતંત્ર પંચના અધ્યક્ષ રહી સમગ્ર મુદ્દે વિસ્તૃત અહેવાલ રજૂ કરી રહ્યા છે.

    - Advertisement -

    જેમ જેમ ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક રાજકીય પક્ષોએ પોતાના દાવ ખેલવાના શરૂ કરી દીધા છે. હાલમાં ભાજપ અને કોંગ્રેસના હાથમાં આવ્યો છે OBC અનામત વિષેનો મુદ્દો. બંનેમાં ઓબીસી સમાજના વોટ મેળવવા માટે રીતસરની હોડ લાગી છે. બંને પક્ષના નેતાઓએ એકબીજા પર આક્ષેપ અને પ્રત્યક્ષેપ પણ કર્યા છે. આ વચ્ચે OBC પંચ ટૂંક સમયમાં પોતાનો અહેવાલ રજુ કરી શકે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે.

    કોંગ્રેસનો આરોપ છે કે OBC સમાજને રાજકીય પક્ષો વોટબેંક તરીકે ઉપયોગ કરે છે ત્યારબાદ તેમની સાથે અન્યાય કરાય છે. કોંગ્રેસનેતા ભરતસિંહ સોલંકીએ એ પણ આરોપ કર્યા કે ગુજરાતની 52 ટકા OBC વસ્તીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. બોર્ડ નિગમોમાં સરકાર બજેટ નથી ફાળવતી. સાથે જ સ્થાનિક ચૂંટણીઓમાં 10 ટકાની અનામત પણ દૂર કરી નાંખી છે. સોલંકીએ એ પણ કહ્યું હતું કે જો તેમની સરકાર આવશે તો તેમાં ઓબીસી સમાજનો મુખ્ય રોલ રહેશે.

    આ સાથે હાલ ગુજરાતમાં આવેલા પંચાયત ચૂંટણીમાં OBC અનામતની ટકાવારી નક્કી કરવાના સમર્પિત આયોગ પંચ ટૂંક સમયમાં પોતાનો રિપોર્ટ રજૂ કરવા જઈ રહ્યો છે. એ સાથે જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના ડેલિગેસ્ટ્સ OBC આયોગ પાસે પોતાની માંગણીઓ લઈને પહોંચ્યા હતા.

    - Advertisement -

    ભાજપની સરકાર બન્યા બાદ 27 ટકા અનામતનો પ્રસ્તાવ મંજૂર કરાયો: ભરત ડાંગર

    સૌ પ્રથમ ગુજરાત ભાજપના નેતાઓ OBC  આયોગ પહોંચ્યા હતા. મંત્રી જગદીશ પંચાલની આગેવાનીમાં ભાજપ નેતાઓ શંકર ચૌધરી, ઉદય કાનગડ , ભરત ડાંગર, અલ્પેશ ઠાકોર, કાળુ ઝાખડ પણ કમિશનને મળ્યા હતા.

    રજૂઆત બાદ ભાજપ નેતા ભરત ડાંગરે નિવેદન આપતા કહ્યું કે આજે ભાજપ ડેલિગેશને આયોગ સમક્ષ રજૂઆત કરી છે. ભાજપ હંમેશા તમામ સમાજોની સાથે છે. ભાજપની સરકાર બન્યા બાદ 27 ટકા અનામતનો પ્રસ્તાવ મંજૂર કરાયો. અગાઉ કોંગ્રેસે બધા જ કમિશનોની ભલામણો અટકાવી દીધી હતી. ભાજપ OBC લોકોને ન્યાય માટે કટિબદ્વ છે. ચૂંટણીમાં OBCને વધુમાં વધુ ટકા અનામત મળે તેવી રજૂઆત કરી છે.

    વસ્તી પ્રમાણે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં 27 ટકા અનામતની માંગ : કોંગ્રેસ

    ભાજપના ડેલિગેશન બાદ ગુજરાત કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ પણ આ સમર્પિત આયોગને પોતાની રજૂઆતો કરવા મળ્યું હતું. અમિત ચાવડા, પૂંજા વંશ, ઋત્વિક મકવાણા ઉપસ્થિત રહી OBCને 27 ટકા અનામત આપવા માંગ કરી હતી. 

    કોંગ્રેસ નેતાઓની OBC કમિશનની મુલાકાત બાદ જગદીશ ઠાકોરે કહ્યું કે આયોગને રજુઆત કરી છે કે ઓબીસીની વસ્તી ગણતરી કરવામાં આવે.52 ટકા ઓબીસી ની વસ્તી હોય તો 10 ટકાના બદલે 27 ટકા અનામત મળવી જોઈએ. સરકારી નીતિ નિયમો અનુસાર વસ્તી ગણતરી પ્રમાણે મળવી જોઈએ. તે મુજબ વસતી પ્રમાણે OBC અનામત આપવામાં આવે છે, બજેટમાં જોગવાઈ થવી જોઈએ. OBCને અન્યાય થશે તો સરકારે ભોગવવું પડશે.

    નિવૃત ન્યાયાધિશ કે. એસ. ઝવેરીની અધ્યક્ષતામાં રચાયું છે OBC કમિશન

    રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોના પ્રતિનિધિત્વ નિર્ધારિત કરવા અંગે સ્વતંત્ર પંચની રચનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટના નિવૃત ન્યાયાધિશ કે. એસ. ઝવેરી આ સ્વતંત્ર પંચના અધ્યક્ષ રહી સમગ્ર મુદ્દે વિસ્તૃત અહેવાલ રજૂ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ મળે તે હેતુસરના સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબની કાર્યવાહી માટે એક સ્વતંત્ર પંચની રચના કરવાનો નિર્ણય કર્યો હતો.

    આ સ્વતંત્ર પંચ સ્થાનિક સ્વરાજ્યના એકમોમાં અન્ય પછાત વર્ગોની બેઠકો નક્કી કરતા પહેલાં આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પછાતપણાના સ્વરૂપ અને અસરોનો તેમજ તેની રાજનીતિક સ્થિતી અનુસાર આંકડા એકત્ર કરીને અને તેનું વિશ્લેષણ કરીને સંપૂર્ણ અને કાળજીપૂર્વકનો અભ્યાસ કરવા માટે રચવામાં આવેલુ છે. આ સ્વતંત્ર પંચની ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મુજબ લોકલ બોડી વાઇઝ અનામત પ્રમાણને નક્કી કરવાનો સુપ્રિમ કોર્ટે નિર્દેશ આપેલો છે.

    હવે જોવાનું એ રહેશે કે આગામી વિધાનસભા ચૂંટણીઓમાં ઓબીસી સમાજ કાયા પક્ષ તરફ ઢળે છે અને કયો પક્ષ તેમને રિઝવવામાં સફળ રહે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં