Tuesday, April 30, 2024
More
    હોમપેજગુજરાતએપ્રિલમાં ખાલી પડનારી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી જાહેર: 27 ફેબ્રુઆરીએ ગુજરાતની 4...

    એપ્રિલમાં ખાલી પડનારી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી જાહેર: 27 ફેબ્રુઆરીએ ગુજરાતની 4 સીટો માટે થશે મતદાન, ભાજપનું સંખ્યાબળ વધુ હોવાથી જીત નક્કી

    આ વખતનું કોંગ્રેસનું સંખ્યાબળ ગત ટર્મ કરતાં ઓછું છે. એટલે સ્વાભાવિક રીતે આ રાજ્યસભાની ચૂંટણી માત્ર ઔપચારિક રહેવાની છે, જ્યારે ચારેય સીટો પર ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત છે.

    - Advertisement -

    દેશના 15 રાજ્યોના 56 રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ એપ્રિલમાં પૂર્ણ થવા થઈ રહ્યો છે. જેમાં ગુજરાત ચાર સાંસદોનો સમાવેશ પણ થાય છે. ગુજરાતના મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, અમી યાજ્ઞિક અને નારાયણ રાઠવાની ટર્મ એપ્રિલમાં પૂર્ણ થઈ રહી છે. ગુજરાતની આ ચાર રાજ્યસભાની બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવા જઈ રહી છે. જે અંતર્ગત આ વિષય પર 8 ફેબ્રુઆરીએ ઈલેક્શન કમિશન નોટિફિકેશન બહાર પાડશે. આ ચૂંટણી માટે 15 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના રહેશે જ્યારે 27 ફેબ્રુઆરીએ રાજ્યસભા સભ્યપદ માટેની ચૂંટણી યોજાશે.

    એપ્રિલ મહિનામાં ગુજરાતની ચાર રાજ્યસભાની બેઠકો ખાલી પડવાની છે. જે માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી પણ યોજવામાં આવી રહી છે. નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ખાતામાં 156 બેઠકો આવી હતી. જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર 17 બેઠકો આવી હતી. જોકે, હાલમાં કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામું આપી દેતા વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ માત્ર 15 જ રહ્યું છે. એટલે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને ચાર બેઠકો જીતવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં. ભાજપના ચાર સભ્યો રાજ્યસભા સાંસદ તરીકે જશે એ નક્કી જ છે.

    આવનારી ચાર બેઠકોમાં ભાજપના ઉમેદવારોની જીત સાથે રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ 10 થઈ જશે. જ્યારે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે માત્ર શક્તિસિંહ ગોહિલ જ રહશે. રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરવામાં આવ્યું છે કે, દર 2 વર્ષે 250માંથી 1/3 સાંસદોની ચૂંટણી યોજવામાં આવે છે. સાંસદોની મુદ્દત 6 વર્ષની હોય છે. આગામી સમયની વાત કરવામાં આવે તો આ વખતનું કોંગ્રેસનું સંખ્યાબળ ગત ટર્મ કરતાં ઓછું છે. એટલે સ્વાભાવિક રીતે આ રાજ્યસભાની ચૂંટણી માત્ર ઔપચારિક રહેવાની છે, જ્યારે ચારેય સીટો પર ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત છે.

    - Advertisement -

    નોંધનીય છે કે, ગુજરાતના 4 રાજ્યસભા સાંસદ સહિત દેશના કુલ 56 સાંસદોની ટર્મ એપ્રિલમાં પૂર્ણ થવા જઈ રહી છે. જેમાં આંધ્રપ્રદેશના 3, બિહારના 6, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના એક-એક, કર્ણાટકના 4, મધ્ય પ્રદેશના 5, મહારાષ્ટ્રના 6, તેલંગાણાના 3, ઉત્તર પ્રદેશના 10, પશ્ચિમ બંગાળના 5 અને ઓડિશા તથા રાજસ્થાનના 3-3 સભ્યોનો સમાવેશ થાય છે. આ તમામ ખાલી પડનારી બેઠકોની 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવા જઈ રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં