Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણધરપકડને પડકારતી અરજી લઈને હાઈકોર્ટ ગયા હતા AAP સાંસદ સંજય સિંઘ, ખાલી...

    ધરપકડને પડકારતી અરજી લઈને હાઈકોર્ટ ગયા હતા AAP સાંસદ સંજય સિંઘ, ખાલી હાથે આવવું પડ્યું: કોર્ટે અરજી ફગાવીને કહ્યું- અમે હસ્તક્ષેપ નહીં કરીએ

    સુનાવણી દરમિયાન કેસ રાજકીય ઈરાદાઓથી પ્રેરિત હોવાની દલીલોને લઈને કોર્ટે કહ્યું કે, ED દેશની એક આગળ પડતી તપાસ કરતી એજન્સી છે અને કોર્ટ આ પ્રકારની ચર્ચાઓમાં નહીં પડે, જ્યાં સુધી રેકોર્ડ પર કોઇ ઠોસ બાબતો મૂકવામાં નહીં આવે.

    - Advertisement -

    દિલ્હી દારૂ કૌભાંડમાં ધરપકડ થયા બાદ આમ આદમી પાર્ટી સાંસદ સંજય સિંઘે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરીને ધરપકડ અને ઇડી રિમાન્ડને પડકાર્યા હતા અને દાવો કર્યો હતો કે કેસ પોલિટિકલી મોટિવેટેડ છે અને તેમની કેસમાં ક્યાંય સંડોવણી નથી. પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે અને પ્રથમ દ્રષ્ટિએ કેસને યોગ્ય ઠેરવ્યો છે અને કહ્યું કે હાલના તબક્કે કોઇ હસ્તક્ષેપની જરૂર નથી. 

    સંજય સિંઘે અરજીમાં દલીલ કરી હતી કે તેઓ આ કેસમાં ન તો સંદિગ્ધ વ્યક્તિ છે કે ન આરોપી છે, તેમની કેસમાં કોઇ પણ પ્રકારની સંડોવણી નથી. તેમના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, સંજય સિંઘને પ્રક્રિયા અનુસર્યા વગર પકડવામાં આવ્યા હતા અને કેસની તપાસ શરૂ થયાને વર્ષ સુધી તેમને એજન્સીએ ક્યારેય બોલાવ્યા ન હતા. પરંતુ 4 ઓક્ટોબરે અચાનક એજન્સીના અધિકારીઓએ આવીને સર્ચ ઑપરશન હાથ ધર્યું અને ત્યારબાદ તેમની ધરપકડ કરી લીધી હતી.

    સુનાવણી દરમિયાન કેસ રાજકીય ઈરાદાઓથી પ્રેરિત હોવાની દલીલોને લઈને કોર્ટે કહ્યું કે, ED દેશની એક આગળ પડતી તપાસ કરતી એજન્સી છે અને કોર્ટ આ પ્રકારની ચર્ચાઓમાં નહીં પડે, જ્યાં સુધી રેકોર્ડ પર કોઇ ઠોસ બાબતો મૂકવામાં નહીં આવે. કોર્ટ આવી બાબતોથી દૂર રહે છે અને શપથને વળગી રહે છે.”

    - Advertisement -

    સંજય સિંઘ રાજકીય નેતા ભલે હોય, સરકારને કાર્યવાહીનો પૂરેપૂરો અધિકાર: કોર્ટ 

    આગળ કોર્ટે કહ્યું કે, સંજય સિંઘ ભલે રાજકીય નેતા હોય પરંતુ ગુનાહિત કેસમાં તેમણે પણ અન્ય નાગરિકોની જેમ જ સહકાર આપવો પડશે. આગળ કહ્યું કે, એ વાત સાચી છે કે દરેક વ્યક્તિને જાહેરમાં પોતાની છબી સાચવવાનો અધિકાર હોય છે પરંતુ તે અધિકારના રક્ષણમાં એ વાત ન ભુલાય કે સત્તાને પણ ગુનાની તપાસ કરવાનો એટલો જ અધિકાર છે. આ તબક્કે રેકોર્ડ પર કોઈ પણ પ્રકારના પુરાવાનો અભાવ જોતાં કોર્ટ EDની કાર્યવાહીને રાજકીય ઉદ્દેશ્ય તરીકે દર્શાવી શકે નહીં. 

    કોર્ટે કહ્યું કે, “આ અરજી પર હાલના તબક્કે કોઇ નિર્ણય થઈ શકે નહીં અને તપાસ હજુ ચાલી રહી છે. ધરપકડ કે રિમાન્ડ વિરુદ્ધ કોર્ટ હમણાં કોઇ હસ્તક્ષેપની જરૂર જોતી નથી. અરજી ફગાવવામાં આવે છે.” 

    દિનેશ અરોડાનું નિવેદન પણ કાયદાકીય પ્રક્રિયા હેઠળ જ લેવાયું: કોર્ટ 

    આ ઉપરાંત, કોર્ટે એમ પણ નોંધ્યું કે સરકારી ગવાહ બનેલા દિનેશ અરોડાનું નિવેદન સંપૂર્ણ પ્રક્રિયાના પાલન બાદ લેવામાં આવ્યું હતું અને જ્યાં સુધી સવાલ આ નિવેદન કોઇ દબાણ હેઠળ લેવામાં આવ્યું હોવાનો છે તો હાલના તબક્કે તેની ઉપર ચર્ચા કરવી યોગ્ય નથી. આગળ કહ્યું કે, EDએ અરોડાનું નિવેદન ગેરકાયદેસર રીતે કે કાયદાથી પર જઈને લીધું હોય તેવું કશું જ જાણવા મળ્યું નથી.

    સંજય સિંઘની અરજી પર દલીલ કરતાં સરકાર પક્ષેથી ASG એસવી રાજુએ કહ્યું હતું કે, AAP નેતાની ધરપકડ તમામ નિયમો અને કાયદાને આધીન રહીને જ કરવામાં આવી હે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સંજય સિંઘ પણ દિલ્હી લિકર પોલિસીનો ભાગ હતા અને દિનેશ અરોડા અને અમિત અરોડા સાથે તેમના સંબંધો હતા.” આગળ કહેવામાં આવ્યું કે, ટ્રાયલ કોર્ટે તમામ પેપરોને ધ્યાનમાં લઈને જ (રિમાન્ડનો) આદેશ પસાર કર્યો હતો. 

    નોંધવું રહ્યું કે સંજય સિંઘની ધરપકડ ગત 4 ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી. હાલ તેઓ જેલમાં છે. ગત સપ્તાહે ટ્રાયલ કોર્ટે તેમને 27 ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં