Wednesday, July 24, 2024
More
  હોમપેજગુજરાતહિંદુઓ સહિષ્ણુ છે એટલે કંઈ કહેતા નથી, તાકાત હોય તો અન્ય ધર્મ...

  હિંદુઓ સહિષ્ણુ છે એટલે કંઈ કહેતા નથી, તાકાત હોય તો અન્ય ધર્મ વિશે બોલી બતાવો : રામમંદિર મુદ્દે નિવેદન મામલે ભરતસિંહને સીઆર પાટીલનો જવાબ

  સીઆર પાટીલે કહ્યું, "તેમનામાં જો તાકાત હોય તો અન્ય ધર્મ સ્થાનકો અંગે આવું નિવેદન આપે, તો કહી શકાય કે ખરેખર મર્દ છે. હિંદુ ધર્મના ભાઈ-બહેનો સહિષ્ણુ છે, તેઓ જલ્દી પ્રતિક્રિયા આપતા નથી. પરંતુ જ્યારે આપે છે ત્યારે ઉખાડીને ફેંકી દે છે.”

  - Advertisement -

  ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી ભરતસિંહ સોલંકીએ ગઈકાલે રામમંદિર મુદ્દે આપેલા નિવેદનને લઈને ગઈકાલથી તેની ઉપર માછલાં ધોવાઈ રહ્યા છે તો ભાજપ ઉપરાંત હાર્દિક પટેલ-જયરાજસિંહ જેવા એક સમયે તેમના સાથી રહી ચૂકેલા નેતાઓએ પણ તેમની ટીકા કરી હતી. હવે આ મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ભરતસિંહને જવાબ આપ્યો છે. 

  એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખે નામ લીધા વગર ભરતસિંહ સોલંકી પર પ્રહાર કરતા કહ્યું કે, “ગઈકાલે ગુજરાત કોંગ્રેસના એક આગેવાને રામમંદિર માટે એક નિવેદન કર્યું હતું. મને લાગે છે કે તેમને મેન્ટલ હોસ્પિટલમાં લઇ જઈને ચેક-અપ કરાવવાની જરૂર છે. તેઓ હિંદુ-ધર્મના ભાઈ-બહેનોની લાગણીઓ સાથે રમત રમવાનું બંધ કરે. હું અહીંથી તેમને ચેતવણી આપું છું, આવું તેઓ વારંવાર કરશે તો આ હિંદુઓ તેમને પાઠ ભણાવશે.”

  ભરતસિંહને જવાબ આપતા સીઆર પાટીલે કહ્યું કે, અન્ય ધર્મના પણ સ્થાનકો છે. તેમનામાં જો તાકાત હોય તો આ ધર્મ સ્થાનકો અંગે આવું નિવેદન આપે તો કહી શકાય કે ખરેખર મર્દ છે. હિંદુ ધર્મના ભાઈ-બહેનો સહિષ્ણુ છે, તેઓ જલ્દી પ્રતિક્રિયા આપતા નથી. પરંતુ જ્યારે આપે છે ત્યારે ઉખાડીને ફેંકી દે છે.”

  - Advertisement -

  તેમણે આગળ કહ્યું કે, “ચૂંટણી પહેલાં કેટલાક સમાજને ઠેસ પહોંચાડી અમુક વર્ગોને ખુશ કરીને સત્તા મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેમની હાર નિશ્ચિત છે, તેમનો એકડો ગુજરાતમાંથી નીકળી જવાનો છે એ પણ નિશ્ચિત છે. અહીં સૌ ભાઈ-બહેનોએ નિશ્ચય કર્યો છે કે આ વખતે ગુજરાતને કોંગ્રેસ મુક્ત બનાવવાનું છે.”

  બીજી તરફ, કોંગ્રેસ પ્રવક્તા રહી ચૂકેલા અને હાલ ભાજપ નેતા જયરાજસિંહ પરમારે પણ ભરતસિંહ સોલંકીને તેમના રામમંદિર મુદ્દેના નિવેદનને લઈને આડેહાથ લીધા હતા. તેમણે ટ્વિટ કરીને કહ્યું, “રામમંદિર મુદ્દે વર્ષોથી ખુંચવાઈ ગયેલી ખુરશીની ખીજ ભરતસિંહ સોલંકી ભાજપ પર કાઢે ત્યાં સુધી સમજી શકાય છે, પણ સો કરોડ હિંદુઓના આરાધ્યદેવ રામ પર ગુસ્સો ઉતારી રામશીલા વિશે બીભત્સ ઘૃણા દર્શાવે તે ખૂબ દુઃખદ છે.”

  શું કહ્યું હતું ભરતસિંહ સોલંકીએ?

  ગઈકાલે કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત OBC સંમેલનમાં બોલતા ભરતસિંહ સોલંકીએ રામમંદિર મુદ્દે નિવેદન આપતા કહ્યું હતું કે, “આ લોકોને રામમંદિરના કરોડો રૂપિયા સરકારે આપ્યા પછી પણ લોકોના ઘરે-ઘરે જઈને રામમંદિરના નામે પૈસા ઉઘરાવ્યા છે. એ જમાનામાં રામશિલાની વાત મને ખબર છે. કુમકુમ તિલક અને ચાંદલા કરે, માથે મૂકીને રામશિલા લઈને જાય અને વાજતેગાજતે પાદરે મૂકી આવે. મનમાં એમ કે અમારા રામનું મંદિર બંધાશે અને અમે, અમારા બાળકો અને પરિવાર, બધા સુખી થઇ જઈશું. પણ પછી કૂતરા પેશાબ કરતા થઇ ગયા. વિચાર કરો કે રામને છેતરે એ આપણે છેતર્યા વગર રહે ખરા?”

  ભરતસિંહ સોલંકી દ્વારા રામમંદિર મુદ્દે અપાયેલા આ નિવેદન બાદ ગુજરાતભરમાંથી તેમની ખૂબ ટીકા થઇ હતી, તો હવે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ આ મામલે ભરતસિંહને જવાબ આપી ચર્ચામાં આવ્યા છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં