Thursday, April 25, 2024
More
    હોમપેજરાજકારણકોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી બની વિવાદોની જન્મદાત્રી: અનેક નામાંકન આવવા, પાછા ખેંચાવા વચ્ચે...

    કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી બની વિવાદોની જન્મદાત્રી: અનેક નામાંકન આવવા, પાછા ખેંચાવા વચ્ચે હવે શશિ થરૂરના મેનીફેસ્ટોએ ચર્ચા જગાવી

    ભારતનો ખંડિત નકશો પોતાના મેનીફેસ્ટોમાં વાપર્યા બાદ સોશિયલ મીડિયામાં થરૂરનો ખુબ વિરોધ થયો હતો અને સૌએ ખુબ ઉગ્ર પ્રતિક્રિયાઓ આપી હતી. જે બાદ તેમની ઓફિસે તે નકશામાં સુધારો કરવાની ફરજ પડી હતી.

    - Advertisement -

    જેમ જેમ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે. અનેક નામાંકનો સામે આવવા અને પાછા ખેંચાવાની હારમાળા વચ્ચે હવે શશિ થરૂરના ચૂંટણી મેનીફેસ્ટોએ એક નવો વિવાદ જન્માવ્યો છે.

    તાજા અહેવાલો મુજબ હમણાં સુધી કોંગ્રેસ અધ્યક્ષ બનવાની રેસ માટે શશિ થરૂર, મલ્લિકાર્જુન ખરગે અને કેએન ત્રિપાઠીએ પોતાના નામાંકન દાખલ કર્યા છે. પરંતુ આ પ્રક્રિયા દેખાય છે એટલી સરળ નહોતી. આ દરમિયાન અનેક વાદ વિવાદ સામે આવ્યા હતા.

    થરૂરના મેનીફેસ્ટોમાં દર્શાવાયો ભારતનો ખંડિત નકશો

    કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે સૌથી મોટા દાવેદારોમાંના એક શશિ થરૂર પુરી તૈયારીમાં દેખાયા હતા. તેમણે પોતાની દાવેદારી માટે એક મેનીફેસ્ટો પણ તૈયાર કરીને રજૂ કર્યો હતો.

    - Advertisement -

    પરંતુ તેમના આ મેનીફેસ્ટોએ વધુ એક વિવાદ જન્માવ્યો હતો. શશિ થરૂરના મેનીફેસ્ટોના પાંચમા પાના પર ભારતનો નકશો બતાવવામાં આવ્યો હતો, પરંતુ આ નકશો ખોટો હતો, જેમાં ભારતને ખંડિત બતાવવામાં આવ્યું હતું. શશિ થરુરે પોતાના મેનીફેસ્ટોમાં સમાવેશ કરેલ ભારતના નકશામાં કાશ્મીરનો અમુક હિસ્સો ગાયબ દેખાતો હતો.

    ભારતનો ખંડિત નકશો પોતાના મેનીફેસ્ટોમાં વાપર્યા બાદ સોશિયલ મીડિયામાં થરૂરનો ખુબ વિરોધ થયો હતો અને સૌએ ખુબ ઉગ્ર પ્રતિક્રિયાઓ આપી હતી. જે બાદ તેમની ઓફિસે તે નકશામાં સુધારો કરવાની ફરજ પડી હતી.

    નામાંકન પહેલા થરુરે કોંગ્રેસમાં ‘વિકેન્દ્રીકરણ’ માટે હાકલ કરી

    કોંગ્રેસ નેતા શશિ થરૂરે શુક્રવારે પાર્ટીના અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. તેમણે એક ચૂંટણી ઢંઢેરો જારી કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે જો તેઓ ચૂંટણી જીતે તો વિકેન્દ્રીકરણ અને આંતરિક પુનર્ગઠન દ્વારા પક્ષને કેવી રીતે કાયાકલ્પ કરવા માગે છે.

    “આ પક્ષમાં વિકેન્દ્રીકરણની જરૂર છે. આપણે દર પાંચ વર્ષે ચૂંટણી જીતવા માટેનું ચૂંટણી મશીન નથી. આપણે ભારતના લોકોની સેવા કરવી જોઈએ,” થરૂરે કહ્યું.

    શશિ થરૂરે મીડિયાને કહ્યું કે “પાર્ટીની અંદર વિ-કેન્દ્રીકરણની જરૂર છે. પાર્ટીમાં વર્ષોથી આદત છે કે બધું દિલ્હીમાં નક્કી થાય છે. પાર્ટી બ્લોક, જિલ્લા અને રાજ્યોમાં પણ હોય છે. ત્યાં પક્ષ મજબૂત હોવો જોઈએ. પક્ષના તળિયે કોઈને અધિકાર નથી અને ટોચનાને તમામ નિર્ણયો લેવાનો અધિકાર છે. તેનું કામ રાજ્યો પર છોડવું જોઈએ. આજકાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખોના નામ પણ દિલ્હીથી નક્કી થાય છે, તેની સત્તા પ્રદેશ હોદ્દેદાર પાસે હોવી જોઈએ.”

    મલ્લિકાર્જુન મેદાનમાં આવતા દિગ્વિજયે મેદાન છોડ્યું

    મલ્લિકાર્જુન ખડગેને ગાંધી પરિવારના વફાદાર માનવામાં આવે છે અને ગાંધી પરિવારના વફાદાર નેતાઓ સાથે સારા સંબંધો છે. તાજેતરમાં, તેમણે પોતાનો 80મો જન્મદિવસ ઉજવ્યો ન હતો કારણ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સોનિયા ગાંધી વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી.

    એવું કહેવામાં આવી રહ્યું છે કે મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધીના કહેવા પર જ રાષ્ટ્રપતિ પદ માટે આગળ આવ્યા છે. આવી સ્થિતિમાં 80 વર્ષીય ખડગેની જીતની શક્યતા વધી જાય છે. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના પ્રદર્શન બાદ રાહુલ ગાંધીએ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યા બાદ પણ ખડગેનું નામ અધ્યક્ષ પદ માટે ચર્ચામાં આવ્યું હતું.

    બીજી તરફ ખડગેનું નામ સામે આવ્યા બાદ દિગ્વિજય સિંહે કહ્યું કે, “મને ખબર પડી છે કે ખડગે પ્રમુખ પદ માટે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતા છે અને મારા મનમાં પણ તેમના માટે ઘણું સન્માન છે. તેથી મેં નક્કી કર્યું છે કે હું તેમને સમર્થન આપીશ. હું તેમનો સમર્થક બનીશ.” દિગ્વિજય સિંહ ખડગેના આવાસની મુલાકાત લીધી હતી અને તેમને પણ મળ્યા હતા.

    નોંધનીય છે કે આજે કોંગ્રેસ અધ્યક્ષપદ માટેની ચૂંટણી માટે નામાંકન આપવાનો છેલ્લો દિવસ છે અને 8 ઓક્ટોબર સુધી ઉમેદવારો પોતાનું નામાંકન પાછું ખેંચી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આજે જેણે જેણે નામાંકન આપ્યું છે એમાંથી છેલ્લે સુધી કોણ કોણ ટકી રહેશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં