Thursday, September 12, 2024
More
    હોમપેજદેશઆઝાદી બાદ પહેલીવાર કોઇ BJP ઉમેદવાર બિનહરીફ સાંસદ બન્યા તો વિરોધીઓએ ગણાવી...

    આઝાદી બાદ પહેલીવાર કોઇ BJP ઉમેદવાર બિનહરીફ સાંસદ બન્યા તો વિરોધીઓએ ગણાવી લોકશાહીની હત્યા: ચાલો જાણીએ દેશમાં ક્યારે, કેટલા અને કોણ બન્યા બિનહરીફ સાંસદ

    ઉલ્લેખનીય છે કે સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર બિનહરીફ જીતી ગયા બાદ જે લોકોના પેટમાં તેલ રેડાયું, તે લોકો કદાચ એ ભૂલી ગયા છે કે આ કોઈ પ્રથમ જીત નથી જેમાં કોઈ ઉમેદવાર બિનહરીફ જીત્યો હોય. હા ભાજપ માટે ચોક્કસ આ ઐતિહાસિક ક્ષણ છે, કારણકે તેમના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે.

    - Advertisement -

    આગામી લોકસભા ચૂંટણીને લઈને સુરત બેઠક પરથી ભાજપે ઈતિહાસ રચીને વિજય યાત્રા શરૂ કરી છે. ઈતિહાસ એટલા માટે, કે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમવાર કોઈ લોકસભા બેઠક બિનહરીફ જીતી છે. કોંગ્રેસી ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ ભાજપ સિવાયના તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની જીત થઈ હતી. જોકે કોંગ્રેસ અને કેટલાક વિરોધીઓને આ જીત હજમ નથી થઈ અને તેમણે સોશિયલ મીડિયામાં ‘તાનાશાહી’ના રોદણા રડવાનું શરૂ કરી દીધું છે.

    કોંગ્રેસ ફોર ઇન્ડિયા નામના X હેન્ડલ પર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં એક વિદેશી ફિલ્મની ક્લિપ મુકવામાં આવી છે. આ ક્લિપમાં એક રેસનો સીન છે જેમાં એક વ્યક્તિ પોતાના વિરોધીઓને ગોળીઓ મારીને અટકાવી દે છે અને પોતે જીત નોંધાવે છે. આ વિડીયોના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, “2 નોમિનેશન રદ્દ, 8 ઉમેદવારોએ દાવેદારી પરત ખેંચી, ભાજપના સુરતના ઉમેદવાર બિનહરીફ જીત્યા. આ વિડીયો ગુજરાત મોડેલ પર વાયરલ થઈ રહ્યો છે.”

    કોંગ્રેસી નેતા જયરામ રમેશે પણ ભાજપની આ જીત સામે વાંધો ઉઠાવીને તેને ‘લોકતંત્ર ખતરામાં છે’ તેમ રોકકળ કરી મૂકી હતી. તેમણે પણ X પર એક લાંબીલચક પોસ્ટ કરીને લખ્યું કે, “લોકતંત્ર ખતરામાં છે, આપ ક્રોનોલોજી સમજો- સુરત જિલ્લાના ઈલેકશન ઓફિસરે હસ્તાક્ષરમાં વિસંગતતા કહીને કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કર્યું, કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર વગર રહી ગઈ. ભાજપના ઉમેદવાર સિવાય અન્ય તમામે ફોર્મ પરત લઈ લીધું. 7 મે 2024ના રોજ મતદાન થાય તે પહેલા જ ભાજપ ઉમેદવારને બિનહરીફ ઘોષિત કરી દીધા.”

    - Advertisement -

    તેમણે આગળ લખ્યું છે કે, “મોદીના ન્યાયકાળમાં MSMEના માલિકો અને વ્યવસાયીઓના ક્રોધ અને સંકટે ભાજપને એ હદે ડરાવી દીધા છે કે તેઓ સુરત લોકસભામાં મેચ ફિક્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેને તેઓ 1984થી સતત જીતી રહ્યા છે. આપણી ચૂંટણીઓ, આપણું લોકતંત્ર, બાબાસાહેબ આંબેડકરનું સંવિધાન તમામ ખતરામાં છે. આ આપણા જીવનકાળની સહુથી મહત્વપૂર્ણ ચૂંટણી છે.”

    કોંગ્રેસ સિવાય પણ અનેક લોકોને ભાજપની આ જીત ખૂંચવા લાગી હોય તેમ તેમની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ફેક ન્યુઝ ફેલાવવા કુખ્યાત એવા ALT ન્યુઝના સહ સંસ્થાપક મહોમ્મદ ઝુબૈરે પણ X પર પોસ્ટ લખીને ભાજપની સુરત બેઠકની જીત લઈને કહ્યું હતું કે, “એવું લાગી રહ્યું છે કે આ ગુજરાત મોડેલ ટૂંક સમયમાં આખા દેશમાં લાગુ પડી જશે.” આટલું લખીને તેણે પણ લાંબીલચક પોસ્ટ લખી હતી.

    બિનહરીફ જીત મેળવનારની સૂચીમાં ભાજપ ક્યાંય પાછળ

    ઉલ્લેખનીય છે કે સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર બિનહરીફ જીતી ગયા બાદ જે લોકોના પેટમાં તેલ રેડાયું, તે લોકો કદાચ એ ભૂલી ગયા છે કે આ કોઈ પ્રથમ જીત નથી જેમાં કોઈ ઉમેદવાર બિનહરીફ જીત્યો હોય. હા ભાજપ માટે ચોક્કસ આ ઐતિહાસિક ક્ષણ છે, કારણકે તેમના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે. પણ કોંગ્રેસ માટે આ કોઈ નવાઈની વાત તો ન જ હોવી જોઈએ. કદાચ કોંગ્રેસી નેતાઓ તે ભૂલી રહ્યા છે કે જે સમયે પંડિત જવાહરલાલ નહેરુ દેશના વડાપ્રધાન હતા, તે સમયે 1951ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં 10 ઉમેદવારો બિનહરીફ જીત્યા હતા. આટલું જ નહીં, 1957ની બીજી લોકસભામાં પણ 11 ઉમેદવારો બિનહરીફ જીત્યા હતા.

    જોકે આ સૂચી અહીં જ પૂરી નથી થતી. વર્ષ 1963માં કોંગ્રેસ નેતા યશવંતરાવ ચૌહાણ બિનહરીફ જીત્યા હતા. કોંગ્રેસ નેતા પીએમ સઈદ 1971માં બિનહરીફ જીત્યા હતા. કોંગ્રેસ નેતા પ્રેમલાબાઈ ચવ્હાણ 1973માં, ફારુક અબ્દુલ્લાહ 1980માં બિનહરીફ જીત્યા તેમજ દિલ કુમારી ભંડારી 1985માં બિનહરીફ જીત્યા હતા. તાજેતરના વર્ષની વાત કરીએ તો સમાજવાદી પાર્ટીના નેતા અને અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ વર્ષ 2012માં બિનહરીફ ચૂંટણી જીત્યા હતા.

    જોકે તે સમયે કોઈ સંવિધાન કે લોકતંત્ર ખતરામાં નહોતું આવ્યું કે તાનાશાહીની રોકકળ પણ નહોતી થઈ. પણ ભારતીય જનતા પાર્ટી અસ્તિત્વમાં આવી ત્યારથી પ્રથમવાર કોઈ બેઠક પર બિનહરીફ જીતી તો વિરોધીઓએ રોકકળ શરૂ કરી દીધી છે. ચૂંટણીઓમાં બિનહરીફ જીતવું તે આમ તો સામાન્ય વાત છે, પરંતુ લોકસભા ચૂંટણીઓમાં તેનું મહત્વ વધી જાય છે. ભૂતકાળમાં બિનહરીફ જીતેલા નેતાઓની સૂચિમાં મુકેશ દલાલની જીતે ભાજપને સ્થાન અપાવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં