Wednesday, May 8, 2024
More
    હોમપેજરાજકારણસામી ચૂંટણીએ ‘આફતમાં અવસર’ શોધી રહી છે કોંગ્રેસ, પણ સત્તા હતી ત્યારે...

    સામી ચૂંટણીએ ‘આફતમાં અવસર’ શોધી રહી છે કોંગ્રેસ, પણ સત્તા હતી ત્યારે પોતે જ ફગાવી હતી સ્વામિનાથન કમિશનની MSP ફોર્મ્યુલા

    કોંગ્રેસ ભલે હમણાં સત્તા મેળવવા માટે MSPના વાયદા કરી રહી હોય પરંતુ હકીકત એ છે કે, UPA સરકારે 2007માં એમએસ સ્વામિનાથન કમિશનના MSP ફોર્મુલાને તેવું કહીને ફગાવી દીધો હતો કે, તેનાથી અર્થવ્યવસ્થા પડી ભાંગશે અને બજાર પર વિપરીત અસર થશે.

    - Advertisement -

    પંજાબના ખેડૂત સંગઠનો ફરી એકવાર આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે. દિલ્હીની સરહદો પર ભારે સુરક્ષા દળ ખડકી દેવામાં આવ્યું છે. સાથે હરિયાણા સરકાર પણ આ મામલે સતર્ક છે. ઘણા જિલ્લાઓમાં હાલ પણ કલમ 144 લાગુ કરવામાં આવી છે. ખેડૂત સંગઠનો MSP પર સ્વામિનાથન કમિશનનો રિપોર્ટ લાગુ કરવા માટેની માંગ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને MSPની કાયદાકીય ગેરંટી અંગેની તમામ ગૂંચવણો સમજાવી રહી છે, જ્યારે બીજી તરફ તકનો લાભ લઈને કોંગ્રેસે ખેડૂતોને વાયદો કર્યો છે કે જો તેમની સરકાર બનશે તો તેનો અમલ કરવામાં આવશે. મજાની વાત એ છે કે આ કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે સ્વામિનાથન કમિટીની MSP વિશેની ભલામણો ફગાવી દીધી હતી.

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે (13 ફેબ્રુઆરી) છત્તીસગઢમાં એલાન કર્યું છે કે, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો MSP પર પાક ખરીદી કાયદો લાગુ કરશે. તેમણે 13 ફેબ્રુઆરીએ X પર એક પોસ્ટ કરીને લખ્યું કે, “આજે ખેડૂત ભાઈઓ માટે ઐતહાસિક દિવસ છે અને કોંગ્રેસે દરેક ખેડૂતને પાક પર સ્વામિનાથન કમિશન અનુસાર MSPની કાયદાકીય ગેરેન્ટી આપવાનો નિર્ણય લીધો છે.”

    કોંગ્રેસ ભલે હમણાં સત્તા મેળવવા માટે MSPના વાયદા કરી રહી હોય પરંતુ હકીકત એ છે કે, કોંગ્રેસના નેતૃત્વવાળી UPA સરકારે 2007માં એમએસ સ્વામિનાથન કમિશનના MSP ફોર્મ્યુલાને તેવું કહીને ફગાવી દીધી હતી કે, તેનાથી અર્થવ્યવસ્થા પર વિપરીત અસરો પડશે અને બજાર પણ ખરાબ થશે.

    - Advertisement -

    સ્વામિનાથન સમિતિએ 2004-6ની વચ્ચે ઘણા અહેવાલો દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર તેમની ભલામણો રજૂ કરી હતી. તે સમયે કોંગ્રેસની આગેવાની હેઠળની UPA સરકારે કાઉન્ટર પ્રોડક્ટિવિટીને ટાંકીને તે ભલામણોને ફગાવી દીધી હતી. આ સંદર્ભે UPA સરકારે 2010માં સંસદમાં લેખિત જવાબ પણ આપ્યો હતો. હવે એ જ કોંગ્રેસે ખેડૂતોને MSP લાગુ કરવાનો વાયદો કર્યો છે.

    શું હતી સ્વામિનાથન કમિશનની ભલામણો?

    ડૉ. સ્વામિનાથનની આગેવાની હેઠળના રાષ્ટ્રીય કિસાન આયોગે (NCF) ભલામણ કરી હતી કે, લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ઉત્પાદનના વેટેડ સરેરાશ ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50 ટકા વધુ હોવા જોઈએ. કમિશનની ભલામણ મુજબ, લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ને સરેરાશ કિંમત કરતાં 50 ટકા વધુ રાખવાની વાત કરવામાં આવી હતી જેથી નાના ખેડૂતોને પાકનું યોગ્ય વળતર મળી શકે. ખેડૂતોના પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ માત્ર થોડા પાક પૂરતા મર્યાદિત ન હોવા જોઈએ. ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ ઓછા ભાવે મળવા જોઈએ. જોકે, જ્યારે તત્કાલીન UPA સરકાર દ્વારા ખેડૂતો માટેની રાષ્ટ્રીય નીતિ 2007ને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું, ત્યારે આ ભલામણનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. નોંધવું જોઈએ કે, આ ભલામણ વિરોધ કરી રહેલા ખેડૂતોની માંગ છે, જેઓ હવે MSPની ખાતરી આપતો કાયદો પણ ઈચ્છે છે.

    શું જવાબ આપ્યો હતો તત્કાલીન કોંગ્રેસ સરકારે?

    વર્ષ 2010માં જ્યારે ભાજપના રાજ્યસભા સાંસદ પ્રકાશ જાવડેકરે તત્કાલીન સરકારને સંસદમાં પૂછ્યું હતું કે, શું સ્વામિનાથન કમિશનનો રિપોર્ટ લાગુ કરવામાં આવશે? તેના પર તત્કાલીન સરકારના કૃષિ રાજ્યમંત્રી કેવી થૉમસે 2010માં સંસદમાં એક લેખિત જવાબમાં કહ્યું હતું કે, “પ્રોફેસર એમએસ સ્વામિનાથનની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કિસાન આયોગે ભલામણ કરી છે કે, લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ઉત્પાદનના વેટેડ સરેરાશ ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50 ટકા વધુ હોવા જોઈએ.”

    જવાબમાં વધુમાં લખ્યું હતું કે, “આ ભલામણને સરકારે સ્વીકાર કરી નથી. કારણ કે કૃષિ ખર્ચ અને કિંમતો માટેના કમિશન (CACP) દ્વારા ઉદ્દેશ્ય માપદંડોના આધારે અને વિવિધ સંબંધિત પરિબળોને ધ્યાનમાં રાખીને જ MSPની ભલામણ કરવામાં આવે છે. તેથી, કિંમત પર 50 ટકાનો લઘુત્તમ વધારો નક્કી કરવાથી બજારને અસર થઈ શકે છે. MSP અને ઉત્પાદન ખર્ચ વચ્ચેનો સંબંધ કેટલાક કિસ્સાઓમાં પ્રતિકૂળ હોઈ શકે છે.”

    ઉલ્લેખનીય છે કે, તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા સ્વામિનાથન કમિશનની ભલામણોને ફગાવી દેવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, તેનાથી બજાર પર પ્રતિકૂળ અસર પડશે અને દેશની અર્થવ્યવસ્થા પણ ભાંગી પડશે. જ્યારે હવે કોંગ્રેસ ખેડૂતોને MSPના વાયદા કરી રહી છે.

    ઉલ્લેખનીય છે કે દેશમાં ફરીથી એક વખત ખેડૂતોના આંદોલને જોર પકડ્યું છે. તે પણ એવા સમયે જ્યારે લોકસભા ચૂંટણીને 1-2 મહિના જ બાકી રહ્યા છે. ખેડૂતો MSPની ગેરેન્ટીથી માંડીને અન્ય કેટલાક મુદ્દાઓને લઈને ફરી રસ્તા પર ઉતર્યા છે અને દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. બીજી તરફ સરકાર પણ તેમની સાથે વાતચીત કરીને સમાધાન લાવવા માટે પ્રયાસ કરી રહી છે. દર વખતની જેમ આ વખતે પણ કોંગ્રેસે તકનો લાભ લઈને આંદોલનને વેગ આપવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. જોકે, આ વખતે તેઓ વધુ સફળ થતા જણાય રહ્યા નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં