કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી નિષ્કાસિત કરી દીધા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અનુશાસનહીનતા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું પાર્ટીએ કહ્યું છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણમ તાજેતરમાં જ વડાપ્રધાન મોદીને કલ્કિ ધામના શિલાન્યાસ માટે આમંત્રણ આપવા માટે પહોંચ્યા હતા. તે સિવાય તેઓ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં પણ સહભાગી થયા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમણે વડાપ્રધાનની પ્રશંસા કરતાં નિવેદનો પણ આપ્યાં હતાં.
In view of the complaints of indiscipline and repeated statements against the party, the Congress President has approved the proposal of the Uttar Pradesh Congress Committee to expel Pramod Krishnam from the party for six years with immediate effect. pic.twitter.com/6oRb4ezKRB
— ANI (@ANI) February 10, 2024
કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી નિષ્કાસિત કરી દીધા છે. કોંગ્રેસ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, પાર્ટી વિરોધી નિવેદનો અને અનુશાસનહીનતાની ફરિયાદો બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. કોંગ્રેસે આ બાબબે એક પ્રેસનોટ પણ જારી કરી છે. પ્રેસનોટમાં કહેવાયું છે કે, ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીએ પ્રમોદ કૃષ્ણમને પાર્ટીમાંથી નિષ્કાસિત કરવા માટે પ્રસ્તાવ આપ્યો હતો. જે બાદ કોંગ્રેસ અધ્યક્ષે પ્રમોદ કૃષ્ણમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી દૂર કરવાનો નિર્ણય લેવાયો. નોંધનીય છે કે, પ્રમોદ કૃષ્ણમે છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ અને I.N.D.I ગઠબંધન પર સવાલો ઉઠાવ્યા હતા. એ ઉપરાંત તેમણે વડાપ્રધાન મોદીની ભરપૂર પ્રશંસા પણ કરી હતી.
તાજેતરમાં કરી હતી વડાપ્રધાન મોદી સાથે મુલાકાત
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આચાર્ય પ્રમોદ કૃષ્ણમે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. જે બાદ વિવિધ પ્રકારની અટકળો પણ વહેતી થઈ હતી. જયારે પ્રમોદ કૃષ્ણમે કહ્યું હતું હતું કે, તેઓ વડાપ્રધાનને કલ્કિ ધામના શિલાન્યાસ માટે આમંત્રણ આપવા ગયા હતા. નોંધવું જોઈએ કે તેઓ કલ્કિધામના પીઠાધીશ્વર છે. તેમણે વડાપ્રધાન મોદીની ભરપૂર પ્રશંસા પણ કરી હતી. સાથે-સાથે તેમણે રાહુલ ગાંધી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ છેલ્લા 1 વર્ષથી રાહુલ ગાંધીને મળવા માટે સમય માંગી રહ્યા છે પણ મળી રહ્યો નથી. જ્યારે PMO પર વાત કર્યાના ચાર દિવસ બાદ જ વડાપ્રધાને મળવા માટે સમય પણ આપી દીધો હતો.
સાથે જ તેમણે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાન સાથે મુલાકાત દરમિયાન તેમણે એવું અનુભવ્યું કે, તેમના (વડાપ્રધાન) પર કોઈ દૈવીય કૃપા છે. આ પહેલાં પણ આચાર્ય પ્રમોદ અનેકવાર કોંગ્રેસની નિંદા કરી ચૂક્યા છે. તેમણે રામ મંદિરને લઈને ઘણીવાર કોંગ્રેસ પાર્ટી પર સવાલો ઉઠાવ્યા હતા.
રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં રહ્યા હતા હાજર
આચાર્ય પ્રમોદ કૃષણમ રામ મંદિર અયોધ્યામાં યોજાયેલા ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ પણ થયા હતા. એ પહેલાં તેમણે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં નહીં જવાના કોંગ્રેસ હાઇકમાન્ડના નિર્ણયની પણ ટીકા કરી હતી. એ સિવાય તેમણે અનેક નિવેદનો પણ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓ એવા છે, જેમને હિંદુ શબ્દથી જ નફરત છે. તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે, કોંગ્રેસી નેતાઓને રામ મંદિર જ નહીં પરંતુ ભગવાન રામ પર પણ નફરત છે. આ સિવાય તેમણે રામ મંદિરને લઈને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો પણ કર્યા હતા. સાથે વડાપ્રધાનને રામ મંદિર નિર્માણ માટે શ્રેય પણ આપ્યો હતો.