Monday, April 29, 2024
More
    હોમપેજદેશરાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા'માં પ્રથમ ગ્રાસે મક્ષિકા: મણિપુર સરકારે મંજૂરી...

    રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં પ્રથમ ગ્રાસે મક્ષિકા: મણિપુર સરકારે મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, હવે બીજા વિકલ્પો વિચારી રહી છે કોંગ્રેસ

    આ યાત્રા મણિપુરના ઇમ્ફાલ પૂર્વીય જિલ્લાના હટ્ટા કાંગજેઈબુંગથી શરૂ કરવામાં આવવાની હતી. પરંતુ મણિપુર સરકારના નિર્ણયે કોંગ્રેસને આ પ્લાન બદલવા પર મજબૂર કરી દીધી છે.

    - Advertisement -

    2024ની લોકસભા ચૂંટણીને લઈને હવે દેશની તમામ રાષ્ટ્રીય તથા પ્રાદેશિક પાર્ટીઓની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ પણ લોકસભાને લઈને તૈયારી તેજ કરવામાં વ્યસ્ત થઈ ગઈ છે. રાહુલ ગાંધી પણ 14 જાન્યુઆરીના રોજથી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કાઢવાના હતા. આ યાત્રાની શરૂઆત 14 જાન્યુઆરીએ મણિપુરથી કરવામાં આવવાની હતી. પરંતુ કોંગ્રેસની આ યાત્રા શરૂ થયા પહેલાં જ મુસીબતમાં મુકાઈ ગઈ છે. જાણવા મળી રહ્યું છે કે, મણિપુર સરકારે આ યાત્રાને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. આમ છતાં કોંગ્રેસ મણિપુરથી જ યાત્રા શરૂ કરવાની ઈચ્છા રાખે છે. જેને લઈને તે પોતાનું ખાનગી આયોજન સ્થળ પણ બનાવી શકે છે.

    બુધવારે (10 જાન્યુઆરી) મણિપુર સરકારે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. આ યાત્રા મણિપુરના ઇમ્ફાલ પૂર્વીય જિલ્લાના હટ્ટા કાંગજેઈબુંગથી શરૂ કરવામાં આવવાની હતી. પરંતુ મણિપુર સરકારના નિર્ણયે કોંગ્રેસને આ પ્લાન બદલવા પર મજબૂર કરી દીધી છે. મણિપુર કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અને વરિષ્ઠ કોંગ્રેસ ધારાસભ્ય મેઘચંદ્ર પોતાની ટીમ સાથે બુધવારે (10 જાન્યુઆરી) સવારે મુખ્યમંત્રી એન. બિરેન સિંઘના કાર્યાલય પર પહોંચ્યા હતા. તેમણે પરત ફરીને જાણ કરી હતી કે, મુખ્યમંત્રીએ તેમને સૂચિત કર્યા છે કે આ મંજૂરી તે આપી શકશે નહીં. રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ટાંકીને રાજ્ય સરકારે મંજૂરી આપી નથી.

    મેઘચંદ્રે મણિપુર સરકારના આ નિર્ણયને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, હવે આ કાર્યક્રમ સ્થળને બદલવામાં આવશે અને થોબલ જિલ્લાના ખોંગજોમમાં એક ખાનગી સ્થળે આ કાર્યક્રમ રાખવામાં આવશે. તેમણે જણાવ્યું છે કે, અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC)ના નેતૃત્વમાં પાર્ટી એક ખાનગી સ્થળ પર આ કાર્યક્રમની શરૂઆત કરશે.

    - Advertisement -

    સુરક્ષા એજન્સીઓના રિપોર્ટના આધારે લેવાયો નિર્ણય

    ઉલ્લેખનીય છે કે, આ પહેલાં મંગળવારે (9 જાન્યુઆરી) મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંઘે કહ્યું હતું કે, કોંગ્રેસની યાત્રાને મંજૂરી આપવા પર સક્રિય વિચાર ચાલી રહ્યા છે અને સુરક્ષા એજન્સીઓ તરફથી રિપોર્ટ મળ્યા બાદ જ આ વિષે કોઈ નિર્ણય લેવામાં આવશે. સાથે તેમણે એવું પણ જણાવ્યું હતું કે, મણિપુરમાં હાલમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. રાહુલ ગાંધીની રેલીને મંજૂરી આપવાના વિષય પર ગહનતાથી વિચાર કરવામાં આવી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓ પાસેથી રિપોર્ટ મળ્યા બાદ કોઈ નિર્ણય લઈ શકશે. જ્યારે હવે મણિપુર સુરક્ષા એજન્સીઓના રિપોર્ટની સાથે મણિપુર સરકારનો નિર્ણય આવી ચૂક્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં