દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. બે તબક્કાનું મતદાન પણ પૂર્ણ થઈ ગયું છે. દરેક રાજકીય પક્ષના નેતાઓ પુરજોશમાં પ્રચારમાં લાગ્યા છે. તેવામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે. તે જ ક્રમમાં તેમણે સભાને સંબોધતા એક વિવાદિત નિવેદન આપી દીધું હતું. તેમણે રાજા-મહારાજાઓ પર ટિપ્પણી કરી હતી. જેને લઈને હવે તેઓ વિવાદમાં ઘેરાયા છે. જ્યારે હવે તેમના આ નિવેદન પર સીઆર પાટીલ પણ મેદાને આવ્યા છે. પાટીલે કહ્યું છે કે, રાજા-મહારાજાઓ પર ટિપ્પણી કરીને કોંગ્રેસે તેની ખરી માનસિકતા છતી કરી છે.
રાજા-મહારાજાઓ પર રાહુલ ગાંધીએ ટિપ્પણી કર્યા બાદ હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. પાટીલ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધીનું નિવેદન બતાવે છે કે, કોંગ્રેસની મથરાવટી મેલી છે. રાજા-મહારાજાઓ પર આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસે ખરા અર્થમાં લોકોની સામે પોતાની માનસિકતા ઉજાગર કરી છે.” તેમણે વધુમાં કહ્યું કે, “રાજા-મહારાજાઓને પણ તેમના શાસનમાં જે અનુભવ થયા છે, તેનાથી તે લોકો કોંગ્રેસથી દૂર થયા છે.”
રાહુલ ગાંધીના નિવેદન બાદ ગરમાયું રાજકારણ
— Gujarat First (@GujaratFirst) April 28, 2024
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કર્યા પ્રહાર
રાહુલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ: સી.આર. પાટીલ
કોંગ્રેસની માનસિકતા લોકો સમક્ષ થઈ ઉજાગર: સી. આર.પાટીલ@CRPaatil @BJP4Gujarat @sanghaviharsh @CMOGuj @BJP4India @PMOIndia @HMOIndia #CRPatil… pic.twitter.com/u6rD1EUCGd
તે સિવાય તેમણે કોંગ્રેસ પર પણ શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “આ સિવાય પણ કોંગ્રેસના જે નિવેદનો હતાં કે, અમે એક-એક વ્યક્તિની સંપત્તિનો સરવે કરાવીશું, સરવેમાં જે સંપત્તિ મળશે તે પૈસા અમે લોકોમાં વહેંચી દઈશું. કોઈ વ્યક્તિ પોતે મહેનત કરે છે, બચત કરે છે અને એ બચત કોંગ્રેસ બિનધિકૃત લોકોને આપી દેવાની વાત કરે છે. મુસ્લિમો અને ઘૂસણખોરોને આપી દેવાની વાત કરે છે. એ સાંખી લેવામાં આવશે નહીં. રાજા-મહારાજાઓ માટે પણ રાહુલે કહ્યું છે કે, જમીન લઈ લીધી, તે કામ તો કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે.”
શું હતું રાહુલ ગાંધીનું નિવેદન?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે (26 એપ્રિલ, 2024) કર્ણાટકના બેલ્લારીમાં એક જાહેર સભાને સંબોધિત કરીને રાજા-મહારાજાઓ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, “દેશની જનતાને બંધારણ અધિકાર આપે છે, અનામત આપે છે. બંધારણ પહેલાં આ દેશમાં ગરીબોના, પછાત વર્ગના, દલિતોના અને આદિવાસીઓના કોઇ અધિકાર ન હતા. રાજાઓ-મહારાજાઓનું રાજ હતું, જે તેઓ ઈચ્છતા હતા તે કરતા હતા. કોઈની જમીન જોઈતી હોય તો ઉઠાવીને લઇ જતા હતા.”
આગળ તેમણે કહ્યું કે, “કોંગ્રેસ પાર્ટી અને અમારા કાર્યકર્તાઓએ દેશની જનતા સાથે મળીને આઝાદી પ્રાપ્ત કરી, લોકશાહી લાવ્યા અને બંધારણ દેશને અપાવ્યું….અને આ લોકો વિચારે છે કે બંધારણ હટાવી શકાય તેમ છે. હું દેશની ગરીબ જનતાને કહેવા માંગું છું, દલિતોને, આદિવાસીઓને, પછાત વર્ગને, લઘુમતીઓને….કે એવી કોઇ શક્તિ દુનિયામાં નથી, જે ભારતના બંધારણને નષ્ટ કરી શકે છે.”