દિલ્હીના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટી નેતા સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી શકે છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટીગેશન-CBIએ તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ ચલાવવા માટે દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેના પાસે મંજૂરી માંગી છે. આ કેસ 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરના આરોપોના આધારે નોંધવામાં આવશે.
ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન પર આરોપ છે કે તેમણે જેલમાં બંધ અમુક કેદીઓ પાસેથી ખંડણી ઉઘરાવી હતી, જેમાં સુકેશ ચંદ્રશેખર પણ સામેલ છે, જે હાલ સેંકડો કરોડની છેતરપિંડીના કેસમાં જેલમાં બંધ છે. CBIએ આ ઉપરાંત, તત્કાલીન તિહાડ જેલ સુપ્રિટેન્ડેન્ટ અને IAS અધિકારી રાજ કુમાર વિરુદ્ધ પણ આ જ પ્રકારનો કેસ ચલાવવાની પરવાનગી માંગી છે. જાણવા મળ્યા અનુસાર, એજન્સી પ્રિવેન્શન ઑફ કરપ્શન એક્ટ હેઠળ આ તપાસ ચલાવશે.
Delhi LG Office receives the request from CBI to probe extortion charges against former Delhi minister Satyendar Jain. The former minister allegedly took protection money from various prisoners, including money laundering accused Sukesh Chandrashekhar. CBI has also sought the…
— ANI (@ANI) November 13, 2023
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં LG હાઉસના અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે, સુકેશ ચંદ્રશેખરે દાખલ કરેલી ફરિયાદ પર તપાસ કરવા માટે ઉપરાજ્યપાલની મંજૂરી માંગવામાં આવી છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો કે, સત્યેન્દ્ર જૈનના દોરીસંચાર હેઠળ વસૂલી રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું, જે હેઠળ દિલ્હીની વિવિધ જેલમાં બંધ સુકેશ સહિતના હાઈપ્રોફાઈલ કેદીઓ પાસેથી ‘પ્રોટેક્શન મની’ ઉઘરાવવામાં આવી રહી હતી. આ પૈસા બદલ કેદીઓને જેલમાં સુખ-સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી હતી.
સુકેશે પત્રમાં જણાવ્યું હતું કે, તે 2017થી 2022 સુધી દિલ્હીની તિહાડ, રોહિણી અને મંડોલી જેલમાં કાચા કામના કેદી તરીકે રહ્યો હતો અને આ સમય દરમિયાન તત્કાલીન દિલ્હીના ગૃહ મંત્રી અને જેલનો કારભાર જોતા AAP નેતા સત્યેન્દ્ર જૈન દ્વારા ‘હાઈલેવલ ભ્રષ્ટાચાર અને વસૂલી રેકેટ’ ચલાવવામાં આવ્યું હતું. ફરિયાદમાં તત્કાલીન ડાયરેક્ટર જનરલ અને એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેઓ પણ આ સિન્ડિકેટનો ભાગ હોવાનો આરોપ લગાવ્યો છે.
સુકેશે દાવો કર્યો હતો કે, તેણે 2018થી 2021 સુધીના સમયગાળા દરમિયાન સત્યેન્દ્ર જૈનને ₹10 કરોડ પહોંચાડ્યા હતા. આ સિવાય IAS અધિકારી કુમાર પર પણ 2019-2022 દરમિયાન ₹12.5 કરોડ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે સત્યેન્દ્ર જૈન હાલ જામીન પર બહાર છે. સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા છે. 24 નવેમ્બર સુધી તેમના જામીન લંબાવવામાં આવ્યા હતા.