Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણલોકસભા ચૂંટણી માટે આવી ગઈ ભાજપની પહેલી યાદી, PM મોદી, ગૃહમંત્રી શાહથી...

    લોકસભા ચૂંટણી માટે આવી ગઈ ભાજપની પહેલી યાદી, PM મોદી, ગૃહમંત્રી શાહથી લઈને અનેક દિગ્ગજોનાં નામ: કુલ 195, ગુજરાતના 15 ઉમેદવારો જાહેર

    લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ માર્ચના પહેલા સપ્તાહમાં ચૂંટણી પંચ તારીખોનું અધિકારિક એલાન કરે તેવી ગણતરી છે. મોદી સરકારનો કાર્યકાળ 30 મેના રોજ પૂર્ણ થઈ રહ્યો છે, જેથી તે પહેલાં સામાન્ય ચૂંટણીઓ યોજવી જરૂરી છે. 

    - Advertisement -

    આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં કુલ 195 બેઠકો પર ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની પણ 15 બેઠકો આ યાદીમાં સામેલ છે. ભારતીય જનતા પાર્ટીએ શનિવારે (2 માર્ચ, 2024) એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધીને આ બાબતની જાણકારી આપી હતી.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. જે બાબતની પુષ્ટિ ભાજપે અધિકારિક રીતે કરી દીધી છે. પ્રેસ કૉન્ફરન્સમાં જણાવવામાં આવ્યું કે, પ્રથમ યાદીમાં કેબિનેટ અને રાજ્યકક્ષાના મળીને કુલ 34 કેન્દ્રીય મંત્રીઓનાં નામો પણ સામેલ છે. એક લોકસભા અધ્યક્ષનું નામ જ્યારે 2 પૂર્વ મુખ્યમંત્રીઓનાં નામો જાહેર થયાં છે. પહેલી યાદીમાં 28 મહિલા ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે.

    ગુજરાતમાં 15 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ગાંધીનગરથી ગૃહમંત્રી અમિત શાહ તો નવસારીથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ચૂંટણી લડશે. જામનગરથી પૂનમ માડમને જ્યારે ભરૂચ બેઠક પરથી મનસુખ વસાવાને રીપીટ કરવામાં આવ્યા છે. ખેડા બેઠક પર દેવસિંહ ચૌહાણ, જ્યારે બારડોલીથી પ્રભુ વસાવા રિપીટ થશે. બે કેન્દ્રીય મંત્રીઓ પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા પણ લોકસભા ચૂંટણી લડશે.

    - Advertisement -

    ગુજરાતની 15 બેઠકો પર જાહેર થયા આ ઉમેદવારો

    1. કચ્છ- વિનોદ ચાવડા 
    2. બનાસકાંઠા- ડૉ. રેખા ચૌધરી 
    3. પાટણ- ભરતસિંહ ડાભી 
    4. ગાંધીનગર- અમિત શાહ 
    5. અમદાવાદ પશ્ચિમ- દિનેશ મકવાણા 
    6. રાજકોટ- પુરુષોત્તમ રૂપાલા 
    7. પોરબંદર- મનસુખ માંડવિયા 
    8. જામનગર- પૂનમબેન માડમ
    9. આણંદ- મિતેષભાઈ પટેલ 
    10. ખેડા- દેવુસિંહ ચૌહાણ 
    11. પંચમહાલ- રાજપાલસિંહ જાદવ 
    12. દાહોદ- જસવંતસિંહ ભાંભોર 
    13. ભરૂચ- મનસુખભાઈ વસાવા 
    14. બારડોલી- પ્રભુભાઈ વસાવા 
    15. નવસારી- સીઆર પાટીલ 

    ગુજરાતમાં 10 બેઠકો પર સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીની 5 બેઠકો પર નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ પાંચ બેઠકોમાં બનાસકાંઠા, અમદાવાદ પશ્ચિમ, રાજકોટ, પોરબંદર અને પંચમહાલનો સમાવેશ થાય છે. જ્યારે 11 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત બાકી રાખવામાં આવી છે, જે આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાથી માંડીને સમિતિના અન્ય સભ્યો તેમજ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો. પ્રથમ બેઠકમાં 195 બેઠકો પર ઉમેદવારો નક્કી કરી દેવામાં આવ્યા હતા, જે યાદી જાહેર કરી દેવામાં આવી છે. બાકીની બેઠકો પર તબક્કાવાર જાહેરાતો કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં