દેશભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ગુજરાતમાં પણ ચૂંટણીને લઈને અનેક તૈયારીઓ ચાલી રહી છે. આગામી 7મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણીને લઈને ઉમેદવારી નોંધવવાનો છેલ્લા દિવસ 19 માર્ચ હતો. જેથી તમામ ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધાં હતાં. જ્યારે 20 એપ્રિલે ફોર્મ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન સુરતથી કોંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
20 એપ્રિલે સુરતમાં કોંગ્રેસના લોકસભા ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ અંગે ભાજપે વાંધો ઉઠાવ્યો છે. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું કે, ફોર્મ પર તેમની સહી નથી. જેના કારણે ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. તેથી કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. જોકે, કલેકટરે તેમને સાંજના 4 વાગ્યાનો સમય આપ્યો છે. આ દરમિયાન કોંગ્રેસે જવાબ આપવાનો રહેશે. જોકે, સહીને લઈને સ્પષ્ટ ભૂલ શું છે અને કયા કારણોસર સમસ્યા સર્જાઇ છે. તે વિશે જાણી શકાયું નથી.
ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીને એક પત્ર મોકલીને જણાવ્યું હતું કે, ભાજપ ઉમેદવારના એજન્ટે વાંધા અરજી દાખલ કર્યા બાદ તેમના ઉમેદવારીપત્રની દરખાસ્ત કરનાર ત્રણ એજન્ટોને પૂછવામાં આવતાં તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર રહીને જણાવ્યું હતું કે તેમણે કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ પર સહી કરી નથી. અધિકારીએ કોંગ્રેસ ઉમેદવારને 4 વાગ્યાનો સમય આપીને સ્થિતિ સ્પષ્ટ કરવા માટે જણાવ્યું હતું.
#Gujarat
— Dilip Singh Kshatriya (@Kshatriyadilip) April 20, 2024
The nomination form of Nilesh Kumbhani, the Congress candidate from Surat Loksabha, has been invalidated. Rajesh Palara, one of his supporters, clarified, stating, "I did not sign the form as a supporter of Nilesh!"@NewIndianXpress https://t.co/CmcDYWNwaO pic.twitter.com/d7EHOrcGMV
મનપાના વિરોધ પક્ષના નેતા ભૂપેન્દ્ર સોલંકીએ જણાવ્યું છે કે, “અમને કલેકટરે 4 વાગ્યે ફોર્મની ફરી ચકાસણી માટે બોલાવ્યા છે. ફરિયાદ શું છે? કોની ફરિયાદ છે? એ વિશેની કોઈ જાણ નથી. ટેકેદારોની ખોટી સહીઓ છે એવું કહે છે. અમે 4 વાગ્યે કલેકટર કચેરી જઈશું અમારા આગેવાનો પણ સાથે આવશે. અત્યારે સ્પષ્ટ કહી શકાય નહીં”
નોંધનીય છે કે, કોંગ્રેસે આ વખતે મૂળ સૌરાષ્ટ્રના અમરેલીના નિલેશ કુંભાણીને સુરતથી લોકસભા ચૂંટણી માટે મેદાને ઉતાર્યા છે. તેઓ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની ટિકિટ કાપવા માટે કોંગ્રેસમાં પણ ઘણા પ્રયાસો થયા હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે એ પણ નોંધવું જોઈએ કે, તેઓ પાટીદાર આંદોલન વખતે ઘણા સક્રિય રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કોઈક કારણોસર કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ કરી દેવામાં આવે તો ડમી ઉમેદવાર ચૂંટણી લડશે. પરંતુ નિલેશ કુંભાણી ચૂંટણી લડી શકશે નહીં, કારણ કે ફોર્મ જમા કરાવવાની તારીખ વીતી ચૂકી છે.