Sunday, October 13, 2024
More
    હોમપેજરાજકારણસુરત બેઠક પર ભાજપ ઉમેદવારની બિનહરીફ જીતને હાઈકોર્ટમાં પડકાર, કોંગ્રેસ કેન્ડિડેટનું ફોર્મ...

    સુરત બેઠક પર ભાજપ ઉમેદવારની બિનહરીફ જીતને હાઈકોર્ટમાં પડકાર, કોંગ્રેસ કેન્ડિડેટનું ફોર્મ રદ કરવાના નિર્ણય સામે પણ વાંધો: ચૂંટણી પંચે આપ્યો જવાબ

    સુરત લોકસભા મતવિસ્તારના ત્રણ મતદારોએ સુરત બેઠક પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતને હાઈકોર્ટમાં પડકારી છે. ઇલેક્શન પિટિશનમાં કહેવાયું છે કે, બિનહરીફ જીતની ઘટનાને લઈને મતદાતાઓના અધિકારોનું હનન થયું છે.

    - Advertisement -

    દેશમાં લોકસભા ચૂંટણી હજુ તો માંડ પૂર્ણ થઈ છે. 4 જૂન, 2024ના રોજ તેનું પરિણામ જાહેર થવાનું છે. તેવામાં હવે એવા સમાચાર સામે આવ્યા છે કે, સુરત લોકસભાને બિનહરીફ જાહેર કરવાનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. આ સાથે જ કોંગ્રેસ ઉમેદવાર નીલેશ કુંભાણીના ફોર્મને રદ કરવાના નિર્ણયને પણ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે. સુરત લોકસભા મતવિસ્તારના ત્રણ મતદારોએ ઇલેક્શન પિટિશન દાખલ કરીને ભાજપની બિનહરીફ જીતને હાઇકોર્ટમાં પડકારી છે. આ ત્રણેય મતદારોએ ગુજરાત હાઈકોર્ટમાં ઍપ્લિકેશન ફાઇલ કરી છે.

    લોકપ્રતિનિધિત્વ કલમોની જોગવાઈ હેઠળ સુરત લોકસભા મતવિસ્તારના ત્રણ મતદારોએ સુરત બેઠક પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતને હાઈકોર્ટમાં પડકારી છે. ઇલેક્શન પિટિશનમાં કહેવાયું છે કે, બિનહરીફ જીતની ઘટનાને લઈને મતદાતાઓના અધિકારોનું હનન થયું છે. આ સાથે અરજીમાં કોંગ્રેસ ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવાના નિર્ણય પર પણ અનેકો પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ અન્ય પણ મોટા ભાગના પક્ષોના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી, ત્યારબાદ ભાજપ ઉમેદવારને બિનહરીફ જીત મળી ગઈ હતી. હવે આ આખો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે.

    અરજદારોના વકીલ પંકજ ચાંપાનેરીએ આ મામલે વહેલીતકે સુનાવણી હાથ ધરવા માટે હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન ફાઇલ કરી છે. હાઈકોર્ટમાં અરજી દાખલ કર્યા બાદ હવે આ કેસમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં હાઈકોર્ટ દ્વારા આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. પરંતુ તે પહેલાં જ આ મામલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા (ECI)એ પણ જવાબ આપી દીધો છે.

    - Advertisement -

    મુકેશ દલાલ બિનહરીફ થવા મુદ્દે ચૂંટણી પંચનો જવાબ

    લોકસભા ચૂંટણીની મતગણતરીના બરાબર એક દિવસ પહેલાં (3 જૂન) ઇલેક્શન કમિશને દિલ્હીમાં પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે અનેક પ્રશ્નના જવાબ આપ્યા હતા. તેમણે વિપક્ષના પણ અનેક પ્રશ્નોના જવાબો આપ્યા હતા. દરમિયાન તેમને સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા તે અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનરે આ પ્રશ્નનો પણ જવાબ આપ્યો હતો.

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જવાબ આપતા કહ્યું કે, “અમારા પ્રયાસો એ રહ્યા છે કે, દરેક સીટ પર ચૂંટણી થવી જોઈએ. એટલે કે દરેક સીટ માટે મતદાન હોવું જોઈએ. ચૂંટણી લડીને જીતવામાં જે પ્રતિષ્ઠા છે તે બિનહરીફ ચૂંટાઈ આવવામાં નથી. જો નામાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવાર પોતે પોતાનું નામ પાછું ખેંચે તો તેમાં અમે શું કરી શકીએ? જ્યાં એક જ ઉમેદવાર હોય તો ત્યાં મતદાન કરાવવું સહેજ પણ યોગ્ય ન રહે. અમારી એન્ટ્રી ત્યારે જ શક્ય થાય જ્યારે કોઈ ઉમેદવાર પર દબાણ સર્જીને કે કોઈ અન્ય રીતે નામ પાછું ખેંચવા માટે મજબૂર કરવામાં આવ્યો હોય. એટલે સુરત મામલે આવું કઈ સામે આવ્યું નથી.”

    ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલના રોજ સુરત લોકસભા બેઠકને બિનહરીફ જાહેર કરી દેવામાં આવી હતી. સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની સામે કોઈ પ્રતિસ્પર્ધી ન હોવાથી તેમને વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા હતા. સુરત દેશની પ્રથમ બિનહરીફ લોકસભા બેઠક બની હતી. સાથે ભાજપે પણ ઇતિહાસ રચી દીધો હતો. જોકે, તે પહેલાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું હતું. તેમનું ફોર્મ રદ થયા બાદ એકાએક 8 અન્ય પાર્ટી અને અપક્ષના ઉમેદવારોએ પણ ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. જેને લઈને સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં