પોતાના નિવેદનોથી કાયમ વિવાદમાં રહેતા RJDના નેતા અને બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખર યાદવ ફરી એક વાર વિવાદમાં સપડાયા છે. આ વખતે બિહારના શિક્ષણમંત્રી ચંદ્રશેખરે ઇસ્લામના મોહમ્મદ પયગમ્બરને મર્યાદા પુરષોત્તમ કહ્યા છે. તેમણે કહ્યું હતું કે શેતાનોની સંખ્યા વધવાના કારણે પરમાત્માએ મોહમ્મદ પયગમ્બરને પેદા કર્યા. બીજી તરફ ચંદ્રશેખરના આ નિવેદનને ભાજપે તૃષ્ટિકરણ ગણાવ્યું છે.
‘રાષ્ટ્રીય જનતા દળ (RJD)’ના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી બિહારના નાલંદા જિલ્લાના હિલસા ખાતે જન્માષ્ટમી પર આયોજિત એક કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, “જયારે દુનિયામાં શેતાનિયત વધી ગઈ, ઈમાન ખત્મ થઇ ગયું, બેઈમાન અને શેતાન વધી ગયા ત્યારે મધ્ય એશિયાના વિસ્તારમાં ઈશ્વરે, પ્રભુએ, પરમાત્માએ મર્યાદા પુરષોત્તમ પયગમ્બર મોહમ્મદ સાહેબને પેદા કર્યા….ઈમાનવાળા લાવવા માટે. ઇસ્લામ ઈમાનવાળા લોકો માટે આવ્યો. ઇસ્લામ બેઈમાની અને શેતાનીના વિરુદ્ધમાં આવ્યો. પણ બેઈમાન પણ પોતાને મુસ્લિમ કહે તો તેની પરવાનગી ખુદા નથી આપતો.”
"मोहम्मद साहब मर्यादा पुरुषोत्तम थे"
— News24 (@news24tvchannel) September 9, 2023
◆ RJD के विधायक और बिहार के शिक्षा मंत्री प्रो. चंद्रशेखर का विवादित बयान
Chandrasekhar | #Chandrasekhar | #RJD pic.twitter.com/whSEMcKV10
બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે મોહમ્મદ પયગમ્બરને મર્યાદા પુરષોત્તમ કહેતાં ભારતીય જનતા પાર્ટી આકરા પાણીએ જોવા મળી રહી છે. બિહાર ભાજપના મીડિયા પ્રભારી દાનિશ ઇકબાલે આ મામલે કહ્યું હતું કે, ચંદ્રશેખરનું આ નિવેદન તુષ્ટિકરણની પરાકાષ્ઠા છે. શિક્ષણ મંત્રીએ આ પહેલાં પણ ધાર્મિક ગ્રંથને લઈને નિંદનીય નિવેદન આપ્યું હતું. હવે આ નિવેદન પણ સમાજમાં ભાગલા પાડનારું છે. RJDની આ જ પરંપરા રહી છે. આ પાર્ટી આ પ્રકારે જ સમાજના ભાગલા પાડીને ધર્મની રાજનીતિ કરતી આવી છે. ઇકબાલે તેમ પણ કહ્યું કે, “શિક્ષણ મંત્રીએ એક મઝહબની વોટ બેંકના તૃષ્ટિકરણ માટે આ પ્રકારનું નિવેદન આપ્યું છે. તેમણે આવાં નિવેદનો ન આપવાં જોઈએ. તમામ ધર્મ શાંતિના સંદેશ આપે છે, ભાજપ તમામ ધર્મોનું સન્માન કરે છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે આવા શિક્ષણ મંત્રી પર કાર્યવાહી કરવી જોઈએ.”
તો બીજી તરફ ભાજપ પ્રવક્તા અરવિંદ સિંહે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચંદ્રશેખર મગજના દોષનો શિકાર થઇ ગયા છે. RJD ન તો હિંદુઓની છે કે ન તો મુસ્લિમોની. આ પાર્ટી એક પરિવારની ગુલામ બનીને રહી ગઈ છે. આ લોકો ક્યારેક હિંદુઓ તો ક્યારેક મુસ્લિમો અને ક્યારેક રામાયણ તો ક્યારેક પયગમ્બર પર ટિપ્પણી કરતા આવ્યા છે. આમનું કામ લોકોના ધર્મ અને જાતિના આધારે લોકોને લડાવીને વોટ લેવાનું છે. જેની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે.”
‘રામચરિતમાનસમાં છે કચરો, સફાઈ કરવી જરૂરી’: બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખર
આ કોઈ પ્રથમ ઘટના નથી કે બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખર દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હોય. આ પહેલાં તેમણે રામચરિતમાનસ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે રામચરિતમાનસ પર કહ્યું હતું કે, “જે કચરો છે તેને સાફ કરવાની જરૂર છે. હું રામચરિતમાનસ પર બોલતો રહીશ, હું ચૂપ રહેવાનો નથી.” તેમણે એમ પણ કહ્યું કે હવે શુદ્ર શિક્ષિત છે, તે શાસ્ત્રોમાં જણાવેલ બાબતોને સમજી શકે છે. હવે વાંધાજનક અને અપમાનજનક વસ્તુઓને આશીર્વાદ અને અમૃત કેવી રીતે માનવું? તેમણે કહ્યું કે “રામ મનોહર લોહિયાએ પણ કચરો હટાવવાનું કહ્યું હતું. હું લોહિયા કે આંબેડકરથી મોટો ન હોઈ શકું.”
‘ઇસ્લામ છે એક માત્ર પ્રેમ અને વિશ્વાસનો ધર્મ’: બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખર
આટલું જ નહીં, આ વિવાદ દરમિયાન તેમનો અન્ય એક જૂનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બિહારના શિક્ષણમંત્રી ચંદ્ર શેખર યાદવ ઈદના દિવસે આયોજિત એક કાર્યક્રમમાં ગયા હતા ત્યારે એક મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે “ઈસ્લામ એક માત્ર ધર્મ છે જે પ્રેમ અને ઈમાન ફેલાવે છે.” ત્યારબાદ આ મામલે અનેક લોકોએ તીખી પ્રતિક્રિયા આપી હતી કે હિંદુ ધર્મ પ્રત્યે દ્વેષપૂર્ણ નિવેદનો કરવા છે અને ઈસ્લામ પ્રત્યે પ્રેમ બતાવવો છે શું આ તૃષ્ટીકરણ નથી? જોકે, તેમણે જ્યારે ઈસ્લામ વિશે નિવેદન આપ્યું ત્યારે તેઓ સરકારમાં નહોતા. પરંતુ વર્તમાન સમયમાં તેઓ બિહારના શિક્ષણમંત્રી છે અને તેમણે મોહમ્મદ પયગમ્બરને મર્યાદા પુરષોત્તમ કહ્યા છે.