Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણગુજરાતમાં ફરી ઓવૈસીનો વિરોધ: મુસ્લિમ યુવાનોએ સુરતમાં કાળા વાવટા બતાવીને લગાવ્યા 'મોદી-મોદી'ના...

    ગુજરાતમાં ફરી ઓવૈસીનો વિરોધ: મુસ્લિમ યુવાનોએ સુરતમાં કાળા વાવટા બતાવીને લગાવ્યા ‘મોદી-મોદી’ના નારા, દાણીલીમડાની સભામાં નડ્યો ‘દુઃખાવો’

    મુસ્લિમ સમાજના મત લેવા આવેલ AIMIM નો મુસ્લિમો દ્વારા જ થઇ રહેલો આ વિરોધ જોઈને લાગી નથી રહ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ વધુ કાંઈ સારું પ્રદર્શન કરી શકે. ઉપરાંત મુસ્લિમ સમાજના મોટા વર્ગમાં ઓવૈસીની છાપ ભાજપના એજન્ટ કે B ટિમ તરીકેની છે. તો જોવાનું રહેશે કે ચૂંટણીમાં AIMIM મુસ્લિમોને વોટ કરવા પ્રેરી શકે છે કે નહીં.

    - Advertisement -

    હવે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. આ વખતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને AIMIM પણ મેદાનમાં છે. રવિવારે હૈદરાબાદના સાંસદ અને AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી સુરત પૂર્વ બેઠક પર પોતાના ઉમેદવારનો પ્રચાર કરવા માટે એક સભા કરી રહ્યા હતા જ્યા તેમને મુસ્લિમ યુવાનોના કાળા વાવટા સાથેના વિરોધનો ભોગ બનવું પડ્યું હતું.

    સુરતમાં કાળા વાવટા સાથે વિરોધ

    અહેવાલો મુજબ અસદુદ્દીન ઓવૈસી ગત રાતે સુરતની સુરત પૂર્વ વિધાનસભા બેઠક પરના AIMIM ઉમેદવાર વસીમ કુરેશીનો પ્રચાર કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન તેમણે વિસ્તારમાં એક જાહેરસભા પણ સંબોધવાની હતી.

    ઓવૈસી જયારે સભામંચ પર પહોંચ્યા અને પોતાનું ભાષણ શરૂ કર્યું એવામાં જ કેટલાક મુસ્લિમ યુવાનોએ કાળા વાવટા ફરકાવીને તેમનો વિરોધ કરતા નારા લગાવ્યા હતા. યુવાનોએ ‘વાપસ જાઓ, વાપસ જાઓ’ ના નારા સાથે ‘મોદી-મોદી’ ના નારા પણ લગાવ્યા હતા.

    - Advertisement -

    દાણીલીમડામાં ઓવૈસીની સભા રદ્દ

    શનિવાર (12 નવેમ્બર)ના દિવસે અમદાવાદના દાણીલીમડા વિધાનસભા ક્ષેત્રમાં AIMIM ઉમેદવાર કૌશિકા પરમારના પ્રચાર માટે અસદુદ્દીન ઓવૈસીની એક સભાનું આયોજન કરાયું હતું. પરંતુ બાદમાં આ સભા રદ્દ કરવામાં આવી હતી.

    ઓવૈસીની આ સભા રદ્દ કરવા બાબતે AIMIMના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલાએ જણાવ્યું હતું કે, “તેઓ ‘કમરના દુખાવા’ને કારણે આવી નહોતા શક્યા. પરંતુ તેઓ બાદમાં દાણીલીમડા જરૂર આવશે.”

    પરંતુ ઓવૈસી બીજા જ દિવસે સુરતમાં પ્રચાર અને સભા કરતા નજરે પડ્યા હતા. તો જોવાનું રહેશે કે દાણીલીમડાની સભા રદ્દ થવા પાછળનું કારણ ખરેખર ‘કમરનો દુખાવો’ જ હતું કે કોઈ બીજો દુખાવો હતો.

    આ પહેલા પણ થઇ ચુક્યો છે ઓવૈસીનો વિરોધ

    આ પહેલીવાર નથી કે ગુજરાતમાં મુસ્લિમ સમાજ દ્વારા ઓવૈસીનો વિરોધ કરવામાં આવ્યો હોય. આ પહેલા મેં મહિનામાં પણ સુરતમાં જ મુસ્લિમ સમાજના લોકોએ ભેગા થઈને ચૂંટણી પ્રવાસે આવેલ AIMIM નેતાનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

    સુરતના લીંબાયતની મીઠીખાડી વિસ્તારમાં આવેલ AIMIM રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સામે સ્થાનિક મુસ્લિમ સમાજે કાળા વાવટા ફરકાવ્યા હતા અને વિરોધમાં નારા પણ લગાવ્યા હતા.

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં AIMIM

    નોંધનીય છે કે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં AIMIM ઘણી બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારવાની છે. ગત મહિને AIMIMએ પોતાના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી હતી.

    AIMIM એ જાહેર કરેલ 3 બેઠકોમાં અમદાવાદની બે, જમાલપુર-ખાડિયા અને દાણીલીમડા, તથા સુરતની એક, સુરત પૂર્વ, બેઠકોનો સમાવેશ થાય છે. દેખીતી રીતે જ આ ત્રણેય બેઠકો પર મુસ્લિમ મતદાતાઓનું પ્રભુત્વ પહેલાથી જ રહેલું છે. બાદમાં પાર્ટીએ સુરતની લીંબાયત અને અમદાવાદની બાપુનગર બેઠક પરથી પણ પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા.

    પરંતુ મુસ્લિમ સમાજના મત લેવા આવેલ AIMIM નો મુસ્લિમો દ્વારા જ થઇ રહેલો આ વિરોધ જોઈને લાગી નથી રહ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ વધુ કાંઈ સારું પ્રદર્શન કરી શકે. ઉપરાંત મુસ્લિમ સમાજના મોટા વર્ગમાં ઓવૈસીની છાપ ભાજપના એજન્ટ કે B ટિમ તરીકેની છે. તો જોવાનું રહેશે કે ચૂંટણીમાં AIMIM મુસ્લિમોને વોટ કરવા પ્રેરી શકે છે કે નહીં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં