Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસત્યેન્દ્ર જૈન, અમાનતુલ્લાહ ખાન, તાહિર હુસૈન સહિત કેજરીવાલના ‘9 રત્નો’: કોઈ ભ્રષ્ટાચારના...

    સત્યેન્દ્ર જૈન, અમાનતુલ્લાહ ખાન, તાહિર હુસૈન સહિત કેજરીવાલના ‘9 રત્નો’: કોઈ ભ્રષ્ટાચારના કેસમાં આરોપી, કોઈ વિરુદ્ધ લાગ્યો છે રમખાણો ભડકાવવાનો આરોપ

    જોકે, કેજરીવાલની આમ આદમી પાર્ટીના કોઈ નેતા પર આવા ગંભીર આરોપો લાગ્યા હોય કે તેમને જેલમાં મોકલવામાં આવ્યા હોય તેવો આ પહેલો કિસ્સો નથી. સત્યેન્દ્ર જૈન, અમાનતુલ્લા ખાન, તાહિર હુસૈન, સોમનાથ ભારતી જેવા કેટલાક નેતાઓ જુદા-જુદા કેસમાં આરોપી છે અથવા તો જેલની હવા ખાઈ ચૂક્યા છે.

    - Advertisement -

    સોમવારે (30 મે, 2022) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હીની કેજરીવાલ સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટી નેતા સત્યેન્દ્ર જૈનની મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમને 9 જૂન સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યા છે.

    રિપોર્ટ અનુસાર. કોર્ટે મોટા ષડ્યંત્રનો પર્દાફાશ કરવા માટે કસ્ટોડિયલ પૂછપરછની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સત્યેન્દ્ર જૈનને ED કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો.

    EDની આ તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના 2017ના કેસ પર આધારિત છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે AAP નેતા સત્યેન્દ્ર જૈન અને તેમની પત્ની પૂનમ જૈને ફેબ્રુઆરી 2015 અને મે 2017 દરમિયાન ₹1.47 કરોડની આવકથી વધુ સંપત્તિ મેળવી હતી. જે તેમના આવકના જ્ઞાત સ્ત્રોતોથી બમણા કરતા પણ વધુ હતી.

    - Advertisement -

    જોકે, કેજરીવાલની આમ આદમી પાર્ટીના કોઈ નેતા પર આવા ગંભીર આરોપો લાગ્યા હોય કે તેમને જેલમાં મોકલવામાં આવ્યા હોય તેવો આ પહેલો કિસ્સો નથી. સત્યેન્દ્ર જૈન, અમાનતુલ્લા ખાન, તાહિર હુસૈન, સોમનાથ ભારતીથી લઈને એવા નવ નેતાઓની વાત કરીશું જે જુદા-જુદા કેસમાં આરોપી છે અથવા તો જેલની હવા ખાઈ ચૂક્યા છે.

    પંજાબના આરોગ્ય મંત્રી વિજય સિંઘલા

    પંજાબના આરોગ્ય પ્રધાન વિજય સિંગલાને તાજેતરમાં ભ્રષ્ટાચારના આરોપોને પગલે રાજ્ય કેબિનેટમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને ભ્રષ્ટાચારના ગંભીર આરોપોને ધ્યાનમાં લઇ તેમને બરતરફ કર્યા હતા અને પોલીસને તેમની વિરુદ્ધ કેસ નોંધવાનો નિર્દેશ પણ આપ્યો હતો. તેમને બરતરફ કર્યા બાદ એન્ટી કરપ્શન બ્રાન્ચે તેમની ધરપકડ પણ કરી હતી.

    ભ્રષ્ટાચારના આરોપો બાદ સીએમ ભગવંત માને સ્વાસ્થ્ય મંત્રીને હટાવવાની કાર્યવાહી કરી હતી. સ્વાસ્થ્ય મંત્રી વિજય સિંઘલા પર કોન્ટ્રાક્ટમાં કમિશન લેવાનો આરોપ હતો. આરોપ મુજબ સ્વાસ્થ્ય મંત્રી કોન્ટ્રાક્ટ પર અધિકારીઓ પાસેથી એક ટકા કમિશનની માંગ કરી રહ્યા હતા. આ મામલે સીએમ માને દાવો કર્યો હતો કે સિંગલાએ ખોટું કામ કર્યું હોવાની વાત સ્વીકારી પણ લીધી હતી.

    પંજાબમાં AAP ધારાસભ્ય જસવંત સિંહ

    પંજાબમાં AAPના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જનમાજરા પણ તાજેતરમાં જ બેંક લોન કૌભાંડમાં ફસાયા છે. ધારાસભ્ય બન્યા બાદ એક રૂપિયો પગાર લેવાનો દાવો કરનાર જસવંત સિંહના માલેરકોટલા સ્થિત પૈતૃક ઘર સહિત ત્રણ સ્થળોએ કેન્દ્રીય તપાસ એજન્સીએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી 40 કરોડથી વધુના બેંક ફ્રોડ મામલે કરવામાં આવી હતી.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર સીબીઆઈએ દરોડા દરમિયાન 94 કોરા ચેક જપ્ત કર્યા હતા. જેમાં અલગ-અલગ લોકોની સહી હતી અને આધાર કાર્ડ પણ જોડવામાં આવ્યા હતા. સીબીઆઈના પ્રવક્તા આરસી જોશીએ કહ્યું હતું કે અધિકારીઓએ 16.57 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. આ ઉપરાંત 88 વિદેશી ચલણી નોટો, કેટલીક મિલકતોના કાગળો, અનેક બેંક ખાતા અને અન્ય દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. CBIએ બેંક ઓફ ઈન્ડિયાની લુધિયાણા શાખાની ફરિયાદ પર માલેરકોટલાના તારા કોર્પોરેશન લિમિટેડ અને અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધીને AAP ધારાસભ્ય જસવંત સિંહ વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી.

    પટિયાલા ગ્રામીણથી AAP ધારાસભ્ય બલબીર સિંહ

    બીજી તરફ, પંજાબની પટિયાલા ગ્રામીણ વિધાનસભા બેઠક પરથી AAPના ધારાસભ્ય ડૉ. બલબીર સિંહને તાજેતરમાં જ એક અપરાધિક કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ જ કેસમાં બલબીર સિંહ ઉપરાંત તેમની પત્ની, પુત્ર અને અન્ય એકને પણ ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ ઉપરાંત કોર્ટે તમામ ગુનેગારોને પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 13 જૂન 2011ના રોજ ડોક્ટર બલબીર સિંહ વિરુદ્ધ તેમની પત્નીની બહેનની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો હતો. રૂપિન્દર કૌર અને તેના પતિ મેવા સિંહે બલબીર સિંહ પર હુમલાનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં મેવા સિંહે આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેઓ ચમકૌર સાહિબમાં પોતાના ખેતરોમાં પાક વાવી રહ્યા હતા ત્યારે  બલબીર સિંહે હુમલો કર્યો હતો. 

    ત્રણ વર્ષની સજા થયા બાદ ડૉ.બલબીર સિંહનું ધારાસભ્ય પદ પણ સંકટમાં છે. નિયમો અનુસાર જો કોઈ જનપ્રતિનિધિને અપરાધિક મામલામાં બે વર્ષ કે તેથી વધુની સજા થાય છે તો તેણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડે છે. આ સ્થિતિમાં જો બલબીર સિંહને તેમનું સભ્યપદ ગુમાવવું પડશે તો ભગવંત માન સરકાર માટે પણ એક ફટકા સમાન હશે.

    અમાનતુલ્લા ખાન

    દિલ્હીના ઓખલાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની પણ તાજેતરમાં સરકારી કામમાં દખલ કરવા અને લોકોને ઉશ્કેરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેમને જામીન મળી ગયા હતા. જોકે, તેમની ધરપકડના એક દિવસ બાદ શુક્રવારે (13 મે 2022) દિલ્હી પોલીસે તેમની સામે કાર્યવાહી કરીને ‘બેડ કેરેક્ટર’ અને ‘રીઢા ગુનેગાર’ જાહેર કર્યા હતા.

    28 માર્ચે જ જામિયા નગર પોલીસ સ્ટેશનના SHOએ ડીસીપીને જમીન હડપ અને મારપીટના 18 કેસમાં આરોપી આમ આદમી પાર્ટી ધારાસભ્યને ‘બેડ કેરેક્ટર’ જાહેર કરવા માટે પ્રસ્તાવ મોકલ્યો હતો.

    રિપોર્ટ અનુસાર દિલ્હી પોલીસે પણ આ વાત સ્વીકારી છે. આ સાથે અમાનતુલ્લા ખાન હિસ્ટ્રીશીટર ગુનેગાર બની ગયા છે. આ પહેલા ગુરુવારે સરકારી કામમાં અવરોધ ઉભો કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહી પહેલા અમાનતુલ્લા ખાનના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે ભાજપની બુલડોઝર સિસ્ટમનો વિરોધ કરી રહેલા લોકો સામે દિલ્હી પોલીસની કાર્યવાહી ગેરબંધારણીય છે.

    AAP કોર્પોરેટર ગીતા રાવત

    આ મામલો ફેબ્રુઆરી 2022માં સામે આવ્યો હતો. જ્યારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા પૂર્વ દિલ્હીના આમ આદમી પાર્ટી કોર્પોરેટર ગીતા રાવતની તેમના એક સહયોગી સાથે ઘરની છત બાંધવાની મંજૂરી આપવાના બદલામાં ₹ 20000ની લાંચ લેતા ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈના જણાવ્યા અનુસાર, પૂર્વ દિલ્હીના વોર્ડ નંબર 10 ઈના કોર્પોરેટર ગીતા રાવતનો સહયોગી બિલાલ તેની ઓફિસ પાસે મગફળી વેચવાનું કામ કરતો હતો.

    સીબીઆઈના જણાવ્યા અનુસાર, ફરિયાદીએ ભ્રષ્ટાચાર વિરોધી શાખાને ફરિયાદ કરી હતી કે તેને તેના ઘર પર છત બાંધવી હતી. આ કેસમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ છત બનાવવાની મંજૂરી આપવાના બદલામાં કોર્પોરેશન કાઉન્સિલર ગીતા રાવતે 20000 રૂપિયાની લાંચ માંગી હતી. લાંચની રકમ નહીં ચૂકવે તો ફરિયાદીને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

    AAPનાં પૂર્વ કાઉન્સિલર નિશા સિંહ

    આ વર્ષે એપ્રિલ મહિનામાં ગુરુગ્રામમાં આમ આદમી પાર્ટીના પૂર્વ મહિલા કાઉન્સિલર નિશા સિંહને કોર્ટે 7 વર્ષની જેલની સજા ફટકારી હતી. નિશા પર 2015માં ટોળાને ઉશ્કેરવાનો આરોપ છે, જેમણે અતિક્રમણ હટાવવા ગયેલી પોલીસ અને હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (HUDA)ની ટીમ પર હુમલો કર્યો હતો. આ કેસમાં નિશા સિંહ સહિત 17 લોકોને સજા સંભળાવવામાં આવી છે.

    ગુરુગ્રામની અદાલતે 2015માં અતિક્રમણ હટાવવા ગયેલી ટીમ પર હુમલો કરવા અને પથ્થરમારો કરવા બદલ AAPની ભૂતપૂર્વ મહિલા કાઉન્સિલર સહિત 17 લોકોને સાતથી 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ કેસમાં કુલ 19 લોકો આરોપી હતા.

    ઉલ્લેખનીય છે કે 15 મે 2015ની ઘટનામાં સેક્ટર-47 ઝિમર બસ્તીમાં હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (હુડા)ની ટીમ પર હુમલો કરવા ઉપરાંત પોલીસ ટીમો પર પેટ્રોલ બોમ્બ અને એલપીજી સિલિન્ડરો પણ ફેંકવામાં આવ્યા હતા, જેમાં મેજિસ્ટ્રેટ અને 15 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.

    સોમનાથ ભારતી

    કેજરીવાલ સરકારના પૂર્વ મંત્રી સોમનાથ ભારતીની મુશ્કેલીઓ વધી શકે છે. પોલીસે જાન્યુઆરી 2021માં અમેઠીમાં તેમની સામે નોંધાયેલા કેસનો રિપોર્ટ કોર્ટમાં મોકલી દીધો છે, જેમાં પૂર્વ મંત્રી વિરુદ્ધ માનહાનિ અને ઠેસ પહોંચાડવાની કલમ લગાવવામાં આવી છે. જે બાદ સુલતાનપુરના એમપી-એમએલએ કોર્ટના મેજિસ્ટ્રેટે આ કેસમાં વોરંટ જારી કર્યું છે. આ કેસની આગામી સુનાવણી 14 જૂને થશે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાન્યુઆરી 2021માં પૂર્વ મંત્રી સોમનાથ ભારતી દ્વારા આપવામાં આવેલ નિવેદન હવે તેમના માટે મુશ્કેલી સર્જી શકે છે. જેમાં પૂર્વ મંત્રીએ કહ્યું હતું કે અમે યુપીની શાળાઓ અને હોસ્પિટલો જોઈ રહ્યા છીએ. હોસ્પિટલમાં જન્મેલા બાળકો કૂતરાના બાળકો છે. જે બાદ હરપાલપુરના શોભનાથ સાહુએ જગદીશપુર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો.

    પોલીસે આ કેસમાં કલમ 505/153A હેઠળ એફઆઈઆર નોંધી હતી. આ નિવેદન આપ્યાના બીજા દિવસે જ્યારે પૂર્વ મંત્રી રાયબરેલી ગયા ત્યારે રાયબરેલીના ગેસ્ટ હાઉસમાં મીટિંગ પૂર્ણ કરીને બહાર નીકળ્યા બાદ અમેઠી પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.

    જોકે, સોમનાથ ભારતી વિરુદ્ધ માટે એક કેસ નોંધાયો હોય એવું નથી. 2013માં આમ આદમી પાર્ટી તરફથી દિલ્હીની માલવિયા નગર સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા સોમનાથ ભારતી પર ભૂતકાળમાં ગંભીર આરોપો લાગ્યા છે. જ્યાં ચૂંટણી જીત્યા બાદ સોમનાથને કાયદા, પ્રવાસન, વહીવટી સુધારા જેવા મંત્રાલયોની જવાબદારી આપવામાં આવી હતી. જોકે, 2014 માં તેમણે વિવિધ વિવાદોના કારણે રાજીનામું આપવું પડ્યું હતું. સાથે જ તેમની પત્નીએ પણ સોમનાથ ભારતી વિરુદ્ધ ટોર્ચરનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય એમ્સમાં કર્મચારીઓ પર મારપીટનો પણ આરોપ છે. આ મામલો હજુ કોર્ટમાં પેન્ડિંગ છે.

    તાહિર હુસૈન

    ફેબ્રુઆરી 2020 માં દિલ્હીમાં હિંદુ વિરોધી રમખાણોના કેસમાં ટ્રાયલ કોર્ટે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન અને અન્ય પાંચ સામે ગુનાહિત કાવતરું અને રમખાણો ભડકાવવા સહિતની કલમો હેઠળ આરોપો નક્કી કરી દીધા છે.

    મીડિયા અહેવાલો અનુસાર, બે રમખાણોના કેસમાં મુખ્ય આરોપી અને આમ આદમી પાર્ટી કાઉન્સિલર રહેલા તાહિર હુસૈન સહિત 13 આરોપીઓ સામે બે સમુદાયો વચ્ચે કોમી દુશ્મનાવટ અને અફવા ફેલાવવાના આરોપસર દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટની કોર્ટે નોંધ લીધી છે.

    તદુપરાંત, તાહિર હુસૈન અને અન્યો સામે આરોપો નક્કી કરતી વખતે કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે કે તાહિર હુસૈન માત્ર રમખાણો ભડકાવવાના કાવતરામાં સામેલ નહતો પરંતુ તેણે રમખાણો કરાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તાહિર હુસૈને અન્ય સમુદાયના લોકો પર હુમલો કરવા માટે ષડ્યંત્ર રચ્યું હતું અને જે માટે તેણે તેના ઘર પર પથ્થરો અને અન્ય હથિયારોની પણ વ્યવસ્થા કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં