Thursday, December 5, 2024
More
    હોમપેજરાજકારણ‘જનતાને પાણીની સમસ્યા, સમાધાન કરો’: કેજરીવાલે ED કસ્ટડીમાંથી મંત્રીને લખ્યો પત્ર, નેટિઝન્સે...

    ‘જનતાને પાણીની સમસ્યા, સમાધાન કરો’: કેજરીવાલે ED કસ્ટડીમાંથી મંત્રીને લખ્યો પત્ર, નેટિઝન્સે કહ્યું- ઓવરએક્ટિંગના ₹50 કાપો, અત્યાર સુધી શું કર્યું?

    આમ આદમી પાર્ટી અને કેજરીવાલનો ઉદ્દેશ્ય જે હોય એ, પરંતુ સોશિયલ મીડિયા પર આ કિમિયો કારગત નીવડતો જોવા મળી રહ્યો નથી. ઉપરથી લોકો પૂછી રહ્યા છે કે અત્યાર સુધી આ સમસ્યા ન દેખાય અને હવે અચાનક જેલ જઈને જ બધું યાદ આવવા માંડ્યું?

    - Advertisement -

    શરાબ નીતિ કૌભાંડમાં ધરપકડ બાદ હાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ EDની કસ્ટડીમાં છે. દરમ્યાન, રવિવારે (24 માર્ચ) દિલ્હીનાં મંત્રી આતિશીએ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને દાવો કર્યો કે કેજરીવાલે જેલમાંથી તેમને દિલ્હીમાં પાણીની સમસ્યાઓને લઈને એક આદેશ કરતો પત્ર લખ્યો છે. સાથે નાટકીય ઢબે કહ્યું કે, કઈ રીતે કેજરીવાલ જેલમાં હોવા છતાં દિલ્હીની ચિંતા કરી રહ્યા છે. પરંતુ આ દાવ સોશિયલ મીડિયા પર અવળો પડતો જણાય રહ્યો છે. 

    એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધતાં આતિશીએ કહ્યું, “કાલે જ્યારે આ કાગળ મારી પાસે આવ્યો તો મારી આંખોમાં આંસુ આવી ગયાં. મેં વિચાર્યું કે કયો એવો વ્યક્તિ છે, જે આટલી વિકટ પરિસ્થિતિમાં, જ્યારે તેમને પકડવામાં આવ્યા છે, કેદ કરી લેવામાં આવ્યા છે, તેમને ખબર નથી કે જેલમાંથી પોતે બહાર ક્યારે આવશે….કોણ એવો વ્યક્તિ છે જે પોતાના વિશે ન વિચારીને દિલ્હીના લોકો વિશે વિચારે છે. કોણ એવો વ્યક્તિ છે, જે પોતાની આટલી મોટી તકલીફ વિશે ન વિચારીને દિલ્હીના લોકોની પાણી અને સિવરની સમસ્યાઓ વિશે વિચારે છે. આવો વ્યક્તિ માત્ર અરવિંદ કેજરીવાલ જ થઈ શકે.”

    આગળ કહ્યું, “કેજરીવાલ માત્ર પોતાને દિલ્હીના સીએમ નથી માનતા, પણ દિલ્હીના લોકોને પરિવાર માને છે. તેમણે 9 વર્ષમાં એક પરિવાર તરીકે સરકાર ચલાવી છે.” સાથે ભાજપ પર એવા જ આરોપો લગાવ્યા, જે કેજરીવાલની ધરપકડ બાદથી તેઓ લગાવી રહ્યાં છે. 

    - Advertisement -

    કેજરીવાલે જે આદેશ કરતો પત્ર મોકલ્યો, તે પણ મીડિયામાં સામે આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું કે, “મને ખબર પડી છે કે દિલ્હીના અમુક વિસ્તારોમાં પાણી અને સિવરની ઘણી સમસ્યાઓ છે. જેને લઈને હું ચિંતિત છું. હું જેલમાં છું, પરંતુ લોકોને તકલીફ ન થવી જોઈએ. ઉનાળો પણ આવી રહ્યો છે. જ્યાં પાણીની અછત છે ત્યાં પૂરતી સંખ્યામાં ટેન્કરોની વ્યવસ્થા કરો. મુખ્ય સચિવ સહિતના અન્ય અધિકારીઓને આદેશ આપો, જેથી જનતાને કોઇ પ્રકારની પરેશાની ન ભોગવવી પડે. જનતાની સમસ્યાઓનું તુરંત અને ઉચિત સમાધાન થવું જોઈએ. જરૂર પડ્યે ઉપરાજ્યપાલનો પણ સહયોગ લો. તેઓ તમારી મદદ કરશે.” પત્ર જળ મંત્રીને લખવામાં આવ્યો છે. અંતે કેજરીવાલના હસ્તાક્ષર છે. 

    લોકોએ સોશિયલ મીડિયા પર પૂછ્યું- હમણાં સુધી કેજરીવાલે શું કર્યું? આમાં જળમંત્રીને આદેશની શું જરૂર છે?

    આમ આદમી પાર્ટી અને કેજરીવાલનો ઉદ્દેશ્ય જે હોય એ, પરંતુ સોશિયલ મીડિયા પર આ કિમિયો કારગત નીવડતો જોવા મળી રહ્યો નથી. ઉપરથી લોકો પૂછી રહ્યા છે કે અત્યાર સુધી આ સમસ્યા ન દેખાય અને હવે અચાનક જેલ જઈને જ બધું યાદ આવવા માંડ્યું? સાથે એમ પણ પૂછ્યું કે આના માટે જળમંત્રીને આદેશ આપવાની શું જરૂર છે? 

    અમિતાભ ચૌધરીએ લખ્યું કે, બહાર હતા ત્યાં સુધી તેમણે કોઇ કાર્યવાહી ન કરી કે ન કોઇ આદેશ આપ્યા અને દિલ્હીમાં પાણીની સમસ્યાઓ યથાવત રહી. હવે જેલ ગયા બાદ આ નાટક કરી રહ્યા છે. તેમણે એમ પણ પ્રશ્ન કર્યો કે આ નિર્ણય તો આતિશી પોતે પણ લઇ શકે તેમ છે, તેમણે આ ડ્રામા કરવાની જગ્યાએ કામ પર ધ્યાન આપવું જોઈએ. 

    અન્ય એક વ્યક્તિએ પણ આવી જ ટિપ્પણી કરી અને કહ્યું કે, દિલ્હી રંગીન પાણી પી રહ્યું છે અને કેજરીવાલને જેલ ગયા બાદ ધ્યાનમાં આવી રહ્યું છે. સાથે એમ પણ કહ્યું કે, કેજરીવાલને ડર છે કે ક્યાંક રાજીનામું આપવાથી કોઇ બીજું મુખ્યમંત્રીની ખુરશી ન પચાવી પાડે. 

    એક યુઝરે આને સહાનુભૂતિ ઉઘરાવવા માટેનો સ્ટંટ ગણાવ્યો અને કહ્યું કે તેમને આના માટે ‘ઑસ્કર’  (ફિલ્મ પુરસ્કાર) મળવો જોઈએ. 

    ઘણા લોકોએ આ પત્રને નાટક ગણાવ્યો હતો. તો ઘણાએ મીમ્સનો સહારો પણ લીધો.

    એક યુઝરે ‘ફીર હેરા ફેરી’ ફિલ્મના પ્રખ્યાત ડાયલૉગ ’50 રૂપિયે કાટ ઓવરએક્ટિંગ કે’નું મીમ મૂક્યું. 

    નોંધનીય છે કે કેજરીવાલની ધરપકડ ગત 21 માર્ચના રોજ થઈ હતી. દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ મામલે વારંવાર સમન્સ પાઠવવામાં આવ્યા છતાં તેઓ હાજર ન થતાં ED ઘરે જઈને પકડી લાવી હતી. પછીથી કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે 28 માર્ચ સુધીના રિમાન્ડની માંગ કરી હતી. દરમ્યાન તેઓ  ધરપકડ અને રિમાન્ડ વિરુદ્ધ શનિવારે (23 માર્ચ) દિલ્હી હાઇકોર્ટ ગયા, પરંતુ તાત્કાલિક સુનાવણીની ના પાડી દેવામાં આવી. હવે હોળી બાદ સુનાવણી કરાશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં