Sunday, September 15, 2024
More
    હોમપેજદેશફરી માફી માંગશે અરવિંદ કેજરીવાલ?: દિલ્હી હાઈકોર્ટે માનહાનિ કેસમાં રાહત આપવાનો કર્યો...

    ફરી માફી માંગશે અરવિંદ કેજરીવાલ?: દિલ્હી હાઈકોર્ટે માનહાનિ કેસમાં રાહત આપવાનો કર્યો ઇનકાર, કહ્યું- અપમાનજનક કન્ટેન્ટને રિટ્વિટ કરવું પણ માનહાનિ

    વિકાસ સાંકૃત્યને કેજરીવાલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેઓ સોશિયલ મીડિયા પેજ 'આઈ સપોર્ટ નરેન્દ્ર મોદી'ના સ્થાપક છે. કેજરીવાલે 7 મે 2018ના રોજ વાંધાજનક વિડીયો શેર કર્યો હતો.

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ લોકસભા ચૂંટણી પહેલાં જ અનેક વિવાદો વચ્ચે ઘેરાયા છે. તેમને આપરાધિક માનહાનિ કેસમાં રાહત મળી શકી નહીં. દિલ્હી હાઈકોર્ટે તેમની સામે દાખલ કેસને ફગાવી દેવાનો ઇનકાર કરી દીધો છે. કેજરીવાલે યુટ્યુબર ધ્રુવ રાઠી દ્વારા બનાવેલા ‘ભાજપા આઈટી સેલ પાર્ટ 2’ શીર્ષકવાળો વિડીયો રિટ્વિટ કર્યો હતો. જે બાદ તેમની સામે માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો.

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી માફી માંગી શકે તેવી રાજકીય અટકળો વહેતી થઈ છે. માનહાનિ કેસમાં દિલ્હી હાઈકોર્ટે તેમને કોઈ રાહત આપી નથી. જસ્ટિસ સ્વર્ણ કાંત શર્માએ આ મામલે કહ્યું છે કે, “અપમાનજનક સામગ્રીને રિટ્વિટ કરવી પણ માનહાનિ સમાન જ છે.” તેમણે વધુમાં કહ્યું, “જ્યારે રાજ્યના મુખ્યમંત્રી, કોઈપણ ચકાસણી કે પુષ્ટિ કર્યા વગર કોઈ વાતને રિટ્વિટ કરે છે, ત્યારે તે બદનક્ષીપૂર્ણ સામગ્રીને પ્રોત્સાહન મળવાની સંભાવના વધે છે.”

    કોર્ટે કહ્યું કે, જો આ રીતે કોઈપણ અપમાનજનક સામગ્રીને રિટ્વિટ કરવાની અને તેને ફરીથી પોસ્ટ કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે, તો તે લોકોને આવી સામગ્રી શેર કરવાની હિંમત આપશે. રિટ્વિટ કરતી વખતે પણ જવાબદારીનું ધ્યાન રાખવું જરૂરી છે. કોર્ટે કહ્યું કે, કેજરીવાલના લાખો ફોલોઅર્સ છે અને જો તેઓ આ પ્રકારની કોઈ બદનક્ષીભરી સામગ્રી શેર કરશે તો તેનાથી જનતા પર નકારાત્મક અસર પડશે.

    - Advertisement -

    માનહાનિનો નોંધાયો હતો કેસ

    નોંધનીય છે કે, વિકાસ સાંકૃત્યને કેજરીવાલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેઓ સોશિયલ મીડિયા પેજ ‘આઈ સપોર્ટ નરેન્દ્ર મોદી’ના સ્થાપક છે. કેજરીવાલે 7 મે 2018ના રોજ વાંધાજનક વિડીયો શેર કર્યો હતો. આ પછી, ફરિયાદ આપતા વિકાસે કહ્યું હતું કે, કરોડો લોકો કેજરીવાલને ફોલો કરે છે, આવું કંઈક શેર કરતા પહેલા ઓછામાં ઓછી સત્યતા તપાસવી જોઈએ. તેઓ વિડીયોને તપાસ્યા વિના જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ ગયા. જે બાદ ટ્રાયલ કોર્ટે તેમને આ કેસમાં 17 જુલાઈ 2019ના રોજ સમન્સ પાઠવ્યા હતા.

    જ્યારે હવે દિલ્હી હાઈકોર્ટમાં CM કેજરીવાલની માંગ નકારી કાઢવામાં આવ્યા બાદ વિકાસ પાંડેએ કહ્યું કે, “હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલ સામે દાખલ કરવામાં આવેલ માનહાનિમાં કેસને ફગાવી દેવાનો ઇનકાર કર્યો છે. તેમણે મારી વિરુદ્ધ ધ્રુવ રાઠીએ બનાવેલો વિડીયો શેર કર્યો હતો.” પોતાના ટ્વીટમાં તેમણે પોતાના બે વકીલો રાઘવ અવસ્થી અને મુકેશ શર્માનો આભાર માન્યો અને કહ્યું કે, આ બંનેએ દેશના સૌથી મોંઘા પત્રકારોને હરાવ્યા છે. નોંધનીય છે કે, અરવિંદ કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ મનીષ વશિષ્ઠના સહાયકો કરણ શર્મા, ઋષભ શર્મા, વેદાંત વશિષ્ઠ, મોહમ્મદ ઇર્શાદ અને હર્ષિતા નથરાની આ કેસમાં હાજર થયા હતા.

    કેજરીવાલને જાણે માફી માંગવાની પડી ગઈ છે આદત

    નોંધનીય છે કે, માનહાનિના આ કેસમાં પણ કેજરીવાલનો છેલ્લો ઉપાય માફી માંગવાનો હોય તેમ લાગી રહ્યું છે. આ પહેલાં પણ કેજરીવાલ માનહાનિના ઘણા મામલામાં માફી માંગીને છટકી ગયા હતા. 2018માં, તેમણે, સંજય સિંઘ, રાઘવ ચઢ્ઢા અને આશુતોષે સંયુક્ત રીતે ભૂતપૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીની લેખિતમાં માફી માંગી હતી.

    આ સિવાય તેમણે નીતિન ગડકરીની પણ માફી માંગી હતી અને તેમણે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલની પણ માફી માંગી છે. વર્ષ 2017માં તેમણે પટિયાલા કોર્ટમાં હરિયાણાના ભાજપ નેતા અવતાર સિંઘ ભડાનાની માફી માંગી હતી. જ્યારે કેજરીવાલે તેમને સૌથી ભ્રષ્ટ નેતા કહ્યા હતા ત્યારે ભડાનાએ તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો અને 1 કરોડ રૂપિયાના વળતરની માંગણી કરી હતી. એટલું જ નહીં તેમણે શિરોમણી અકાલી દળના બિક્રમ મજીઠિયા પર ટિપ્પણી કર્યા બાદ પણ માફી માંગી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં