Friday, May 10, 2024
More
    હોમપેજરાજકારણ‘તેમનો મૂળ ઉદ્દેશ્ય બંગલાનું સત્ય છુપાવવાનો’: લોકસભામાં કેજરીવાલ સરકાર પર વરસ્યા ગૃહમંત્રી...

    ‘તેમનો મૂળ ઉદ્દેશ્ય બંગલાનું સત્ય છુપાવવાનો’: લોકસભામાં કેજરીવાલ સરકાર પર વરસ્યા ગૃહમંત્રી અમિત શાહ, વિપક્ષોને કહ્યું- દિલ્હીનું વિચારો, ગઠબંધન થાય તોપણ PM તો મોદી જ બનશે

    2015માં એવી એક પાર્ટીની સરકાર આવી જેમનો મકસદ સેવા કરવાનો નહીં પરંતુ ઝઘડો કરવાનો છે: ગૃહમંત્રી

    - Advertisement -

    કેન્દ્ર સરકારના જે વટહુકમ વિરુદ્ધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આખા દેશનો પ્રવાસ કરીને નેતાઓનું સમર્થન મેળવવાના પ્રયાસ કર્યા હતા તેની ઉપર આજે લોકસભામાં ચર્ચા થઇ હતી. બિલ મંગળવારે (1 ઓગસ્ટ, 2023) ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું, જેની પર આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારને આડેહાથ લીધી તો વિપક્ષોના ગઠબંધન પર પણ ટિપ્પણી કરી. 

    ગૃહમંત્રીએ કહ્યું કે, વર્ષો સુધી દિલ્હીમાં કોંગ્રેસ અને ભાજપની સરકારો રહી હતી પરંતુ ક્યારેય બંનેમાંથી કોઈ પાર્ટીને સમસ્યા આવી નહીં. ક્યારેક એવું બન્યું કે દિલ્હીમાં ભાજપ સરકાર હોય અને કેન્દ્રમાં કોંગ્રેસ હોય તો ક્યારેક તેનાથી વિપરીત સ્થિતિ હોય, પરંતુ બંને વચ્ચે ઝઘડો ન થયો. પરંતુ 2015માં એવી એક પાર્ટીની સરકાર આવી જેમનો મકસદ સેવા કરવાનો નહીં પરંતુ ઝઘડો કરવાનો છે. 

    આમ આદમી પાર્ટી સરકાર પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, તેમની મૂળ સમસ્યા ટ્રાન્સપોર્ટ પોસ્ટિંગનો અધિકાર ન મળવા બાબતની નથી, તેમણે વિજિલન્સને અધિકારમાં લઈને જે બંગલો બનાવી દીધો છે તેનું સત્ય છુપાવવું છે. મૂળ આશય ભ્રષ્ટાચારને છુપાવવાનો છે.” ગૃહમંત્રી અહીં અરવિંદ કેજરીવાલના કરોડોના શીશમહેલની વાત કરી રહ્યા હતા, જેની ઉપર બે મહિના પહેલાં ખૂબ ચર્ચા ચાલી હતી. 

    - Advertisement -

    અમિત શાહે કહ્યું કે, કેન્દ્ર સરકારને દિલ્હી સબંધિત કાયદા બનાવવાનો અધિકાર છે અને વટહુકમ એટલા માટે બહાર પાડવામાં આવ્યો હતો કારણ કે ત્યારે સંસદનું સત્ર ચાલતું ન હતું. હવે તેને ખરડા તરીકે ગૃહમાં ચર્ચા માટે મૂકવામાં આવ્યો છે તો તેની ઉપર ચર્ચા થવી જોઈએ. 

    સાથોસાથ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષી પાર્ટીઓ અને ગઠબંધન પર પણ પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, કોઈ પણ વિધેયકનું સમર્થન કે વિરોધ ચૂંટણી જીતવા માટે કે કોઈનું સમર્થન કરવા માટે ન કરવાં જોઈએ. નવું ગઠબંધન બનાવવા માટે બીજા અનેક રસ્તા છે. પરંતુ જો વિપક્ષી પાર્ટીઓ વિચારતી હોય કે દિલ્હીનું જે થવાનું હોય એ થાય, મંત્રી ભ્રષ્ટાચાર કરે, મુખ્યમંત્રી કરોડોના બંગલા બનાવે પરંતુ આપણે ગઠબંધન બનાવવું છે એટલે સમર્થન કરીએ, તો એ ખોટું છે. 

    અંતે તેમણે નવા ગઠબંધનને લઈને કહ્યું કે, વિપક્ષના સભ્યોને અપીલ છે કે તેઓ દિલ્હીનું વિચારે, ગઠબંધનનું નહીં. કારણ કે ગઠબંધન બને તોપણ પૂર્ણ બહુમતીથી મોદી ફરીથી વડાપ્રધાન બનશે. તેમણે અપીલ કરી કે, ગઠબંધનના કારણે જનતાનાં હિતની બલી ન ચડાવવી જોઈએ. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં