Friday, November 22, 2024
More
    હોમપેજદેશExclusive: 2015થી આજ સુધી દિલ્હીની AAP સરકારે જાહેરાતો પાછળ ₹1500 કરોડથી વધુનો...

    Exclusive: 2015થી આજ સુધી દિલ્હીની AAP સરકારે જાહેરાતો પાછળ ₹1500 કરોડથી વધુનો ધુમાડો કર્યો, કેજરીવાલના રાજમાં છેલ્લાં 5 વર્ષમાં જાહેરાતો પરનો ખર્ચ 408% વધ્યો 

    દેશના કરદાતાઓના રૂપિયે કરવામાં આવેલી આ જાહેરાત ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના વિવિધ માધ્યમો પર પ્રદર્શિત કરવામાં આવી હતી. વિવેક પાંડે દ્વારા નવેમ્બર 2020 માં દાખલ કરવામાં આવેલી અન્ય એક આરટીઆઈ પણ ઑપઇન્ડિયાને મળી હતી.

    - Advertisement -

    દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર મીડિયા અને સોશિયલ મીડિયામાં તેની જાહેરાતોના કારણે અવારનવાર સવાલોના કઠેડામાં ઉભી રહી હોય તેવી સ્થિતિ બની છે. ઘણી વખત કેજરીવાલ સરકાર પર જનતાના ટેક્સના પૈસા તોતિંગ ખર્ચે જાહેરાતો આપવાના આરોપ લાગ્યા છે. હવે એક RTIના જવાબ દ્વારા બહાર આવ્યું છે કે 2015થી આજ સુધી કેજરીવાલ સરકારે જાહેરાતો પર કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો છે. આ આંકડો લાખ કરોડમાં નહીં પરંતુ કુલ ₹1585.87 કરોડ પર પહોંચે છે.

    મળતી માહિતી અનુસાર એક્ટિવિસ્ટ વિવેક પાંડે દ્વારા કરવામાં આવેલી RTI બાદ આ ખુલાસો થયો છે. આ RTI પૈકી એક RTI ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. વિવેક પાંડેએ પોતે કરેલી એક X પોસ્ટમાં ઘટસ્ફોટ કર્યો છે કે AAP સરકાર હેઠળ ગત 5 વર્ષમાં જાહેરાતો પર ખર્ચ 408% વધી ગયો છે. તેમણે ડિરેક્ટોરેટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ પબ્લિસિટી પાસે 2020થી દિલ્હી સરકારે જાહેરાતો પર કરેલા ખર્ચની માહિતી માંગી હતી.

    ગત 25 એપ્રિલ, 2024ના રોજ પાંડેને RTIના મળેલા જવાબમાં ડિરેક્ટોરેટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ પબ્લિસિટીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની સરકારે વર્ષ 2020-2021ના નાણાકીય વર્ષમાં ₹293.20 કરોડ ખર્ચ કર્યો હતો. આ જ ખર્ચ નાણાકીય વર્ષ 2021-2022માં વધીને ₹568.39એ પહોંચ્યો હતો. વર્ષ 2022-2023માં આમ આદમી પાર્ટીએ ₹186.28 કરોડ ખર્ચ્યા હતા, જ્યારે વર્ષ 2023-2024માં આ ખર્ચ ₹26.23 કરોડ હતો.

    - Advertisement -

    કરદાતાઓના રૂપિયે આપવામાં આવેલી આ જાહેરાતો ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના વિવિધ માધ્યમો પર પ્રદર્શિત કરવામાં આવી હતી. વિવેક પાંડે દ્વારા નવેમ્બર 2020માં દાખલ કરવામાં આવેલી અન્ય એક RTI પણ ઑપઇન્ડિયાને મળી હતી.

    આ RTIના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2012-2013થી દિલ્હી સરકાર દ્વારા જાહેરાતો પર કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલે ફેબ્રુઆરી 2015માં પોતાની સરકાર બનાવી હતી તે જોતાં અમે નાણાકીય વર્ષ 2015-2016થી જાહેરાત પાછળ ખર્ચવામાં આવેલા નાણાં વિશે માહિતી મેળવી હતી.

    આ RTI મુજબ અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીની સરકારે જાહેરાતો પાછળ ₹81.23 કરોડ (FY2015-2016), ₹67.25 (FY2016-2017), ₹117.76 કરોડ (FY2017-2018), ₹45.54 કરોડ (FY2018-2019) અને ₹199.99 કરોડ (FY2019-2020) રૂપિયા ખર્ચ્યા હતા.

    જેનો સીધો અર્થ તે થયો કે, કેજરીવાલ સરકારે વર્ષ 2015 થી 2019ના વચ્ચે કુલ ₹311.78 કરોડ રૂપિયા માત્ર જાહેરાતો પાછળ વાપર્યા. હવે જો આ બંને RTIના જવાબોની સરખામણી કરવામાં આવે અને જાહેરાતો પર ખર્ચ કરવામાં આવેલા કુલ રૂપિયાનો સરવાળો કરવામાં આવે તો જણાય છે કે કેજરીવાલ સરકારે પાછલાં પાંચ વર્ષમાં એટલે કે 2019થી લઈને 2024 સુધીમાં જાહેરાતો પાછળ ₹1274.09 કરોડ રૂપિયા વાપર્યા છે.

    હવે જો દિલ્હીમાં જ્યારથી આમ આદમી પાર્ટીની સત્તાના 9 વર્ષનો હિસાબ કરવામાં આવે તો આ આંકડો ₹1585.87 કરોડે પહોંચે છે. RTI મુજબ તે દીવા જેવી સ્પષ્ટ વાત છે કે વર્ષ 2019 પછી આ જાહેરાતો પાછળ કરવામાં આવેલા ખર્ચમાં અધધ વૃદ્ધિ થઈ છે.

    ઑપઇન્ડિયાએ વર્ષ ગત 2019-2024 (પાછલા 5 વર્ષ) અને વર્ષ 2015-2019 (પાછલા 4 વર્ષ) વચ્ચે આમ આદમી પાર્ટીના જાહેરાતના ખર્ચની તુલના કરી તો તેમાં 408.65%ની વૃદ્ધિ સામે આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં