Saturday, April 20, 2024
More
    હોમપેજરાજકારણસૈયાં જુઠો કા સરતાજ: કેજરીવાલનો દાવો 'ગુજરાતમાં ભાજપ આપથી ડરી ગયું છે,...

    સૈયાં જુઠો કા સરતાજ: કેજરીવાલનો દાવો ‘ગુજરાતમાં ભાજપ આપથી ડરી ગયું છે, સીઆર પાટીલ આપી રહ્યાં છે રાજીનામું’; પહેલા પણ એમનું બોલ્યું ઘણીવાર થયું છે ફોક

    અરવિંદ કેજરીવાલનો આ દાવો સાંભળવામાં સારો લાગી શકે પરંતુ સ્ટેટિટિક્સની દ્રષ્ટિએ સહેજ પણ વ્યવહારુ નથી. એ સમજવા માટે આપણે બંને રાજકીય પક્ષના છેલ્લી મુખ્ય ચૂંટણીઓના આંકડા જોવા પડશે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં રાજકીય મહોલ ગરમાતો જઈ રહ્યો છે. આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મોટા પાયે ગુજરાતમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહી છે. એવામાં આપના સર્વેસર્વા અને દિલ્હીના મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને લખ્યું છે કે ગુજરાતમાં ભાજપ AAPથી ખરાબ રીતે ડરી ગયું છે.

    ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે એ જાણીને છેલ્લા ઘણાં સમયથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાતની રાજનીતિમાં ખાસો રસ લેવા લાગ્યા છે. પોતાની તાજેતરની ટ્વીટમાં તેમણે લખ્યું કે, “ગુજરાતમાં ભાજપ AAPથી ખરાબ રીતે ડરેલી છે.” આગળ સૂત્રોનું નામ દઈને તેમણે લખ્યું, “સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ટૂંક સમયમાં હટાવવા જઈ રહ્યા છે. શું ભાજપ પક્ષ આટલો ડરી ગયો છે?”

    અરવિંદ કેજરીવાલનો આ દાવો સાંભળવામાં સારો લાગી શકે પરંતુ સ્ટેટિટિક્સની દ્રષ્ટિએ સહેજ પણ વ્યવહારુ નથી. એ સમજવા માટે આપણે બંને રાજકીય પક્ષના છેલ્લી મુખ્ય ચૂંટણીઓના આંકડા જોવા પડશે.

    - Advertisement -

    છેલ્લી અમુક ચૂંટણીઓમાં AAPનું પ્રદર્શન

    2022ની શરૂઆતમાં યોજાયેલ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન પંજાબમાં ખુબ સરસ રહ્યું હતું જ્યાં તેણે કોંગ્રેસ પાસેથી સત્તા ઝૂંટવી લીધી હતી. પરંતુ એ સિવાયના અન્ય રાજ્યો પર નજર મેરી તો પાર્ટીનું પ્રદર્શન કૈક અલગ જ કથા કહે છે.

    ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ 334 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા. પરિણામ સામે આવ્યું ત્યારે AAPએ આખા રાજ્યમાં માત્ર 3.47% વોટ મેળવ્યા હતા એટલે કે 334 સીટમાંથી દરેક સીટ પર એવરેજ, માત્ર 1040 વોટ મેળવ્યા હતા. એના કરતા મતદાતાઓએ NOTAને બમણા મત આપ્યા હતા અને પરિણામે AAPને તમામ 334 બેઠકો પર ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો.

    પાછલા ઉત્તરાખંડ વિધાનસભા ઇલેક્શનમાં પણ આમ આદમી પાર્ટીએ તમામ 70 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા. પાર્ટીને રાજ્યમાં 3.3% મત મળ્યા હતા. AAPને એક પણ સીટ તો નહોતી જ મળી પરંતુ 70માંથી 68 સીટો પર તેમણે પોતાની ડિપોઝીટ ડૂલ કરાવી હતો.

    ગોવા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 39માંથી 2 સીટ જીતીને કુલ 3 સીટો પર પોતાની ડિપોઝીટ બચાવી હતી એટલે કે 36 પર ડિપોઝીટ ડુબાડી હતી.

    ગુજરાતના મહાનગરોના સ્થાનિક ઇલેક્શનમાં આપનું પ્રદર્શન

    ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન જોઈએ તો ગત વર્ષે ગુજરાતના 5 મહાનગરોમાં યોજાયેલ મ્યુનિસિપલ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ તમામ જગ્યાએ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આપે માત્ર સુરતમાં 120માંથી 27 બેઠક અને ગાંધીનગરમાં 44માંથી 1 બેઠક જીતી હતી. બાકીની તમામ બેઠકો અને તમામ મ્યુનિસિપાલટીઓમાં તેનું પ્રદર્શન ખુબ શરમજનક રહ્યું હતું.

    આ ઉપરાંત ગત 2017 ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં પણ આમ આદમી પાર્ટીએ પોતાના 30 ઉમેદવાર ઉતાર્યા હતા, જેમાંથી 29 ઉમેદવારોએ પોતાની ડિપોઝીટ ડૂલ કરાવી હતી.

    ગુજરાતમાં ભાજપનું પ્રદર્શન

    ગુજરાતમાં ભાજપ 1995થી સતત સત્તામાં છે. આ દરમિયાન ભાજપે તમામ 6 વિધાનસભા ચૂંટણીઓ બહુમતીથી જીતી છે અને દરેક વખતે પોતાનો વોટશેર વધાર્યો છે. ભાજપે 1995 બાદ 2002, 2007, 2012 અને 2017માં વિરોધીઓને ધૂળ ચટાડી છે.

    એ સિવાય જેમ ઉપર જણાવ્યું એમ ગુજરાતની દરેક નાની મોટી ચૂંટણીઓમાં ભાજપનો દબદબો રહેલો છે અને વિરોધીઓ દૂર દૂર સુધી ભાજપને પહોંચી નથી વળતા.

    આમ હવામાં વાતો કરવા માટે બધું કરી શકાય પરંતુ આંકડાઓ અરવિંદ કેજરીવાલની વાતો સાથે મેળ નથી ખાતા. કેજરીવાલનું એમ કહેવું કે ‘ગુજરાતમાં ભાજપ AAPથી ખરાબ રીતે ડરી ગયું છે’ એ તેમનો વધુ પડતો આત્મવિશ્વાસ દર્શાવે છે કે પછી સમાચારમાં રહેવાની એક ટ્રીક માત્ર છે એ તો આવનારો સમય જ બતાવશે. પરંતુ આંકડાઓનું માનીએ તો કેજરીવાલ કંઈક ગફલતમાં જરૂર છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં