Sunday, September 15, 2024
More
    હોમપેજમંતવ્યઅયોધ્યામાં સ્કૂલ-હૉસ્પિટલ નહીં અને મંદિર જ કેમ બની રહ્યું છે? સેક્યુલર દલીલોના...

    અયોધ્યામાં સ્કૂલ-હૉસ્પિટલ નહીં અને મંદિર જ કેમ બની રહ્યું છે? સેક્યુલર દલીલોના જવાબમાં કેટલીક વાતો

    શાળા જરૂરી છે, હૉસ્પિટલ પણ એટલી જ જરૂરી છે. બધું જ જરૂરી છે. પણ પ્રશ્ન એ છે કે શું હાલની સરકાર આ બંને વિષયોને અભેરાઈએ ચડાવીને મંદિર બાંધી રહી છે?

    - Advertisement -

    પહેલાં તેઓ ‘મંદિર વહીં બનાયેંગે, તારીખ નહીં બતાયેંગે’ કહીને અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભગવાનનું મંદિર બનાવવાની માંગ લઈને આંદોલન કરતા રામભક્તોને અપમાનિત કર્યા કરતા.  રામજન્મભૂમિ પર મંદિર તોડીને તાણી બાંધેલો એક મઝહબી ઢાંચો તૂટી પડે અને તેના સ્થાને ભવ્ય મંદિર આકાર લે, તેવી તો તેમને ત્યારે કલ્પના પણ નહીં હોય, કારણ કે ત્યારે ‘સેક્યુલર’ સરકારો હતી અને સેક્યુલરિઝ્મ આવું કરવાની ના પાડે છે. તેમનું સેક્યુલરિઝ્મ તો મંદિરને સ્થાને શાળા-હોસ્પિટલ બનાવવાની પણ વાતો કરતું હતું. આ લોકો કયા? રામ મંદિર ન બને તે માટે પ્રયાસ કરી ચૂકેલા સ્યૂડો સેક્યુલરો, રાષ્ટ્રવિરોધીઓ અને એટલે હિંદુત્વના પણ વિરોધીઓ.

    જેમ મંદિરનિર્માણની શક્યતાઓ દેખાતી ગઈ તેમ આ સ્કૂલ-હોસ્પિટલવાળું નવું તૂત ઉભું કરી નાખ્યું. દલીલ એવી હતી કે દેશમાં આટલાં મંદિરો પહેલેથી છે, એક નવું બાંધી કાઢવાથી શું ફેર પડશે? તેના કરતાં જ્યાં વિવાદ ચાલે છે ત્યાં શાળા કે હોસ્પિટલ બનાવવી જોઈએ. પહેલી નજરે આ દલીલ ક્રાંતિકારી લાગે, વ્યાજબી પણ. એટલે જ પછીથી સેક્યુલર માહોલમાં તેને થોડુઘણું બળ પણ મળ્યું. હવે તો જોકે આવી દલીલોનું ઔચિત્ય કશું રહ્યું નથી, કારણ કે મંદિર બની ગયું છે પરંતુ તેમ છતાં જેમનો આત્મા 1992 અને 2002માં જ ભટકી રહ્યો છે તેવાઓ હજુ પણ ક્યાંક ક્યાંક આવી દલીલો કરતા દેખાશે કે મંદિર બાંધ્યું તેના કરતાં શાળા કે હોસ્પિટલ બાંધી હોત તો કામ આવી હોત.

    આવી દલીલો પાછળનો આશય દેશમાં સારી શિક્ષણ વ્યવસ્થા કે આરોગ્ય સુધરે તે નથી, કારણ કે તેવો આશય હોત તો 70 વર્ષ સુધી તે દિશામાં નક્કર કામો કર્યાં હોત. જેઓ સરકારમાં નથી તેમણે સરકારને પૂછ્યું હોત કે આખરે કેમ કામ નથી થયાં. અવાજ ઉઠાવ્યો હોત. પરંતુ ત્યારે તેમની ક્રાંતિકારી કલમ ન ચાલી. હવે અત્યારે આવી દલીલો થાય છે તે પાછળનો એકમાત્ર મકસદ મંદિરની માંગ કરતા અને મંદિર બનવા પર હરખ વ્યક્ત કરતા હિંદુઓને અપરાધભાવ અનુભવ કરાવવાનો છે.

    - Advertisement -

    શાળા જરૂરી છે, હોસ્પિટલ પણ એટલી જ જરૂરી છે. બધું જ જરૂરી છે. પણ પ્રશ્ન એ છે કે શું હાલની સરકાર આ બંને વિષયોને અભેરાઈએ ચડાવીને મંદિર બાંધી રહી છે? ના. મોદીની સરકારે શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે જે કામો કર્યાં છે તે કરવાનું તો ઠીક પણ પાછલી સરકારોને તેવા વિચારો પણ આવ્યા ન હતા. આ હવામાં કહેલી વાત નથી, આંકડાઓ સાબિત કરે છે. 

    માર્ચ, 2023નો એક રિપોર્ટ છે. કેન્દ્ર સરકારના આંકડાઓ કહે છે કે 2014માં મોદી સત્તામાં આવ્યા તે પહેલાં દેશમાં 7 AIIMS (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ) હતી, આજે આ આંકડો 22 પર પહોંચ્યો છે. આ સાતમાંથી પણ કોંગ્રેસના ખાતે તો માત્ર 1 જ બોલે છે, બાકીની 6 અટલ બિહારી બાજપેયીની સરકારમાં મંજૂર થઈ હતી. મોદી સરકારે આવીને માત્ર 9 વર્ષમાં 15 સંસ્થાઓનો વધારો કર્યો. ગુજરાતના રાજકોટની પણ તેમાંથી એક.

    2014માં દેશમાં 387 મેડિકલ કોલેજ હતી, 2014માં આ આંકડો 660 થઈ ગયો છે. 8 વર્ષમાં મોદી સરકારે જેટલી બની હતી તેના કરતાં બમણી મેડિકલ કોલેજ બનાવી. મેડિકલ શિક્ષણમાં પોસ્ટ ગ્રેજ્યુએશન સીટમાં પણ આ 8 વર્ષમાં ધરખમ વધારો થયો. 2014માં દેશમાં 31,185 મેડિકલ સીટ હતી. 2023 આવતાં સુધીમાં આ આંકડો 65,335 પર પહોંચી ગયો. બમણાથી વધુ બેઠકો માત્ર 9 વર્ષમાં ઉમેરાઈ.

    આયુષ્માન ભારત યોજના થકી જે કામ થાય છે એ હવે જગજાહેર છે. કરોડો લોકોને સ્વાસ્થ્ય સુવિધાઓ મળતી થઈ, જેમના સુધી ક્યારેય આ સેવાઓ પહોંચી ન હતી તેઓ પણ સારામાં સારી સુવિધા મેળવતા થયા. સરકાર તેમનો ખર્ચ ઉપાડી રહી છે. ગુજરાત જેવા રાજ્યમાં આ યોજના હેઠળ 10 લાખ સુધીની મફત સારવાર મેળવી શકાય છે. 

    શિક્ષણ ક્ષેત્રે પણ એટલું જ કામ થયું. છેલ્લાં 9 વર્ષમાં સરકારે 7 આઈઆઈટી, 7 આઈઆઈએમ અને 16 IIITની સ્થાપના કરી. શિક્ષણ ક્ષેત્રે ડિજિટલાઇઝેશનનું કામ હોય કે પછી નેશનલ એજ્યુકેશન પોલિસી થકી સુધારા લાવવાનું, સરકારે સમયે-સમયે યોગ્ય પગલાં લીધાં છે. દેશના ખૂણે-ખૂણે મેડિકલ કોલેજો ખુલે તે ધ્યેય સાથે સરકાર કામ કરી રહી છે. વિદેશી યુનિવર્સિટીઓ દેશમાં કેમ્પસ સ્થાપી શકે તે માટે પણ સરકારે માર્ગ મોકળો કરી આપ્યો. ‘સ્કિલ ઇન્ડિયા’ અને ‘પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના’ જેવી અનેક યોજનાઓનો લાભ લાખો યુવાનો મેળવી રહ્યા છે. કામો ગણાવવા બેસીએ તો ઘણાં છે. 

    પરંતુ ઘરમાં સોફા પર બેસીને હાથમાં મોબાઈલ લઈને ‘ત્યાં મંદિરને સ્થાને સ્કૂલ કે હોસ્પિટલ બનાવી જોઈએ’ની દલીલો આપનારો ક્યારેય આ બધું જાણવણી તસ્દી લેતો નથી. જાણતો હોય તો આંખ આડા કાન કરે છે. પરંતુ વાસ્તવિકતા તેનાથી બદલાતી નથી અને વાસ્તવિકતા એ છે કે સરકાર પહેલાં અઢળક શાળા-કોલેજો અને હોસ્પિટલો બાંધી ચૂકી છે અને હવે વારો મંદિરનો આવ્યો છે. 

    જે પાર્ટી સ્થાપનાથી લઈને આજદિન સુધી મંદિર નિર્માણ માટે લડતી રહી તેમણે જ પોતાના શાસનમાં મંદિર બને તે માટેનું વાતાવરણ ઉભું કર્યું. પરંતુ મંદિર બનાવે તે પહેલાં તેઓ એક નહીં અનેક શાળાઓ અને હોસ્પિટલો બનાવી ચૂક્યા છે. 

    આમ જોવા જઈએ તો આમાં સરકારનો એક પણ રૂપિયો પણ લાગ્યો નથી. મંદિર નિર્માણ માટે એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે, જેમાં સરકારી વ્યક્તિઓ નથી. આ ટ્રસ્ટ મંદિર બનાવી રહ્યું છે. સહકાર એ હિંદુ સંગઠનોનો છે, જેમણે આટલાં વર્ષો મંદિર બને તે માટે પ્રયાસો કરવામાં ખપાવી દીધાં. આ મંદિર એ રામભક્તોના દાનના પૈસા બની રહ્યું છે જેમણે પોતાના આરાધ્યને મંદિરમાં બિરાજમાન થતા જોવા માટે 500 વર્ષ સુધી રાહ જોઈ, એ બલિદાની કારસેવકોના પરિવારનો છે, જેઓ આંદોલનો દરમિયાન વીરગતિ પામ્યા હતા, આ મંદિર આ રામભક્તોના પૈસે બની રહ્યું છે. તેમાં જેમણે ‘તારીખ નહીં બતાયેંગે’ કહીને રામભક્તોને અપમાનિત કર્યા હોય તેવા લંપટોને બોલવાનો કોઈ અધિકાર નથી. 

    શાળાઓ અને હોસ્પિટલો બાંધવા માટે તો હજુ ઘણી જમીનો ખાલી પડી છે, પરંતુ ભગવાનના મંદિર માટે બીજું કોઇ સ્થાન નથી. જ્યાં રામ જન્મ્યા તે ભૂમિ પર તો તેમનું ભવ્યાતિભવ્ય મંદિર જ હોય, બીજું કશું જ નહીં. ત્યાં મંદિર ન બને તો ક્યાં બનશે?

    અયોધ્યાની રામજન્મભૂમિ પર મંદિર બનવું એટલા માટે પણ જરૂરી છે જેથી તે આવનારા યુગો-યુગો સુધી સંદેશ આપતું રહે કે ક્યાંકથી કોઇ મઝહબી આક્રાંતા આવીને મંદિર ધ્વસ્ત કરીને ત્યાં બીજો જ ઢાંચો તાણી બાંધે તો તેનાથી જે-તે સ્થળની ઓળખ બદલાઈ જતી નથી કે ઈતિહાસ બદલાઈ જતો નથી. સમય લાગે છે પરંતુ ચક્ર ફરે છે અને રાષ્ટ્ર પોતાની ઓળખ પરત મેળવે છે.  આ મંદિર જરૂરી છે એ સેંકડો બલિદાની કારસેવકોને શ્રદ્ધાંજલિ આપવા માટે, જેઓ તેના નિર્માણનું સ્વપ્ન સાથે લઈને તેના માટે લડતાં-લડતાં વીરગતિ પામ્યા. 

    હિંદુઓએ પાંચસો વર્ષ સુધી સંઘર્ષ કર્યો, ન્યાયિક લડાઇઓ લડ્યા, આંદોલનો કર્યાં, સેંકડો બલિદાન આપ્યાં ત્યારે જઈને મંદિરનો માર્ગ મોકળો બની શક્યો. પાંચસો વર્ષ સુધી ભગવાનને તંબૂ અને અસ્થાયી મંદિરમાં બિરાજમાન કરીને તેમણે પૂજા કરી. તેમણે ન મઝહબી નારા લગાવીને રસ્તાઓ પર લોહી રેડ્યું છે કે ન હિંસક તોફાનો કર્યાં છે. લોકતાંત્રિક ઢબે સંઘર્ષ કર્યો અને હવે પોતાનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છે. એક સમુદાય માટે, જેણે પાંચ સદી સુધી પોતાના આરાધ્યને મંદિરમાં બિરાજમાન થતા જોવા માટે રાહ જોઈ તેમની ભાવનાઓ આવી ફાલતુ સલાહ આપનારાઓ ક્યારેય ન સમજી શકે. જોકે, તેમને સમજાવવાનું કોઈ કામ પણ નથી. 

    મંદિર હશે અને ભગવાન ત્યાં બિરાજમાન હશે તો તેમના આશીર્વાદ અને તેમની કૃપાથી બીજી હજારો શાળાઓ અને હોસ્પિટલો બંધાશે. ‘રામરાજ્ય’ હશે તો આરોગ્ય અને શિક્ષણથી માંડીને અનેક ક્ષેત્રોમાં હરણફાળ પ્રગતિ થશે. 

    તેમ છતાં જો કોઈને વસવસો રહી ગયો હોય તો પાંચ એકર જમીનનો એક પ્લોટ આ લખનારના ધ્યાનમાં છે!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં