દુષ્યંત કુમારની કવિતાની બહુ પ્રખ્યાત પંક્તિઓ છે- ‘સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, સારી કોશિશ હૈ કી યહ સૂરત બદલની ચાહિયે.’ મીડિયાનું ઘણુંખરું કામ ‘સૂરત બદલવાના પ્રયાસ’ કરવાનું હોય છે, હોબાળો મચાવવાનું નહીં. રિપોર્ટિંગ જવાબદારીનું કામ છે. ખાસ કરીને કુદરતી આફત સમયે જ્યારે પત્રકાર સમાચાર આપતો હોય તો તેણે આંખ-કાન ખુલ્લાં રાખવાં પડે છે, સજાગ રહેવું પડે છે, એક-એક શબ્દ તોલીને બોલવો પડે છે, આસપાસ જે થતું હોય તે જ કહેવાનું અને ઘરનું તેમાં કંઈ ઉમેરવાનું હોતું નથી કે ન તેણે ન્યાયાધીશ બનીને આદેશો પાસ કરવાના હોય છે. આ બધું ન થાય અને રિપોર્ટર કે સ્ટુડિયોમાં બેઠેલો પત્રકાર ઉતાવળમાં ગમે-તે બફાટ કરે કે રિપોર્ટિંગના નામે વાનરવેડા કરે ત્યારે સોશિયલ મીડિયા પર સ્વભાવિક તેની પ્રતિક્રિયાઓ જોવા મળે. જેવું હમણાં ગુજરાતી ટીવી મીડિયા સાથે થઇ રહ્યું છે.
દસેક દિવસ પહેલાં અરબ સાગરમાં વાવાઝોડું સર્જાયું, જે ધીમેધીમે ગુજરાત તરફ આગળ વધતું ગયું. જેમ-જેમ તે ગુજરાત તરફ આવ્યું તેમ અહીંની ન્યૂઝ ચેનલો તેને લગતા સમાચારોનું પ્રમાણ વધારતી ગઈ. આખરે એકદમ નજીક આવી ગયું તો 24માંથી 22 કલાક વાવાઝોડાને લગતા સમાચારો ચાલ્યા અને ગ્રાઉન્ડ ઝીરો પર રિપોર્ટરો મોકલવા માંડ્યા. તેમણે ત્યાંથી લાઈવ અપડેટ્સ આપવા માંડ્યાં. હજુ પણ સમાચારોમાં વાવાઝોડું જ ચાલે છે અને હજુ એકાદ દિવસ ચાલશે.
અહીં એમ પણ ન કહેવાય કે મીડિયાએ સમાચારો આપવા જ ન જોઈએ, કારણ કે એ તેમનું (આમ તો અમારું) કામ છે. લોકો જમીની હકીકતથી વાકેફ થાય તે માટે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ પણ એટલું જ જરૂરી છે. પળેપળની અપડેટ આપવા પાછળનું કારણ પણ સમજી શકાય કે ચેનલોએ ટીઆરપીની રેસમાં અન્યો કરતાં આગળ રહેવું પડે છે. પરંતુ આ બધામાં હાસ્યાસ્પદ અને બાલિશ ભૂલોનો કોઈ અવકાશ ન રહે એ ધ્યાન રાખવાનું કામ પણ મીડિયાનું જ છે.
છેલ્લા અઠવાડિયામાં ગુજરાતી મીડિયા ચેનલોમાં આવી અનેક હાસ્યાસ્પદ અને ઉતાવળે થયેલી ભૂલો જોવા મળી. કોઈ એકાદ ચેનલે ભુજમાં દરિયો શોધી કાઢ્યો, પછી સ્પષ્ટતા કરી તો તેમાં પણ સાત શબ્દોમાં જોડણીની ત્રણ સામાન્ય ભૂલો કરી. એકાદ ચેનલે લખ્યું કે, દરિયાએ કન્ટ્રોલ ગુમાવી દીધો છે. દરિયાને ગાંડોતૂર સાબિત કરવામાં તો રીતસરની હોડ જ જામી હતી. અમુકે જૂના વિડીયો બતાવીને વાવાઝોડું બતાવવાનું શરૂ કર્યું તો કોઈકે તંત્રની પોલ ખોલી નાંખી!
ભાષા, શબ્દભંડોળ વગેરે સાથે ગુજરાતી ન્યૂઝ ચેનલોને પહેલેથી સબંધો સારા રહ્યા નથી. આફત સમયે તો ઉતાવળમાં અપડેટ્સ આપવાના હોય એટલે આનું સ્તર વધુ કથળ્યું. સાવ સામાન્ય કહી શકાય તેવી જોડણીની ભૂલો, ન સમજાય તેવાં વાક્યો બોલવાં-લખવાં અને નકામો બૂમરાણ મચાવી મૂકવી- આ બધું જ જોવા મળ્યું. ગ્રાઉન્ડ પરથી રિપોર્ટિંગ કરતા રિપોર્ટરોમાં પણ ભાષાનું પૂરતું જ્ઞાન ન હોવાના કારણે પચાસ શબ્દો બોલી જાય તેમાંથી માંડ પાંચ લોકોને સમજાતા હોય છે અને તેમાંથી માત્ર ‘ક્યાંકને ક્યાંક’ અને ‘તમને જણાવી દઈએ’ એટલું જ યાદ રહે છે.
આ દિવસોમાં કોઈ ટીવી ચેનલના પત્રકારે ભારે પવનમાં હાલક-ડોલક થતાં રિપોર્ટિંગ ન કર્યું હોય તો એ અપવાદ ગણાશે. અનેક એવા વિડીયો સામે આવ્યા જેમાં અતિભારે વરસાદ અને પવનમાં રિપોર્ટરો ‘રિપોર્ટિંગ’ કરતા જોવા મળ્યા. ઉપરથી ‘જીવન જોખમે’ રિપોર્ટિંગ કરવાનો ગર્વ લીધો. આવા રિપોર્ટિંગની ન તો કોઈ જરૂર છે ન તેને પ્રોત્સાહન આપવું જોઈએ. ન કરે નારાયણને કશુંક થઇ ગયું તો તેનું જવાબદાર કોણ હોય?
જાણીએ છીએ કે આપણને કર્મચારી જ છો અને આપની મહેનતની દાદ દેવી જ પડે. લોકો મીડિયાની મજાક નથી ઉડાવતા. પણ એક સામાન્ય વાતને અસામાન્ય બનાવવાની વૃત્તિ અને કાગ નો વાઘ બનાવવાની આદત તેમજ હકીકતને હકીકતની રીતે રજૂ કરવાને બદલે મરી મસાલાથી ભરપૂર બનાવવાની આદતની મજાક ઉડાવે છે.
— gyanoid 🇮🇳 (@dev_gagiya) June 15, 2023
પણ બેન ખબર છે ખતરો છે છતાં જાન જોખમમાં શું કામ મૂકવી જોઈએ 🙄
— Hitesh Shiyal (@Hits136) June 15, 2023
વાવાઝોડાનું રિપોર્ટિંગ કરતા માણસે બૂમાબૂમ કરવાની હોતી નથી કે ન લોકો વધુ ગભરાય તેવું વાતાવરણ સર્જવાનું હોય છે. આવા સમયે લખવામાં કે બોલવામાં શબ્દોની પસંદગી, બોલતા હોઈએ તો લહેકો, ચહેરા પરના હાવભાવ, સામાન્ય માણસને સમજાય તેવી ભાષા- આ બધાંનું ધ્યાન રાખવું પડે છે. કોઈ પણ વાત કહેતાં કે લખતાં પહેલાં દસ જગ્યાએ તેની ચકાસણી કરવાની હોય છે, માહિતીનો આધાર સોશિયલ મીડિયાની પોસ્ટ્સ નહીં પણ સરકારી વિભાગોના અધિકારીઓ કે વિશ્વસનીય સ્ત્રોત હોવા જોઈએ. આ બધી સામાન્ય સમજની વાત છે.
અજાણતાંમાં થયેલી ભૂલો અલગ વાત છે પરંતુ ગુજરાતી ટીવી મીડિયાના રિપોર્ટિંગમાં જે જોવા મળ્યું એ અજ્ઞાનતા અને બેદરકારીથી થયેલી ભૂલો છે. તેનો સ્વીકાર જ એકમાત્ર ઉપાય છે. આવા સમયે ‘મિનિટે મિનિટે બ્રેકિંગ ન્યૂઝ આવતા હોય એટલે આવી ભૂલો થાય’ એમ કહીને છટકબારી ન શોધી કઢાય. બ્રેકિંગ ન્યૂઝ આવતા હોય તો તેની ખરાઈ કરીને, યોગ્ય રીતે લોકો સામે મૂકવા માટે જ ટીવી ચેનલો કે વેબસાઈટ કામ કરે છે. બાકી આજે દરેક માણસ પત્રકાર છે. હાથમાંથી મોબાઈલ કાઢીને વિડીયો શૂટ કરીને સોશિયલ મીડિયા પર ફરતો કરી દે તો પણ લોકો સુધી જાણકારી પહોંચી જશે. પણ આ માહિતીની યોગ્ય ખરાઈ કરીને દસ જગ્યાએ ચકાસણી કરીને લોકો સુધી પહોંચાડવી એ મીડિયાનું કામ જ છે, તેમાં બેદરકારી દાખવવામાં આવે તો લોકો સવાલ કેમ ન પૂછે?
જવાબદારીભર્યું રિપોર્ટિંગ ઓછું અને વાનરવેડા વધારે થાય ત્યારે લોકો કંટાળે છે અને સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવે છે, એ જ હમણાં થઇ રહ્યું છે.
ગુજરાતી મીડિયા biporjoy ને લઈને ખરેખર હાંસીને પાત્ર બન્યું છે. ના વિશ્વાસ આવે તો દરેક પોસ્ટની નીચેની કમેન્ટ વાંચી લેવી !!
— Mahesh Rajgor (@TheMaheshRajgor) June 15, 2023
આપણું કામ સમાચાર આપવાનું છે સનસની આપવાનું નહીં #biporjoycyclone #BiparjoyUpdate #Biparjoy
બધું સરસ છે જો મીડિયા વાળા રેવા દે તો
— Rajanikant Gohil (@RajanikantGohil) June 16, 2023
ગુજરાતી મીડિયામાં કામ કરનારાઓએ તેનાથી અકળાઈ જવાને બદલે કે લોકોને ‘નવરી પેદાશો’ કહીને તંગડી ઊંચી રાખવાને બદલે પોતાની ભૂલો શોધીને તેની ઉપર સુધારો લાવવાની જરૂર છે. કારણ કે આપણે બાકીના દિવસોમાં ગામ આંખમાં ગાઈ-વગાડીને પોતાને ‘લોકશાહીનો ચોથો સ્તંભ’ ગણાવતા રહીએ તો સાથે એટલી જવાબદારી પણ ઉપાડવી પડે છે. આ જ મીડિયા ચેનલો કે છાપાં કોઈ નેતા કે અધિકારીની જીભ લપસી જાય કે ઉતાવળમાં કશુંક બોલાય જાય તો ગામમાં ઢંઢેરો પીટતા રહે છે, તો મીડિયાને કોઈ વિશેષાધિકાર મળ્યો નથી. શ્રેષ્ઠ ઉપાય એ જ છે કે ભૂલો સ્વીકારીને, ભાષા અને પત્રકારત્વ પર થોડું જ્ઞાન મેળવીને તેની ઉપર સુધારો લાવવામાં આવે. બાકી લોકો ચેનલો સમાચાર માટે ઓછી અને મનોરંજન માટે વધુ જોશે.