Wednesday, April 17, 2024
More
  હોમપેજમંતવ્યશાર્ક ટેન્ક: બંસલ અને મોરેની કોઠાસુજ સામે બિઝનેસ મેનેજમેન્ટની બુદ્ધિ ક્યાં પાછળ...

  શાર્ક ટેન્ક: બંસલ અને મોરેની કોઠાસુજ સામે બિઝનેસ મેનેજમેન્ટની બુદ્ધિ ક્યાં પાછળ પડી ગઈ? – મંતવ્ય

  બંને સાહસિકોને બે શાર્ક દ્વારા અનુક્રમે સ્પર્ધા અને મિત્રદાવે નાણાંકીય મદદ કરવાની ના પાડવામાં આવી અને એકે આ રણનીતિ ગળે ન ઉતરતી હોવાનું કહીને મદદ ન કરી. હશે, એમનાં પૈસા છે એમને જે યોગ્ય લાગ્યું તે. પરંતુ વ્યક્તિગત રીતે તમામ શાર્ક દ્વારા ક્યાંક આ બંને સાહસિકોને સમજવામાં ભૂલ થઇ હોય એવું લાગ્યું.

  - Advertisement -

  શાર્ક ટેન્ક ઇન્ડિયાની બીજી ઋતુ એટલેકે સિઝનના પ્રથમ પ્રકરણમાં રીકોડના ધીરજ બંસલ અને રાહુલ મોરે છવાઈ ગયા હતાં. પરંતુ જમીનથી જ ટોચે પહોંચેલા શાર્ક્સને જમીન પર ટકી રહેલાં આ બંને મિત્રોનો બિઝનેસ આઈડિયા કાં તો સમજણમાં ન આવ્યો કાં તો એમની અંદર કશુંક બળતું હોય એવું લાગ્યું.

  હું આંકડાનો કે ધંધાનો માણસ નથી, પરંતુ એમણે જે રીતે ધંધો વિકસાવ્યો છે પોતાની પ્રોડક્ટ્સ વેંચવા ઉપરાંત લોકોને શીખવાડીને પોતાની સાથે જોડીને અને પણ ફાઈવ સ્ટાર પ્રોપર્ટીમાં લંચ કરાવીને એ એકદમ પાયાનો અને સામાન્ય ભારતીય વેપારીબુદ્ધિનો વિચાર છે.

  જો કે આ લંચવાળી બાબત પર મોટાભાગના શાર્ક હસ્યાં હતાં. આ ઉપરાંત આ બંને મિત્રોએ એમ પણ કહ્યું હતું કે એકાદ-બે વર્ષના ધંધા પછી કોરોનાના સમયમાં તેમણે Marketplace (કદાચ ફેસબુકનું જ આ ફીચર છે) પર પોતાની પ્રોડક્ટ એક-એક રૂપિયામાં વેંચી દીધી હતી.

  - Advertisement -

  આ સમયે જબરદસ્ત બિઝનેસ સેન્સ ધરાવતા શાર્ક ટેન્ક ઇન્ડિયાના તમામ શાર્ક આ બંને મિત્રોની બિઝનેસ સેન્સ પર જાણેકે દયા ખાતાં હોય એવા હાવભાવ કરી રહ્યાં હતાં. પણ બંસલ અને મોરે એ વાત કહેવાનું ચુક્યા ન હતાં કે અમારી પ્રોડક્ટમાં દમ હતો એટલે એ એક-એક રૂપિયામાં વેંચીને બનાવેલા અમારા ગ્રાહકોએ અમને હવે વધાવી લીધા છે અને અમને ઢગલો રિપીટ ઓર્ડર્સ મળી રહ્યાં છે.

  એકદમ સામાન્ય સમજણનો ઉપયોગ કરી તેને મોટી વ્યાપારિક સફળતા બનાવી નાખનાર આ બંને સાહસિકોને બે શાર્ક દ્વારા અનુક્રમે સ્પર્ધા અને મિત્રદાવે નાણાંકીય મદદ કરવાની ના પાડવામાં આવી અને એકે આ રણનીતિ ગળે ન ઉતરતી હોવાનું કહીને મદદ ન કરી. હશે, એમનાં પૈસા છે એમને જે યોગ્ય લાગ્યું તે. પરંતુ વ્યક્તિગત રીતે તમામ શાર્ક દ્વારા ક્યાંક આ બંને સાહસિકોને સમજવામાં ભૂલ થઇ હોય એવું લાગ્યું.

  પોતાની ધંધાકીય સફળતાના જે આંકડાઓ બંસલ એન્ડ મોરેએ દેખાડ્યાં એ જોઇને કદાચ એમની આવડત પર ભરોસો રાખીને પાંચમાંથી એક શાર્ક તો નાણા રોકી જ શક્યો હોત. મજાની વાત એ છે કે આ એપિસોડની શરૂઆતમાં જ બે શાર્ક છત્તીસગઢના એ ગામમાં ગયાં હતાં જ્યાંની ઝાજી બ્રાંડ પ્રખ્યાત છે તેની વાત કરાઈ હતી.

  આ બ્રાંડ દેરાણી-જેઠાણીની જોડી ચલાવે છે અને શાર્ક ટેન્કની પ્રથમ સિઝનમાં એમની આવડત પર શંકા કરીને કોઇપણ શાર્ક દ્વારા તેમના ધંધામાં રોકાણ કરવામાં આવ્યું ન હતું. આ બંને જણાએ પણ પોતાની ‘પીચમાં’ બંસલ અને મોરેની જેમ જ પોતાની સફળતા વિષે જણાવ્યું હતું. જે સામાન્ય કોઠાસુજ પર આધારિત હતું.

  પરંતુ તે વખતે એમને રોકાણ ન મળ્યું પરંતુ ત્યારબાદ બે શાર્કને પોતાની ભૂલ સમજાતાં બીજી સિઝનની શરૂઆતમાં જ છત્તીસગઢ જઈને 80 લાખનું સંયુક્ત રોકાણ ઝાજી પ્રોડક્ટ્સમાં કરી દીધું હતું. પહેલી સિઝનમાં આ દેરાણી-જેઠાણીએ 50 લાખના રોકાણની માંગણી કરી હતી જે નકારવામાં આવી હતી. તો સામાન્ય કોઠાસુજ સામે બિઝનેસ મેનેજમેન્ટ પ્રકારની બુદ્ધિ ધરાવતી બે મહિલાઓએ ખોટ ખાવાનો ધંધો કર્યો એમ ન કહી શકાય?

  કદાચ બંસલ અને મોરે મિત્રોની સાથે પણ આવું થાય અને કોઈ એક કે બે શાર્કને આ સિઝન પુરી થાય ત્યારે પોતાની ભૂલ સમજાય અને એમનાં ધંધામાં રોકાણ કરી આવે અને એ પણ તેમની આજની માંગણી કરતાં વધુ રોકાણ કરીને. બાકી બિનવ્યાપારી મગજ ધરાવનારા મારા જેવા વ્યક્તિને તો આ મિત્રોની રણનીતિ ગમી ગઈ અને પ્રભાવિત પણ કરી ગઈ.

  ઘણીવાર એવું બનતું હોય છે કે જ્યારે આપણે કોઈ સાહસ કર્યું હોય ત્યારે આપણે સાલસ હોઈએ છીએ પરંતુ શાર્ક ટેન્ક જેવા સ્તરે આપણે આપણી હોંશિયારીથી પહોંચીએ ત્યારે એ સાલસતા આપણી અંદરથી જતી રહી હોય છે અને આપણે અન્ય સાલસ વ્યક્તિત્વને ઓળખી શકતાં નથી.

  બંસલ અને મોરે સાથે કદાચ આવું જ બન્યું છે, પરંતુ જે રીતે તેમણે કોઠાસુજથી પોતાનો ધંધો વિકસાવ્યો છે એનાં જેટલાં વખાણ કરીએ એટલાં ઓછા છે. આ જ કોઠાસુજ તેમને આગળ પણ સફળતા અપાવશે અને વિજયી બનાવશે. કોને ખબર છે આજથી દસેક વર્ષ બાદ શાર્ક ટેન્કની કોઈ સિઝનમાં આ બંને જ શાર્ક બનીને આવે?

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં