Tuesday, May 14, 2024
More
    હોમપેજમંતવ્યતપસ્વી વિરુદ્ધ પુજારી વિવાદ શરુ કરીને રાહુલ ગાંધી હિન્દુઓનું અપમાન કેમ કરી...

    તપસ્વી વિરુદ્ધ પુજારી વિવાદ શરુ કરીને રાહુલ ગાંધી હિન્દુઓનું અપમાન કેમ કરી રહ્યા છે?

    રાહુલ ગાંધીને ખરેખર તો ચાટુકારો નહીં પરંતુ ચતુરકારોની જરૂર છે જે એમને માત્ર સાચી રાજકીય સલાહ જ ન આપે પરંતુ સનાતન હિંદુ ધર્મનું યોગ્ય જ્ઞાન આપે. આ રીતે શોર્ટકટ દ્વારા રાહુલ ગાંધી લોકસભામાં કોંગ્રેસને વધુને વધુ બેઠકો નહીં અપાવી શકે એ ચોક્કસ છે.

    - Advertisement -

    જ્યારે પણ ચૂંટણી નજીક આવે ત્યારે રાહુલ ગાંધીનું ટેમ્પલ રન એટલેકે તેઓ મંદિર મંદિર ફરવાનું શરુ કરી દે છે. બાકીનો સમય કદાચ તેઓ હિંદુ ધર્મનું અપમાન કરવામાં જ ગાળે છે, એટલે એમનો મંદિરોએ ફરવાનો દેખાડો ખુલ્લો પડી જાય છે. ગઈકાલે રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો યાત્રા દરમ્યાન તપસ્વી વિરુદ્ધ પુજારી પ્રકારનો એક નવો વિવાદ ઉભો કરી દીધો છે.

    રાહુલ ગાંધીને ઠંડીમાં ફક્ત ટી-શર્ટ પહેરેલા જોઇને ઘણા બધાં લોકો અભિભૂત થઇ ગયાં હતાં, જેમાં એક વ્યક્તિ હતાં કહેવાતાં બુદ્ધિજીવી સુધિન્દ્ર કુલકર્ણી. કુલકર્ણી સાહેબે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને એમની ‘મહેનતને’ જોઇને તેમને તપસ્વી કહી દીધા. બસ! પછી જોઈતું’તું જ શું? સમગ્ર કોંગ્રેસ ઈકોસિસ્ટમે, જેમાં પત્રકારો પણ સામેલ છે તેમણે રાહુલ ગાંધીને તપસ્વી કહેવાનું શરુ કરી દીધું.

    લાગે છે કે પોતાની ચમચાગીરી કરીને તેમની નજીક આવનારા લોકોને રાહુલ ગાંધીએ સીરીયસલી લઇ લીધા અને એમણે ખરેખર પોતાની જાતને તપસ્વી માની લીધી છે. બહુ વર્ષો પહેલાં એક ફિલ્મ જોઈ હતી જેમાં એક પાત્ર માનસિક રીતે અસ્વસ્થ હોય છે એની સમક્ષ જે કોઇપણ છેલ્લો શબ્દ બોલવામાં આવે તેને તે રીપીટ કરતો હોય છે. ઉદાહરણ તરીકે એની સામે ડોક્ટર શબ્દ બોલવામાં આવે તો એ બોલવા લાગે કે, “હું ડોક્ટર છું, હું ડોક્ટર છું, હું ડોક્ટર છું.” આવી જ રીતે જો તેની સામે ગધેડો શબ્દ પણ બોલવામાં આવે તો એ તે પણ એ જ પ્રમાણે બોલવા લાગે છે.

    - Advertisement -

    રાહુલ ગાંધીએ છેલ્લા દસેક દિવસમાં પોતાની સામે સુધિન્દ્ર કુલકર્ણી દ્વારા બોલવામાં આવેલા અને સહુથી છેલ્લા માનવાચક તપસ્વી શબ્દને સાંભળી લીધો અને તેમણે આ શબ્દને ગંભીરતાથી લઇ લીધો અને પોતાની જાતને મનોમન તેઓ કદાચ તપસ્વી સમજવા પણ મંડ્યા. પરંતુ ખાટલે મોટી ખોડ એ રહી ગઈ કે રાહુલબાબાને તપસ્વીનો મૂળ અર્થ શું છે તેની ખબર નથી અને આથી જ તેમણે ગઈકાલે તપસ્વી વિરુદ્ધ પુજારી જેવી અપમાનજનક સરખામણી પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કરી દીધી.

    સામાન્ય હિંદુ જેને સનાતન ધર્મની સમજ છે તેને ખ્યાલ છે કે તપસ્વી અને પુજારી બંને ભલે અલગ હોય પરંતુ આપણા મહાગ્રંથોમાં આ બન્નેની મહત્તા એકબીજાથી જરાય ઓછી નથી. તપસ્વી એટલે કે જે તપ કરીને સમાજનું ભલું કરતો હોય છે એ જેમાં આપણા મહાન ઋષિમુનિઓ પણ સામેલ છે. પુજારીનો સરળ અર્થ ભલે મંદિરોમાં પૂજા કરતાં વ્યક્તિ તરીકેનો હોય પરંતુ તેનો બૃહદ અર્થ ભગવાનની પૂજા કરનાર કોઇપણ વ્યક્તિ તરીકે થઇ શકે છે.

    આથી રાહુલ ગાંધીએ આપણા દેશમાં તપસ્વી વિરુદ્ધ પુજારી ઓછો મહત્ત્વનો છે અથવાતો અયોગ્ય છે તેમ કહીને મોટાભાગના હિંદુઓનું અપમાન કર્યું છે જેઓ દરરોજ સવાર અને સાંજ પોતાના ઘરમાં ભગવાનની પૂજા કરતાં હોય છે. આટલું જ નહીં દેશભરમાં લાખો મંદિરો છે આ મંદિરોમાં પણ લાખો પુજારીઓ દરરોજ ત્રણ સમય જે-તે ભગવાનની પૂજા કરીને પોતાની સેવા આપે છે અને સનાતન સંસ્કૃતિને ફક્ત આગળ જ નથી વધારી રહ્યાં પરંતુ તેનું નિસ્વાર્થ ભાવનાથી રક્ષણ પણ કરી રહ્યાં છે, રાહુલ ગાંધીએ એમનું પણ હળાહળ અપમાન કર્યું છે.

    મજાની વાત એ છે કે પોતાને જાણીજોઈને તપસ્વી માની બેઠેલા રાહુલ ગાંધીને તપસ્વીનો પણ અર્થ ખબર નથી, પરંતુ પોતાને ‘અમુક લોકો’ તપસ્વી કહે છે એટલે તપસ્વી મહાન અને પુજારી બિનમહત્વના એ પ્રકારની મૂર્ખતાપૂર્ણ વાત તેમણે કરી દીધી છે. ફક્ત દાઢી વધારીને દેશની યાત્રા કરવાથી કોઈ તપસ્વી નથી બની જતું. જો રાહુલ ગાંધીએ હિંદુ ધાર્મિક ગ્રંથોમાં પડેલી હજારો તપસ્વીઓની લાખો વાતોમાંથી એક પણ વાત વાંચી હોત તો તેમને ખ્યાલ હોત જ કે તપસ્વીનો ખરો અર્થ શું છે.

    પણ રાહુલબાબાને એ મહેનત તો કરવી નથી. એમને ફક્ત કોંગ્રેસનાં હાથમાંથી લગભગ જતાં રહેલાં હિંદુ મતોને પરત લાવવા માટે હિંદુ હોવાનો ખોટો દેખાવ જ કરવો છે. પરંતુ છેલ્લા આઠેક વર્ષથી તેમનો આ દેખાવ એમને જોઈતાં ફળ નથી લાવી શકતો એટલે હવે તેઓ સૌરાષ્ટ્રની બોલીમાં કહીએ તો અથરા થયા છે અને ગમેતેમ બોલવા લાગ્યાં છે, પરંતુ આમ કરીને છેવટે તો તેઓ અને તેમની કોંગ્રેસ પાર્ટી હિંદુઓથી વધુ ને વધુ દુર જવા લાગી છે.

    જો કે તપસ્વી વિરુદ્ધ પુજારી શરુ કરીને ખરેખર તો રાહુલ ગાંધીએ હિંદુઓનું જ અપમાન કરી દીધું છે જેની પાછળના કારણો આપણે ઉપર વાંચ્યાં. હવે આમ કરીને રાહુલ ગાંધીએ હિંદુઓને વધુ નારાજ કરી દીધા છે અને એને કારણે કોંગ્રેસની પરિસ્થિતિ તેઓ વધુ ખરાબ કરી ચુક્યા છે. કોઇપણ સનાતનધર્મી આ પ્રકારની વાહિયાત સરખામણીથી રોષ અનુભવે જ જેમાં શંકાને સ્થાન નથી.

    જોવાનું એ છે કે રાહુલ ગાંધીનું હિંદુઓનું કરેલું આ નવું અપમાન આ વર્ષે આવનારી અસંખ્ય વિધાનસભાઓની વિવિધ ચૂંટણીઓમાં કેટલું નડશે કારણકે ભાજપ આને અત્યારથી જ મુદ્દો બનાવી ચુક્યું છે અને આવનારી દરેક ચૂંટણીઓના પ્રચારમાં તેનો ઉપયોગ જરૂર કરવાનું છે જ.

    રાહુલ ગાંધીને ખરેખર તો ચાટુકારો નહીં પરંતુ ચતુરકારોની જરૂર છે જે એમને માત્ર સાચી રાજકીય સલાહ જ ન આપે પરંતુ સનાતન હિંદુ ધર્મનું યોગ્ય જ્ઞાન આપે. આ રીતે શોર્ટકટ દ્વારા રાહુલ ગાંધી લોકસભામાં કોંગ્રેસને વધુને વધુ બેઠકો નહીં અપાવી શકે એ ચોક્કસ છે. જો કે અત્યારે તો કોંગ્રેસે આ ડેમેજને કન્ટ્રોલ કેમ કરવી એ વિચારવાનું છે, પરંતુ કદાચ એવું નહીં થાય અને રાહુલ ગાંધી બહુ જલ્દીથી અને ફરીથી હિંદુ ધર્મનું અપમાન કરી બેસશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં